• રવિવાર, 04 મે, 2025

લોધિકામાં બે દાયકાથી ગેરકાયદે રહેતા ત્રણ પાકિસ્તાની ઝડપાયા

 વર્ષ 1994માં પતિ અને 1999માં પત્ની-પુત્ર પાકિસ્તાની પાસપોર્ટ પર આવ્યાં, પુત્રએ ભારતીય મહિલા સાથે લગ્ન કર્યા અને એની ઘરે પણ દીકરો થઇ ગયો

ત્રણેય પેઢીની કેન્દ્રીય સુરક્ષા એજન્સી દ્વારા પૂછપરછ કરાશે

રાજકોટ, તા.3: પહલગામ હુમલા બાદ ભારત સરકારે સરહદ અંદર દેશમાં ઘૂસણખોરોનો સફાયો કરવાનો નિર્ણય કરી લીધો હોય તેમ ગેરકાયદે ઘૂષણખોરોને ખદેડી મુકવા અભિયાન શરૂ કર્યું છે ત્યારે ગુજરાતમાંથી પણ ઘૂષણખોરોને વીણી વીણીને દેશનિકાલ કરવા ગતિવિધિ તેજ કરવામાં આવી છે ત્યારે રાજકોટની ભાગોળે આવેલા લોધિકાથી પોલીસે ત્રણ પાકિસ્તાનીને ઝડપી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. તેઓ બે દાયકાથી લોધિકામાં ગેરકાયદે વસવાટ કરતા હોવાનો પણ ખુલાસો થયો છે.

મળતી માહિતી પ્રમાણે લોધીકા પોલીસને મળેલી બાતમીનાં આધારે પોલીસે ખાનગી રાહે તપાસ કરાવતા મુનાફ નામના શખસના ઘરેથી બે મહિલાઓ, એક પુરુષ અને એક સગીર એમ કુલ ચાર પાકિસ્તાની નાગરિકો કોઈ પણ આધાર પુરાવા વિના લોધિકામાં રહેતા હોવાનું સામે આવતા પોલીસે ચારેયની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, મુનાફ ઈબ્રાહીમ ટાટરિયા નામનો શખસ 1992માં કામ અર્થે પાકિસ્તાના કરાંચી શહેરમાં ગયો હતો જ્યાં તેનો રિઝવાના નામની યુવતી સાથે પરિચય થયા બાદ તેની સાથે નિકાહ કરી લીધા હતા જ્યાં પુત્ર જીનાશનો જન્મ થયો હતો. બાદ રીઝવાનાબેનના પતિ મુનાફ સને 1994 માં ભારત પરત આવી ગયેલ અને ત્યારબાદ તા-30/07/1999ના રોજ રીઝવાનાબેન તથા તેમનો પુત્ર ઝીશાન બન્ને સંયુક્ત પાકિસ્તાની પાસપોર્ટ ઉપર ભારત લોધીકા મુકામે આવેલ અને ત્યારબાદ પાકિસ્તાન પરત ગયેલ ન હતા અને તેમના પતિ મુનાફભાઇ ટાટારિયા સાથે લોધિકા મુકામે ચીભડા રોડ પર ગેરકાયદેસર રીતે ઓવર સ્ટે કરી રહેવા લાગેલ. રીઝવાનાએ ભારત આવ્યા બાદ પુત્રીને જન્મ આપ્યો હતો. વિઝા પૂર્ણ થયાં છતાં રિઝવાનાએ વિઝા રીન્યુ કરાવ્યા ન હતા અને તેણે લોધિકા ખાતે રહેવાનું ચાલુ રાખ્યું હતું. રિઝવાનાના પુત્રીની ઉંમર હાલ 25 વર્ષ છે જ્યારે પુત્રની ઉંમર 22 વર્ષ છે. રિઝવાનાના પુત્રના પણ લગ્ન થઇ ગયા છે અને તેના ઘરે પણ એક સંતાન છે અને તેઓ છેલ્લા 28 વર્ષથી લોધિકામાં રહે છે.

લોધીકા પોલીસે ત્રણેય પાકિસ્તાની નાગરિકોને અટકાયતમાં લઇ કાર્યવાહી હાથ ધરી કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓને જાણ કરતા પુછપરછ માટે કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ રાજકોટ આવશે અને તમામ પાકિસ્તાનીઓની પૂછપરછ કરી દેશનિકાલ કરવા તજવીજ હાથ ધરવામાં આવશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક