શ્રેયસ
અય્યરની વાપસી થશે
મુંબઇ
તા.1: બીસીસીઆઇ ટૂંક સમયમાં ખેલાડીઓના વાર્ષિક કરારની સૂચિ જાહેર કરવાની છે. વિરાટ
કોહલી અને રોહિત શર્મા ટી-20 ઇન્ટરનેશનલ ફોર્મેટમાંથી સંન્યાસ લઇ ચૂકયા છે. આથી આ બન્ને
ટોચના એ પ્લસ ગ્રેડમાં સામેલ થશે કે નહીં, તે વિશે ચર્ચા ચાલી રહી છે. હવે એવા રિપોર્ટ
સામે આવ્યા છે કે કોહલી અને રોહિત વાર્ષિક કરારમાં બીસીસીઆઇ ટોચના એ પ્લસ ગ્રેડમાં
જ સામેલ કરશે. ટી-20ના સંન્યાસ છતાં આ બન્ને ખેલાડીને સન્માન રૂપે બીસીસીઆઇ 7 કરોડનો
એ પ્લસ ગ્રેડ જ આપશે. મોટાભાગે ત્રણેય ફોર્મેટ નિયમિત રમી રહેલ સ્ટાર પરફોમર્સ ખેલાડીને
એ પ્લસ ગ્રેડ મળતો હોય છે. ગત કરારમાં ટોચના આ ગ્રેડમાં ફકત વિરાટ કોહલી, રોહિત શર્મા,
જસપ્રિત બુમરાહ અને રવીન્દ્ર જાડેજા સામેલ હતા.
રિપોર્ટ
અનુસાર શ્રેયસ અય્યરની પણ કરાર સૂચિમાં વાપસી નિશ્ચિત છે. જયારે ઇશાન કિશને હજુ ઇંતઝાર
કરવો પડશે. અભિષેક શર્મા, નીતિશકુમાર રેડ્ડી અને હર્ષિત રાણાએ પહેલીવાર બીસીસીઆઇનો
સેન્ટ્રલ કોન્ટ્રાકટ મળી શકે છે. બીસીસીઆઇ દ્વારા વાર્ષિક કરારમાં ગ્રેડ એ પ્લસમાં
સામેલ ખેલાડીને 7 કરોડ મળે છે. ગ્રેડ એમાં સામેલ ખેલાડીને પ કરોડ, ગ્રેડ બીમાં સામેલ
ખેલાડીને 3 કરોડ અને ગ્રેડ સીમાં સામેલ ખેલાડીને વર્ષે 1 કરોડ રૂપિયા મળે છે.