• મંગળવાર, 10 ડિસેમ્બર, 2024

સુરતમાં રસોઈ બનાવવાના પ્રશ્ને પિતાએ કૂકર મારી પુત્રીની હત્યા કરી

કામરેજ નજીક લૂંટના મુદ્દામાલની વહેંચણીમાં ચાંદીની લકી ન આપતા બે ભાઈએ યુવકને મૃત્યુને ઘાટ ઉતાર્યો

સુરત, તા.29: સુરતમાં ચોકબજાર વિસ્તારમાં ભરીમાતા રોડ પર પિતાએ પુત્રીના માથામાં કૂકર મારી હત્યા કરી હતી. બીજા બનાવમાં જિલ્લાના કામરેજ પાસે લૂંટના બનાવના મુદ્દામાલની વહેંચણીમાં માથાકૂટ થતા બે ભાઈએ યુવકને મૃત્યુને ઘાટ ઉતાર્યો હતો.

ભરીમાતા ખાતે આવેલા સુમનમંગળ આવાસમાં મુકેશ પરમાર પરિવારમાં પત્ની તથા બે પુત્રી હર્ષા તથા હેતાલી (ઉં.18) અને બે પુત્ર જેનીશ અને મયંક સાથે રહે છે. પિતા મુકેશે પુત્રી હેતાલીને રસોઈ બનાવવા બાબતે ઠપકો આપ્યો હતો. તેઓ બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી ત્યારબાદ પુત્રી સુઈ ગઈ હતી ત્યારે આક્રોશમાં આવેલા પિતાએ પુત્રીના માથામાં કૂકર મારી દેતા પુત્રી ત્યાં જ લોહીલુહાણ થઈને ઢળી પડી હતી ત્યારબાદ પરિવાર પુત્રીને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો હતો. જ્યાં સારવાર દરમિયાન મોડી રાતે હેતાલીએ દમ તોડયો હતો. જેથી પિતા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બીજા બનાવમાં કામરેજ નજીક લૂંટના માલની વહેંચણી સાથે રવિ ઉગરેજીયાએ લૂંટવાળુ લકી પસંદ આવી જતા રાહુલ પાસે માગ્યું હતું. રાહુલે આપવાની ના પાડી દીધી હતી. બોલાચાલી બાદ રાહુલે રોહિતને ચપ્પુના ઘા મારી દેતા ગુસ્સામાં આવેલા તેના ભાઈ રવિએ ચપ્પુનો ઘા રાહુલને મારી દીધો હતો ત્યારે રોહિતે તેના ભાઈ રવિ પાસેથી ચપ્પુ લઈ ભાગેલા રાહુલને પાછળના ભાગે ઘા મારી ભાગી ગયા હતા. ચપ્પુના ઘાથી ઈજાગ્રસ્ત રાહુલ ઉગરેજિયાનું મૃત્યુ થતા ઘટના સ્થળે શોધખોળ બાદ તેના પરિવારને મૃતદેહ લાડવીની સીમમાંથી મળી આવ્યો હતો. આ કેસમાં રવિ કિરણભાઈ ઉગરેજિયા અને રોહિત કિરણભાઈ ઉગરેજિયાની ધરપકડ થઈ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક