• બુધવાર, 01 એપ્રિલ, 2026

ભાવનગરના વરતેજમાં સામાન્ય પ્રશ્રે જૂથ અથડામણ : 3 ઘવાયા

કરિયાણાની દુકાને વસ્તુ લેવા ગયેલી મહિલાનો વીડિયો ઉતાર્યાની શંકાએ તંગદિલી

ભાવનગર, તા.31: ભાવનગર નજીક આવેલા વરતેજ ગામે સમાન્ય પ્રશ્રે જૂથ અથડામણ સર્જાતા ત્રણ લોકોને ઈજા પહોંચી હતી. કરિયાણાની દુકાને વસ્તુ લેવા ગયેલી મહિલાનો મોબાઈલમાં વીડિયો ઉતાર્યો હોવાની આશંકા સેવાતા બે જૂથ વચ્ચે ભારે તંગદિલી સર્જાઈ હતી.

જાણવા મળતી વિગત મુજબ વરતેજ ગામે કરિયાણાની દુકાને વસ્તુ લેવા ગયેલી મહિલાનો કોઈ શખસે મોબાઈલમાં વીડિયો ઉતાર્યો હોવાની શંકાએ બે જૂથ સામસામે આવી ગયા હતા. બન્ને પક્ષ સામસામે આવી જતાં પથ્થરમારો અને ઝપાઝપી થઈ હતી. સામાન્ય બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધો હતો. જેમાં ત્રણ જેટલા વ્યક્તિઓને ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ભાવનગર જિલ્લા પોલીસ વડા  નીતીશ પાંડે, ડીવાયએસપી સિંઘલ, એલસીબી, એસઓજી સહિત વરતેજ પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે વરતેજના ઘાંચી ચોક સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. આ હિંસક અથડામણને પગલે સ્થાનિક બજારોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો અને દુકાનોના શટર ટપોટપ પડી ગયા હતા.

આ મામલે વરતેજ પોલીસ મથકમાં બન્ને પક્ષ દ્વારા સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં ઋતુરાજભાઈ ગાવિંદભાઈ મોરીએ અબ્દુલભાઈ સતારભાઈ સહિતના શખસો સામે ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામા પક્ષે અબ્દુલરજાકભાઈ સૈયદે ગોપાલભાઈ મનુભાઈ મોરી તથા અન્ય શખસો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક