• મંગળવાર, 14 મે, 2024

જેતપુરનાં બોરડી સમઢીયાણામાં અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમલગ્ન

કરતા યુવકને માર મારી તોડફોડ

જેતપુર, તા.28 : (ફૂલછાબ ન્યુઝ) જેતપુર તાલુકાનાં બોરડી સમઢિયાણા ગામે યુવતીએ પોતાની મરજીથી અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમલગ્ન કરતા યુવતીના પરિવારજનોએ યુવકનાં ઘરમાં ઘૂસી તોડફોડ કરી તેના પરિવારજનોને ઢીકાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની તાલુકા પોલીસ સ્ટેશનમાં પાંચ શખસ સામે ફરિયાદ નોંધાઈ હતી.

તાલુકાનાં બોરડી સમઢીયાણા ગામે રહેતા કેવીન કિશોરભાઇ સખરેલિયા નામના યુવાને ગામમાં જ રહેતી નયના બુધાભાઈ રાઠોડ નામની યુવતી સાથે પ્રેમલગ્ન કરી ગત 26 એપ્રિલે બન્ને ઘરેથી નાશી ગયા. આ બાબતનો ખાર રાખી યુવતીના ભાઈઓ ઉદય અને સતીશ બન્ને કેવીનનાં ઘરની વંડી ઠેકી ઘરમાં પ્રવેશી કેવીનના પિતા કિશોરભાઈ અને માતા નયનાબેન બન્ને જ ઘરે હતા. તેઓને આવીને અમારી બેન ક્યાં છે તેમ જોરશોરથી બોલી ઘરમાં તોડફોડ કરવા લાગ્યા. જેથી તેઓને આવી તોડફોડ કરતા રોકવાની કોશિશ કરતા વૃદ્ધ દંપતીને બન્ને ભાઇ ઢીકાપાટુનો માર મારતા બન્ને રાડારાડ કરવા લાગ્યાં હતાં. જેથી બન્ને ભાઇઓ દરવાજો ખોલી ભાગવા લાગેલ દરવાજો ખૂલતા હિતેશ રબારી, જીજ્ઞેશ રબારી અને જયલો ઉર્ફે જયેશ રબારી ફળિયામાં આવી જેમ ફાવે તેમ ગાળો બોલી તેઓએ પણ ઢીકાપાટુનો માર માર્યો અને અમારી બહેન પરત નહીં આવે તો તને જાનથી મારી નાખશું તેવી ધમકી આપતા ગયા.

બાદમાં ઇજાગ્રસ્તો જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવતા ત્યાં કિશોરભાઈએ પાંચેય શખસ સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક