વિવાદિત
ધર્મસ્થાનોના આંદોલનમાં કાર્યકરોને જોડાવા છૂટ આપી
નવી
દિલ્હી તા.1 : અયોધ્યા હમારી, અબ કાશી-મથુરા કી બારી...આવા નારા વારંવાર સાંભળવા મળે
છે પરંતુ હવે તેમાં વેગ આવી શકે છે. શ્રીકૃષ્ણ જન્મભૂમિ સાથોસાથ કાશી વિશ્વનાથ જ્ઞાનવાપી
વિવાદ અંગે આંદોલન ઝડપી બન્યું છે. કાશી મથુરા આંદોલન અંગે સંતો એકજૂથ થઈ રહ્યા છે.
હવે આ આંદોલનને સંઘનું પરોક્ષ સમર્થન મળ્યાના અહેવાલ છે.
રાષ્ટ્રીય
સ્વયં સેવક સંઘ તરફથી કાશી-મથુરા આંદોલન અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવામાં આવ્યાનું
કહેવાય છે. આરએસએસના મહાસચિવ દતાત્રેય હોસબોલેએ સ્પષ્ટ કર્યુ છે કે જો સંગઠનના સદસ્ય
મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ અને કાશી વિશ્વનાથ-જ્ઞાનવાપી વિવાદ સાથે સંબંધિત આંદોલનમાં
ભાગ લે છે તો સંગઠનને કોઈ વાંધો નહીં હોય. જો કે તેમણે તમામ મસ્જિદોને નિશાન બનાવીને
મોટાપાયે કરાઈ રહેલા પુનર્ગ્રહણના પ્રયાસો અંગે ચેતવણી આપી છે. તેમણે સામાજિક કલેશથી
બચવાની જરુરીયાત પર ભાર મૂકયો છે.
હોસબોલેએ
કહયુ કે એ સમયે (1984) વિહિપ, સાધુ સંતોએ 3 મંદિરની વાત કરી હતી. જો અમારા સ્વયં સેવકોનો
એક વર્ગ આ ત્રણ મંદિર મામલે એકજૂથ થવા ઈચ્છે છે તો અમે રોકીશું નહીં. જાણકારો અનુસાર
સંઘે સીધી રીતે આવા વિવાદથી ભલે ખૂદને અલગ રાખ્યું હોય પરંતુ વૈચારિક રીતે તે તેનું સંપૂર્ણ સમર્થક છે. આ વાતનો અંદાજ સંઘના કેન્દ્રિય
પદાધિકારી ડો.ઈન્દ્રેશ કુમારના નિવેદનથી પણ લગાવી શકાય કે આ વર્ષે જાન્યુઆરીમાં તેમણે
કહયુ હતુ કે કાશી, મથુરા અને સંભલ જેવા વિવાદિત ધાર્મિક સ્થળોને હિન્દુઓને સોંપી દેવા
જોઈએ. ધર્મના નામે કબ્જો અને હિંસા ઈસ્લામિક નીતિની વિરુદ્ધ છે. સંઘ સિવાય ઘણાં હિન્દુ
સંગઠનો પણ કાશી વિશ્વનાથ જ્ઞાનવાપી વિવાદથી માંડી શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ અંગે અવાજ
ઉઠાવતાં રહયા છે. જાણકારો અનુસાર અન્ય સંગઠનોને સંઘનો પરોક્ષ ટેકો રહયો છે. હોસબોલેની
સ્પષ્ટ વાતથી સંઘ કાર્યકરોને નૈતિક બળ મળ્યું છે. રામ મંદિર આંદોલનની તર્જ પર અન્ય
આંદોલનમાં હવે તેઓ વિના સંકોચ જોડાઈ શકશે.