ઝઉઙએ
બિલને સમર્થન જાહેર કર્યુ : પોતાનાં સાંસદોને ભાજપનો વ્હીપ : ચર્ચા માટે 8 કલાકનો સમય,
વિપક્ષે વધુ સમયની માગણી ઉઠાવી
આનંદ
કે. વ્યાસ
નવી
દિલ્હી, તા.1: દેશભરમાં રાજકીય વિવાદનું કેન્દ્ર બનેલા વક્ફ સુધારા વિધેયકને આખરે આવતીકાલે
મોદી સરકાર લોકસભામાં પેશ કરશે. આજે સંસદનીય કાર્યવાહી સલાહકાર સમિતિ તરફથી આ બિલને
સંસદમાં રજૂ કરવા માટે લીલીઝંડી આપી દેવામાં આવી છે. આ મહત્ત્વનો ખરડો લોકસભામાં મૂકાવાનો
હોવાથી સત્તાધાર એનડીએ ગઠબંધનનું નેતૃત્વ કરતાં ભાજપે પોતાનાં તમામ સાંસદોને ગૃહમાં
હાજર રહેવા માટે વ્હીપ જારી કર્યો છે. આ સાથે જ ભાજપે પોતાનાં સહયોગી દળોને પણ આવી
જ રીતે વ્હીપ જારી કરવા માટે સૂચન કર્યુ હતું. વિપક્ષો આ વિધેયકને રોકવા કમર કસી રહ્યાં
છે ત્યારે જેડીયુ અને એલજેપીએ સસ્પેન્સ વધારી દીધું છે. એનડીએનાં સહયોગી ટીડીપી દ્વારા
તો વિધેયકને સમર્થન જાહેર કરી દેવામાં આવ્યું છે પણ હજી સુધી નીતિશનાં જેડીયુ અને ચિરાગ
પાસવાનનાં એલજેપીએ પોતાનો અભિગમ સ્પષ્ટ કર્યો નથી.
કેન્દ્રીય
સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજૂએ કહ્યું હતું કે, આવતીકાલે પ્રશ્નકાળ પછી તુરંત લોકસભામાં
વક્ફ વિધેયક વિચારણા અને પસાર કરવા માટે રજૂ કરવામાં આવશે. આ વિધેયક ઉપર ચર્ચા માટે
કુલ 8 કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે. બીજી તરફ વિપક્ષ દ્વારા આનાં ઉપર ચર્ચા માટે
કમસેકમ 12 કલાકનો સમય માગવામાં આવ્યો છે. આનાં ઉપર સંસદીય કાર્યમંત્રીનું કહેવું છે
કે, 4 એપ્રિલે સંસદનાં બજેટ સત્રનો બીજો તબક્કો પણ પૂર્ણ થશે અને તે પહેલા આ વિધેયકને
રાજ્યસભામાં પણ પસાર કરાવવાનું છે. ઉલ્લેખનીય છે કે, બિલ કાલે બપોરે 12 કલાકે લોકસભામાં
રજૂ થશે અને પછી ચર્ચાનો સમય જો લંબાવવાની આવશ્યકતા જણાશે તો અધ્યક્ષ દ્વારા તેનો નિર્ણય
કાર્યવાહી દરમિયાન કરવામાં આવશે.
રિજિજૂએ
કહ્યું હતું કે, વક્ફ બિલનો મુદ્દો લોકસભા માટે જેટલો મહત્ત્વનો છે એટલો જ રાજ્યસભા
માટે પણ છે. જો આનાં ઉપર બે દિવસ સુધી લોકસભામાં ચર્ચા થાય તો રાજ્યસભા પાસે તેનાં
ઉપર ચર્ચાનો સમય બચે નહીં. અમે એક સારું વિધેયક લઈને આવ્યા છીએ. સંસદનાં રેકોર્ડમાં
નોંધાશે કે કોણે આને સમર્થન અને કોણે તેનો વિરોધ કર્યો હતો.
આ મહત્ત્વનાં
વિધેયકને લઈને ભાજપ અને મોદી સરકાર સતર્ક છે. ભાજપે વ્હીપ જારી કરીને તમામ સાંસદોને
આ વિધેયકની ચર્ચા અને મતદાન માટે હાજર રહેવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત ભાજપે તમામ
સાંસદોને ચર્ચામાં કોઈપણ હિસાબે ઉત્તેજિત નહીં થવાની સૂચના પણ આપવામાં આવી છે. સરકાર
કોઈપણ મુદ્દે વિપક્ષને હંગામો કરવાની તક ન મળે તેવું સુનિશ્ચિત કરવા માગે છે. બીજીબાજુ
વિપક્ષ આ વિધેયકને રોકવા માટે તમામ પ્રયાસોમાં લાગી ગયા છે.
સરકાર
અત્યારે જેડીયુ અને ટીડીપીનાં સમર્થન ઉપર નિર્ભર છે. ત્યારે ક્યા પક્ષનું આ બિલ ઉપર
કેવું વલણ રહેશે તે જોવું રસપ્રદ બનવાનું છે. ચિરાગ પાસવાનનાં લોજપએ હજી સુધી આ ખરડાને
ખુલીને સમર્થન કરવામાં આવ્યું નથી. આવી જ રીતે નીતિશ કુમારનાં જેડીયુ તરફથી પણ પત્તા
ખોલવામાં નથી આવ્યા. એટલે સસ્પેન્સ ઘેરાયું છે. તો ચંદ્રાબાબુ નાયડુનાં ટીડીપીએ આ બિલને
મુસલમાનો માટે હિતકારક ગણાવીને સમર્થનનું એલાન કર્યુ છે. ટીડીપી પાસે લોકસભામાં 16
સાંસદ છે.