• બુધવાર, 09 સપ્ટેમ્બર, 2026

રાયબાકિના ક્વાર્ટરમાં : સ્વિયાતેક ઞજ ઓપનમાંથી આઉટ

ક્વાર્ટરમાં જીત મેળવી રાયબાકિના પાસે નંબર વન બનવાની તક

જર્મનીનો ઝેવરેવ વર્ષની ચારેય ગ્રાંડસ્લેમ ટૂર્નામેન્ટના ક્વાર્ટરમાં પહોંચનારો એકમાત્ર ખેલાડી

ન્યૂયોર્ક, તા.8 : વર્ષની આખરી ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ યુએસ ઓપનના મહિલા વિભાગમાં અપસેટનો શિકાર બનીને 6 વખતની ગ્રાંડસ્લેમ વિજેતા પોલેન્ડની ઇગા સ્વિયાતેક પ્રી. ક્વાર્ટરમાં હારીને ટૂર્નામેન્ટની બહાર થઈ છે જ્યારે બીજા ક્રમની એલિના રાયબાકિના અને કોકો ગોફ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. મેન્સ સિંગલ્સમાં જર્મનીનો એલેક્ઝાંડર ઝેવરેવ અને નેધરલેન્ડનો બોટિક વેન ડે અંતિમ-8 રાઉન્ડમાં પ્રવેશ્યા છે. જ્યાં બન્ને આમને-સામને હશે.

ચીનની ખેલાડી ઝેંગ ક્વિનવેને અપસેટ કરીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી છે. તેણીએ ઇગા સ્વિયાતેક વિરુદ્ધ 7-પ અને 6-3થી જીત મેળવી હતી જ્યારે એલિના રાયબાકિનાનો જાપાની ખેલાડી નાઓમી ઓસાકા સામે 6-1 અને 6-4થી વિજય થયો હતો. અમેરિકી યુવા ખેલાડી કોકો ગોફનો હમવતન ખેલાડી ઇવા જોવિક વિરુદ્ધ 6-1 અને 6-4થી વિજય થયો હતો અને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી. રાયબાકિનાની ક્વાર્ટરમાં ઝેંગ સામે ટક્કર થશે. જો રાયબાકિના સેમિ ફાઇનલમાં પહોંચશે તો આર્યના સબાલેંકાને હટાવીને વિશ્વ નંબર વન બની જશે જ્યારે કોકો ગોફનો સામનો રૂસી ખેલાડી મીરા એન્ડ્રિવા વિરુદ્ધ ક્વાર્ટરમાં થશે. મીરાએ અનાસ્તાસિયા પોટાપોવાને પ-7, 6-4 અને 6-3થી હાર આપી પહેલીવાર યુએસ ઓપનના ક્વાર્ટરમાં જગ્યા બનાવી છે.

મેન્સ સિંગલ્સમાં ઝેવરેવનો 21મા ક્રમના ખેલાડી ઇટાલીના લુસિયાનો ડોર્ડરી સામે 6-2, 6-2 અને 7-6થી વિજય થયો હતો. આ જીતથી ઝેવરેવ વર્ષ 2026ની તમામ ચાર ગ્રાંડસ્લેમ ટૂર્નામેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારો એકમાત્ર ખેલાડી બન્યો છે. કવાર્ટરમાં તેની ટક્કર ડચ ખેલાડી બોટિક સામે થશે. તેણે ફ્રાંસના આર્થર ગીઆને 3-6, 6-7, 7-6, 7-6 અને 6-4થી હાર આપી હતી. આ મુકાબલો પ કલાક અને 13 મિનિટ સુધી ચાલ્યો હતો.

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક