• શનિવાર, 27 જુલાઈ, 2024

મોરબીમાં દલિત યુવાનને ચપ્પલ ચટાવનાર યુવતી-બે સાગરીત પોલીસમાં હાજર લૂંટની કલમનો ઉમેરો: અન્ય સાગરીતોની શોધખોળ

મોરબી, તા.ર7: મોરબીમાં રવાપર ચોકડીએ પેઢી ધરાવતી વિવાદાસ્પદ યુવતી પાસે બાકી પગાર લેવા ગયેલા યુવાનને સાગરીતો સાથે મળી ધોકાવ્યા બાદ પોલીસે યુવતી સહિત 1ર શખસ સામે ગુનો નોંધ્યો હતો અને યુવતી સહિત પાંચે આગતોરા જામીન અરજી કરતા કોર્ટે નામંજૂર કર્યા બાદ વિવાદાસ્પદ યુવતી બે સાગરીત સાથે સામેથી રજૂ થતાં પોલીસે ત્રણેયની ધરપકડ કરી રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, મોરબીમાં રહેતા નિલેષ દલસાણિયા નામના યુવાનને નોકરીમાંથી છૂટો કરી દેવાતા બાકી પગાર લેવા જતા વિભૂતિ ઉર્ફે રાણીબા પટેલ, તેનો ભાઈ ઓમ પટેલ, રાજ પટેલ, મેનેજર પરીક્ષિત, ડી.ડી.રબારી સહિતના શખસોએ બેફામ મારકૂટ કરી મોઢામાં ચપ્પલ લેવડાવી વીડિયો ઉતારી જ્ઞાતિપ્રત્યે હડધૂત કરી કાઢી મૂક્યો હતો. આ બનાવ અંગે પોલીસે વિભૂતિ પટેલ સહિત 1ર શખસ સામે ગુનો નોંધ્યો હતો.

દરમિયાન વિભૂતિ પટેલ સહિત પાંચે આગોતરા જામીન મેળવવા કોર્ટમાં અરજી કરતા કોર્ટે જામીન અરજી રદ કરી હતી. દરમિયાન પોલીસે ડી ડી રબારી ઉર્ફે મયુર ઉર્ફે દેવો દિલિપ કલોત્રા નામના શખસને ઝડપી લીધો હતો. દરમિયાન વિભૂતિ ઉર્ફે રાણીબા હિતેશ ઉર્ફે હિતેન્દ્ર સીતાપરા તેનો ભાઈ ઓમ પટેલ અને રાજ પટેલ સામેથી પોલીસ સમક્ષ નાટકીય ઢબે રજૂ થતા પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી તેમજ રૂ.પ00ની લૂંટ ચલાવ્યાની કલમનો ઉમેરો કર્યો હતો. પોલીસે ત્રણેયને રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી આશ્રય આપનાર શખસો સામે કાર્યવાહી હાથ ધરવાની તજવીજ હાથ ધરી હતી અને નાસી છૂટેલા સાગરીતોની શોધખોળ શરૂ કરી હતી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક