• મંગળવાર, 23 એપ્રિલ, 2024

પોરબંદરમાં માસુમ બાળકની નજર સામે પિતાની હત્યા

પત્નીએ પ્રેમીનો સાથ લઈને પતિનું સરાજાહેર ખૂન કરાવ્યું: પત્ની સહિત ચારની ધરપકડ: ચારેય પાસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવાયું 

પોરબંદર, તા. 24: ગાંધીભૂમિ અઠવાડિયામાં ચોથી વખત લોહિયાળ બની છે અને ગતરાત્રે ખીજડી પ્લોટ પાસે બાઇકમાં જઈ રહેલા યુવાન ઉપર છરી વડે ઘાતક હુમલો કરીને મૃત્યુને ઘાટ ઉતારી દેવાયો છે. તેની પત્નીને પણ ઈજા પહોંચી હતી. આ બનાવમાં પત્નીએ જ તેના પ્રેમી સાથે મળીને પતિનો કાંટો કાઢી નાખવા આ હત્યા કરાવ્યાનું ખૂલ્યું હતું. પોલીસે પત્ની, તેના પ્રેમી સહિત ચારની ધરપકડ કરી હતી. ચારેય પાસે બનાવનું રીકન્સ્ટ્રક્શન કરાવાયું હતું.

બનાવની વિગત એવી છે કે, નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતો 35 વર્ષનો કાયાભાઈ રામભાઈ ગઢવી નામનો યુવાન ગઈકાલે રાત્રે તેની પત્ની નીતા તથા બે બાળક જયવીર અને મહાવીરને લઈને બાઇક  પર ખીજડી પ્લોટ પાસેથી પસાર થતો હતો ત્યારે અચાનક જ બે શખસ છરી લઈને ધસી આવ્યા હતા અને તે કશું સમજે તે પહેલા જ એક શખસે સીધી જ તેના પેટના ભાગે છરી ઝીંકી દેતા તે બાઇક ઉપરથી નીચે પડી ગયો હતો. આ બનાવમાં પત્ની નીતાને પણ હાથમાં છરી વાગી હતી અને બન્ને બાળક તથા આ મહિલા પણ રોડ ઉપર પડી ગયાં હતાં. એ પછી એ શખસોએ કાયાભાઇ પર ક્રૂરતાપૂર્વક છરીના ઘા મારીને નાસી ગયા હતા. આ રીતે બે પુત્રની નજર સામે જ પિતાની હત્યા થઈ હતી. બનાવની જાણ થતા પોલીસ કાફલો પહોંચી ગયો હતો અને લોહીલુહાણ હાલતમાં રહેલા કાયાભાઈ અને તેની પત્નીને સારવાર માટે હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા હતા. ફરજ પરના તબીબોએ કાયાભાઈને મૃત જાહેર કર્યા હતા જ્યારે તેની પત્નીને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આ બનાવ અંગે જયભારત સોસાયટીમાં રહેતા અને મોઢા વિદ્યાલયમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા મૃતકના ભાઈ વાલાભાઈ રામભાઈ ગઢવીએ તેના ભાઈ કાયાભાઈની હત્યા કરવા અંગે કાયાભાઈની પત્ની નીતા તેના પ્રેમી રહીમ હુશેન ખીરાણી અને તેના બે મિત્ર મેરાજ ઇકબાલભાઈ પઠાણ અને તૌફિક અનીશભાઈ ભટ્ટી સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેના ભાઈની પત્ની નીતાને રહીમ સાથે પ્રેમસંબંધ હોય તેમાં તેનો ભાઈ કાયાભાઈ આડખીલીરૂપ બનતો હોયે તેનો કાંટો કાઢી નાખવામાં આવ્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પોલીસે આ બનાવમાં શહેર ભાજપ પ્રમુખ પંકજ મજીઠિયાનાં ઘરના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. બાદમાં મૃતકની પત્ની નીતા, તેના પ્રેમી રહીમ ખિરાણી, તેના મિત્ર મેરાજ પઠાણ અને તૌફિક ભટ્ટીની ધરપકડ કરી હતી. બાદમાં ચારેયને બનાવ સ્થળે લઈ જઈને ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરાવ્યું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક