• મંગળવાર, 26 મે, 2026

સરકારી કચેરીઓમાં ફાઈવ ડે વીકની શક્યતા

શાળા પ્રવેશોત્સવ સ્થાનિક કક્ષાએ ઉજવાય તેમજ માસ ટ્રાવાલિંગ ઉપર વધુ ભાર મુકવા ઉપર પણ સૂચનો થશે

રાજ્યમાં વર્ક ફ્રોમ હોમની દરખાસ્ત હાલ પૂરતી સ્થગિત કરી

(ફૂલછાબ ન્યુઝ)

ગાંધીનગર, તા. 25:    આજે સરકાર દ્વારા વૈશ્વિક પરિસ્થિતિના સંદર્ભમાં ગુજરાતની સ્થિતિ અંગેની સમીક્ષા કરવા રાજ્ય મંત્રીમંડળના આઠ જેટલા સભ્યોની સમિતિની બેઠક જીતુ વાઘાણીના નિવાસસ્થાને મળી હતી.

બે કલાકથી વધુ ચાલેલી આ બેઠકમાં રાજ્ય સરકારની કચેરીઓમાં ફાઈવ ડે વીકની ભલામણ વહીવટીય સુધારણા પંચે કરી છે તેના ઉપર વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી તેમજ ખાસ કરીને કર્મચારી સંગઠનો એ પણ વર્ક ફ્રોમ હોમની જે રજૂઆત કરી હતી તેને લઈ વિસ્તૃત ચર્ચા-વિચારણા ને અંતે પોતાનો અહેવાલ તૈયાર કરવાનું ઉચિત માન્યું છે.

સચિવાલયના સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે આજની આ બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની પરિસ્થિતિ તેમજ ગરમીના પ્રકોપથી વીજળીની માગમાં જે વધારો ઉભો થયો છે તેને પહોંચી વળવાની બાબતે પણ સારી એવી ચર્ચાઓ થઈ હતી. આ ઉપરાંત પેટ્રોલ-ડીઝલ માટે મુખ્ય સચિવ કક્ષાએ જે કંટ્રોલ રૂમ ઉભો કરાયો છે તેની સ્થિતિ અને તેમાં મળેલી ફરિયાદોના સંદર્ભમાં પણ ચર્ચાઓ થઈ હોવાનું જાણવા મળેલ છે.

રાજ્ય સરકાર આગામી દિવસોમાં યોજાનાર શાળા પ્રવેશોત્સવ સ્થાનિક કક્ષાએ ઉજવાય તેના ઉપર તેમજ માસ ટ્રાવાલિંગ ઉપર વધુ ભાર મુકવા ઉપર પણ આ સમિતિ પોતાના સૂચનો કરશે તેમ મનાઈ રહ્યું છે.

બેઠક પછી મંત્રીમંડળના જે સભ્યો હતા તેમણે મૌન ધારણ કર્યું છે અને કંઈ પણ કહેવાનો ઇન્કાર કરી રહ્યા છે. મંત્રીમંડળની આ સમિતિમાં રાજ્યના પંચાયત મંત્રી ઋષિકેશ પટેલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ, ગ્રામ મંત્રી કુંવરજી બાવળિયા, રાજ્યમંત્રી મનીષાબેન વકીલ, રાજ્યમંત્રી રિવાબા જાડેજા સહિતના મંત્રીઓ ઉપસ્થિત હતા.

સરકાર દ્વારા ફાઈવ ડે વીક સરકારી કચેરીઓમાં લાગુ કરવા માટે વધુ ઉત્સાહિત હોવાનું અનુમાન થઈ રહ્યું છે. તેને કારણે વર્ક ફ્રોમ હોમની દરખાસ્ત હાલ પૂરતી સ્થગિત કરી આગળ ઉપર તેના ઉપર વિચારણા કરવાની દિશામાં સમિતિ આગળ વધી હોય તેવી શક્યતાઓ વધુ મનાઈ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વહીવટીય સુધારણા સમિતિએ કચેરીઓના સમયમાં જ્યારે ફેરફાર ન કરવાનું સૂચન કર્યું ત્યારે કર્મચારી સંગઠનો એ ફાઈવ ડે વીકની દરખાસ્ત રજૂ કરી હતી અને તેના ઉપર સર્વસંમતિ ઉભી થઈ શકી ન હતી. હવે વૈશ્વિક પરિસ્થિતિના સંદર્ભમાં ફાઈવ ડે વીકની દરખાસ્ત આગળ ધપાવવામાં આવી રહી છે. મંત્રીમંડળની સમિતિ તેનો અહેવાલ  બુધવારની મંત્રીમંડળની બેઠકમાં રજૂ કરશે, પરંતુ તે પહેલા કરકસરના અન્ય કોઈ પગલાંઓ કેવા હોઈ શકે તે માટે સમિતિના સભ્યોને કાલે સાંજે ચાર વાગ્યા સુધીમાં પોતાના સૂચનો રજૂ કરવા માટે કહેવામાં આવ્યું હોવાની વાતો પણ બહાર ચર્ચામાં છે.

ઇ-પેપરના નવા શુલ્ક