• ગુરુવાર, 03 એપ્રિલ, 2025

સૌરાષ્ટ્ર અગનભઠ્ઠી બન્યું, સુરેન્દ્રનગર 42.3 અને રાજકોટ 42.2 ડિગ્રી તાપમાન

હીટવેવ સાથે કેટલાક જિલ્લામાં છુટાછવાયા વરસાદની આગાહી 

કચ્છ અને ભાવનગરમાં આજે હીટવેવની શક્યતાના પગલે યલો એલર્ટ

અમદાવાદ, તા. 1: રાજ્યમાં હાલમાં બેવડી ઋતુ ચાલી રહી છે. એક બાજુ ગરમીએ માઝા મુકી છે ત્યારે બીજી બાજુ અમુક સ્થળોએ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે અમુક ભાગોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણ વાદળછાયુ જોવા મળ્યું હતું. તો સૌરાષ્ટ્રમાં આકરી ગરમી અનભવાઇ હતી. સુરેન્દ્રનગર 42.3 અને રાજકોટ 42.2 ડિગ્રી સાથે રાજ્યના સૌથી ગરમ શહેર રહ્યા છે.

હવામાન વિભાગ દ્વારા આવતીકાલે કચ્છ અને ભાવનગરમાં હીટવેવની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કર્યુ છે. આ ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, સુરત, નવસારી, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ જિલ્લાઓમાં પ્રતિકલાક 30થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઇ શકે છે. 

મધ્ય મહારાષ્ટ્ર ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશનને લઈને ભેજ આવતા વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મધ્ય ગુજરાતના વડોદરા, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર તેમજ દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવના છૂટાછવાયા સ્થળોએ મધ્ય વરસાદ અને ઝાપટાં વરસી શકે છે. દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને તકેદારી પગલા લેવા માર્ગદર્શિકા જાહેર કરાઇ છે.

નોંધનીય છે કે એપ્રિલમાં સામાન્ય રીતે તાપમાન 30.3થી 40.4 ડિગ્રી રહે છે, પરંતુ આ વખતે એપ્રિલમાં તાપમાન 1થી 3 ડિગ્રી વધુ રહી શકે છે, એટલે કે પારો 42 ડિગ્રી વટાવી શકે છે. કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના સરહદી જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતમાં ગરમી વધુ રહેશે.

એપ્રિલમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જશે

હવામાન ખાતાના સૂત્રોના અનુસાર માવઠાને કારણે 3 એપ્રિલ સુધી ગરમી 40 ડિગ્રીથી નીચે રહી શકે છે. ત્યારબાદ 4થી 10 એપ્રિલની વચ્ચે 38થી 42 ડિગ્રી વચ્ચે ગરમી રહી શકે છે. મધ્ય પૂર્વ ગુજરાતને બાદ કરતા સમગ્ર રાજ્યમાં ગરમીનું જોર વધુ રહી શકે છે જ્યારે 11થી 17 એપ્રિલની વચ્ચે ઉત્તર ગુજરાતના પાટણ, નાબસાંકઠા, કચ્છ અને સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ, અમદાવાદ, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ગરમી 38થી 42 ડિગ્રીની વચ્ચે રહી શકે છે.  18થી 24 એપ્રિલમાં મોટે ભાગે કચ્છ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ તેમજ બનાસકાંઠામાં ગરમીનું જોર 26થી 42 ડિગ્રીની વચ્ચે રહી શકે છે. તેમજ છેલ્લા સપ્તાહમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થશે અને ફરી મેમાં તાપમાન ઉંચકાશે. 

કયાં, કેટલી ગરમી?

સુરેન્દ્રનગર          42.3

રાજકોટ              42.2

મહુવા                41.8

ભુજ                  41.3

કેશોદ                 41

અમરેલી             40.9

અમદાવાદ           40.8

ડીસા                  40.7

ગાંધીનગર           40.6

જૂનાગઢ             40.1

ઇ-પેપરના નવા શુલ્ક