અમેરિકા અને અન્ય 24 દેશો સાથે મળીને કરશે કામ
નવી દિલ્હી, તા.8ઃ ભારત 6-જીની રેસમાં આગળ રહેવા માટે સતત પ્રયત્નશીલ છે અને તેમાં એક મહત્ત્વની ભૂમિકા પણ ભારત નિભાવવા જઈ રહ્યું છે. અમેરિકાના વાણિજ્ય મંત્રાલય (િડપાર્ટમેન્ટ ઓફ કોમર્સ) દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ભારત, અમેરિકા અને અન્ય 24 દેશો
સાથે મળીને ભવિષ્યની નવી ઇન્ટરનેટ ટેક્નોલોજી 6જી નેટવર્ક વિકસાવવા અને તેના નિયમો નક્કી કરવા માટે સાથે મળીને કામ કરશે.
આનાથી સ્પષ્ટ થાય છે કે 6જીના ભવિષ્યને નક્કી કરવામાં હવે ભારત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ઉલ્લેખનીય છે કે વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી જિતિન પ્રસાદે જી20 ઇનોવેશન મિનિસ્ટિરિયલ દરમિયાન અમેરિકાના વેપાર અને ઉદ્યોગ મંત્રી હોવર્ડ લટનિક સાથે મુલાકાત કરી હતી, જ્યાં બંનેએ 6જી ટેક્નોલોજીના ભવિષ્ય અંગે ચર્ચા કરી હતી.
અમેરિકાના કોમર્સ વિભાગે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટમાં કહ્યું છે કે, ભારત- અમેરિકા અને અન્ય 24 દેશ સાથે 6જીના વિકાસમાં જોડાયા છે. આનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે ભવિષ્યની 6જી ઇન્ટરનેટ ટેક્નોલોજી સુરક્ષાનું ધ્યાન રાખે, દેશને વેપાર અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં અન્ય દેશોથી આગળ રાખે અને નવીનતાને પ્રોત્સાહન આપે. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે અમેરિકાના મિયામી શહેરમાં જી20 શિખર સંમેલન યોજાઈ રહ્યું છે. આ સંમેલનમાં કેન્દ્રીય વાણિજ્ય રાજ્યમંત્રી જિતિન પ્રસાદે મંત્રી સ્તરની અનેક બેઠકોમાં ભાગ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે ભારત આ વર્ષે જુલાઈમાં અમેરિકાની ટેલિકોમ એજન્સી (એનટીઆઈએ) દ્વારા શરૂ કરવામાં આવેલી 6જી લીડરશિપ એન્ડ સિક્યોરિટી પહેલનો ભાગ બન્યું છે. આ સમજૂતી હેઠળ ભારત અને અન્ય 25 દેશો
આગામી 12 મહિના
સુધી સાથે મળીને સુરક્ષિત, મજબૂત અને વિશ્વસનીય 6જી નેટવર્કનું માળખું તૈયાર કરશે. આ ભાગીદારીનો ઉદ્દેશ 6જી નેટવર્કમાં સાઇબર સુરક્ષાને મજબૂત બનાવવાનો, અલગ-અલગ કંપનીઓનાં ઉપકરણોને એકબીજા સાથે સરળતાથી જોડાઈ શકે તેવા બનાવવાનો અને નેટવર્કના સંચાલન માટે સુરક્ષિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)નો ઉપયોગ કરવાનો છે. આ સાથે જ ભારત પોતાના ભારત 6જી મિશન દ્વારા પોતાને 6જી ટેક્નોલોજીના વૈશ્વિક હબ તરીકે સ્થાપિત કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ભારતનું લક્ષ્ય માત્ર 6જીનો ઉપયોગ કરવાનો નથી, પરંતુ 6જી ટેક્નોલોજીના નવા પેટન્ટ, ઉપકરણો અને સસ્તા ટેલિકોમ પ્રોડક્ટ્સ વિકસાવીને સમગ્ર વિશ્વમાં તેની નિકાસ કરવાનો પણ છે.