વડોદરામાં પીએમ મોદીનો જેન-ઝી સાથે સંવાદ ઃ ‘નમો ફોર વિકસિત ભારત’ કાર્યક્રમમા રૂ.35 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
વડોદરા તા.8 ઃ વડોદરાના એમ.એસ. યુનિવર્સિટી મેદાન ખાતે યોજાયેલા ‘નમો ફોર વિકસિત ભારત’ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ.35 હજાર
કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને રાષ્ટ્રને સમર્પણ કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાને જેન-જી સાથે 25 મિનિટ
સુધી સંવાદ કર્યો હતો. કાર્યક્રમમાં 6 હજારથી વધુ યુવાઓને બોલાવવામાં આવ્યાં હતાં. મોદીએ યુવાનો ખોટા દાવાઓ અને ભ્રામક વાતોથી બચવાની અપીલ કરી હતી.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, લોકો આપને પોતાના જૂઠ્ઠાણાઓથી ગુમરાહ કરવાનો પ્રયત્ન કરશે પરંતુ આપ સત્ય ઉપર અડગ રહેશો. મોદીનો આ નિવેદન રાહુલ ગાંધી અને કોંગ્રેસના છાત્રો કી ગુંજ અભિયાન પરનો કેન્દ્રિત હતું. વડાપ્રધાનના કાર્યક્રમ માટે ખાસ કરીને વાય પ્રકારનો રેમ્પ બનાવવામાં આવ્યો હતો. ભાષણ પૂર્વે પીએમ રેંપ ઉપર ચાલીને યુવાનોની વચ્ચે પહોચ્યાં હતાં.
વડાપ્રધાને ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરનો ઉલ્લેખ કરતાં અગાઉની સરકાર પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, 2004માં ક્રેઈટ કોરિડોરનો વિચાર આવ્યો, 2006માં કંપની બનાવવામાં આવી, પરંતુ 2014 સુધી
ફાઇલો અહીંથી ત્યાં ફરતી રહી. ફાઇલને કોરિડોર મળ્યો નહીં. તેમણે વધુમાં કહ્યું હતું કે, 2014માં ગુજરાતે તેમને દિલ્હી મોકલ્યા બાદ સરકાર બદલાઈ અને કામને ગતિ મળી. આઠ વર્ષમાં એક કિલોમીટર પણ ફ્રેઇટ કોરિડોરનું કામ થઈ શક્યું નહોતું, જ્યારે આજે અમે 2,800 કિલોમીટરનું
કામ પૂર્ણ કરી બતાવ્યું છે. મોદીએ ઉમેર્યુ હતું કે, તે વેપાર માટેનો મુખ્ય આધાર બનશે. અલગ માલવાહક માર્ગ બનવાથી મુસાફર ટ્રેનોને પણ સમયસર દોડાવવામાં મદદ મળશે અને પરિવહન ક્ષેત્રમાં મોટો ફેરફાર આવશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજે પૂર્વી અને પશ્ચિમી ફ્રેઈટ કોરિડોર ઉપર 430થી વધુ માલગાડીઓ ચાલે છે. પહેલા જે માલગાડી સાડા છ કલાકમાં 100 કિમીની
યાત્રા કરતી હતી તે હવે તેનાથી અડધા સમયમાં યાત્રા પૂર્ણ કરશે જ્યાં ટ્રકથી સામાન મોકલવા 30 કલાક
લાગતા હતાં ત્યા હવે 10થી 12 કલાક
લાગશે. મુંબઈથી વડોદરા વચ્ચે માલગાડીઓના સંચાલનનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે એક માલગાડીમાં આશરે 250 ટ્રક
જેટલો માલ લઈ જવાની ક્ષમતા રહે છે. આથી ઝડપી અને મોટા પાયે માલ પરિવહન શક્ય બનશે.
મોદીએ કહ્યું કે ગુજરાતમાં ગણેશોત્સવ અને નવરાત્રી જેવા તહેવારો દરમિયાન સમગ્ર દેશનું ધ્યાન ગુજરાત પર હોય છે. છેલ્લા એક અઠવાડિયાથી વડોદરામાં સ્વચ્છતાનું વાતાવરણ જોવા મળ્યું છે. ગણેશજીના આગમન સાથે વડોદરાને તેમના આશીર્વાદ મળશે તેવી લાગણી પણ તેમણે વ્યક્ત કરી હતી. મોદીએ ગુજરાતીમાં કહ્યું હતું કે, હવે મારુ એક કામ કરશો ? વડોદરાને આટલુ સ્વચ્છ બનાવી દીધુ પણ હવે વડોદરાને ગંદું થવા જ નથી દેવું. હું પોતે ગંદકી નહીં કરું તેવો સંકલ્પ કરીએ.
કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલા વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરી સરકારની કામગીરી ગણાવી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડોદરાવાસીઓએ સ્વચ્છતા અને વૃક્ષારોપણ કરીને વડાપ્રધાનના સ્વાગતનો સંદેશ આપ્યો છે. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની શક્તિનો વિશ્વને પરિચય થયો છે. દેશ અને ગુજરાતમાં રેલવે, રસ્તા, રમતગમત સહિતની માળખાકીય સુવિધાઓમાં ઝડપી વિકાસ થયો છે. જે વિઝનને એક સમયે અશક્ય માનવામાં આવતું હતું, તેને વડાપ્રધાને શક્ય કરી બતાવ્યું છે.