• ગુરુવાર, 03 એપ્રિલ, 2025

બુલડોઝર કાર્યવાહી સામે સુપ્રીમ નારાજ

ગેંગસ્ટર અતીકની મિલકત સમજીને તોડી પડાયેલા મકાનો મામલે કોર્ટની આકરી ફટકાર: કહ્યું, અમારો અંતરાત્મા હચમચી ઉઠયો : 10-10 લાખના વળતરનો આપ્યો આદેશ

નવી દિલ્હી, તા.1 : સુપ્રીમ કોર્ટે મંગળવારે પ્રયાગરાજ વિકાસ સત્તામંડળ (પીડીએ)ને અમુક ઘર તોડી પાડવા બદલ આકરા શબ્દમાં ફટકાર લગાવી હતી. કોર્ટે અધિકારીઓની બુલડોઝર કાર્યવાહીને અમાનવીય અને ગેરકાયદેસર ગણાવી હતી અને પીડિતોને 10-10 લાખ રૂપિયા વળતર આપવાનો આદેશ કર્યો હતો. કોર્ટે કહ્યંy હતું કે પીડીએએ કાયદાની ઉચિત પ્રક્રિયાનું પાલન કર્યા વિનાજ કેટલાંક મકાન તોડી પાડયાં હતાં. તેનાથી અમારી અંતરાત્માને ઝાટકો લાગ્યો છે.

સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું કે 2021માં કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન, અન્ય લોકોની લાગણીઓ અને અધિકારોને ધ્યાનમાં લેવામાં આવ્યા ન હતા.

જસ્ટિસ અભય એસ ઓકા અને જસ્ટિસ ઉજ્જવલ ભુઇયાની બેન્ચે કહ્યું કે દેશમાં લોકોના રહેણાંક મકાનોને આ રીતે તોડી શકાય નહીં. આનાથી અમારો અંતરાત્મા હચમચી ઊઠયો છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે વિકાસ સત્તામંડળોએ એ યાદ રાખવું જોઈએ કે આશ્રયનો અધિકાર પણ ભારતના બંધારણની કલમ-21નો અભિન્ન હિસ્સો છે.

ઉલ્લેખનીય છે કે 2021માં, પ્રયાગરાજ વહીવટીતંત્રે એડવોકેટ ઝુલ્ફિકર હૈદર, પ્રોફેસર અલી અહેમદ અને અન્ય 3 લોકોના ઘરોને ગેંગસ્ટર અતીકની મિલકત હોવાનું માનીને તોડી પાડ્યા હતા. આ લોકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.અલ્હાબાદ હાઈકોર્ટે તેમની અરજીઓ ફગાવી દીધી હતી.

સુપ્રીમ કોર્ટે પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટીને આદેશ આપ્યો છે કે જે લોકોના મકાનો તોડી પાડવામાં આવ્યા છે તેમને 6 અઠવાડિયાની અંદર 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક