કૌભાંડના તાર અન્ય ક્યાં-ક્યાં જોડાયેલા છે તે અંગેની દિશામાં પોલીસ તપાસ
મોરબી,તા.8:મોરબી
એલસીબી અને સ્થાનિક પોલીસે માળિયા તાલુકાના મોટા દહીંસરા ગામમાં દરોડો પાડીને કેમિકલની
મદદથી ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવતી અને બોટલો પર નકલી ક્યૂઆર કોડ, બારકોડ તથા સ્ટીકર
લગાડવાની ગેરકાયદે પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો છે. આ દરોડા દરમિયાન દારૂ બનાવવાના સાધનો,
કેમિકલ અને નકલી બોટલો સહિત કુલ રૂ. 20.75 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પકડાયેલા તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા અદાલતે તેમના 8 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર
કર્યા છે, દરમિયાન પોલીસ દ્વારા આ પ્રકરણમાં રાજસ્થાન કનેક્શન અને અન્ય ફરાર આરોપીની
શોધખોળ માટે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
આ ગેરકાયદે
પ્રકરણમાં પોલીસે મહેશ ઉર્ફે મુન્નો ધરમશી કાંજીયા, કર્મરાજાસિંહ મંગળાસિંહ ઝાલા, રામદેવાસિંહ
ઘનશ્યામાસિંહ ઝાલા, વિક્કી ઉર્ફે કાનો રમેશભાઈ સિંધવ અને વિક્રમ કેશુભાઈ ધંધુકીયા નામના
પાંચ ઇસમોની ધરપકડ કરી છે. આ આરોપીઓ દ્વારા મોટા દહીંસરા ગામના કૃષ્ણનગર અને દરબારગઢ
વિસ્તારમાં આવેલા મકાનોમાં રહીને આ દારૂ બનાવવાનું નેટવર્ક ચલાવવામાં આવતું હતું. હાલ
રિમાન્ડ પર રહેલા આ આરોપીઓની પૂછપરછમાં આ ગુનાના મુખ્ય સૂત્રધાર એવા અજયાસિંહ ભાવુભા
જાડેજાને ઝડપી લેવા તેમજ આ કૌભાંડના તાર અન્ય ક્યાં-ક્યાં જોડાયેલા છે તે અંગેની દિશામાં
પોલીસ તપાસ આગળ વધી રહી છે.