ધીરાણ
માફી, પાણી-ચારાની વ્યવસ્થાની માગણી ન સંતોષાય તો આંદોલનઃ ઓછા વરસાદને લીધે હાલત કફોડી
રાજકોટ,
જૂનાગઢ, અમરેલી, જામખંભાળીયા, ધોરાજીઃ (ફૂલછાબ ન્યૂઝ) સૌરાષ્ટ્રના અનેક તાલુકાઓમાં
વરવો દુષ્કાળ પડ્યો છે ત્યારે માત્ર ચાર જિલ્લાને મામૂલી સહાય આપવામાં આવતા કિસાનોમાં
વિરોધ વધતો જાય છે. ક્યાંક તાલુકા પંચાયત, ક્યાંક જિલ્લા પંચાયત કે ક્યાંક કલેક્ટર
કચેરીએ વિરોધની રજૂઆતો થાય છે. કિસાનો ટોકન જેવી સહાયથી રોષે ભરાઇને હવે આંદોલનના મૂડમાં
છે. સરકાર તાત્કાલિક તમામ તાલુકાઓના સર્વે બાદ દુષ્કાળની જાહેરાત કરીને સરકાર પાક ધીરાણ
માફ કરે તેવી માગ ઉઠી છે.
ખેડૂતો
અને ખેડૂત અગ્રણીઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા એકત્ર થતાં જાય છે. ખેડૂતોની સરકાર
સમક્ષ માગ છેકે, જાહેર થયેલા પેકેજની ફેરવિચારણા કરવામાં આવે, દુષ્કાળગ્રસ્ત કે અર્ધદુષ્કાળગ્રસ્ત
તાલુકાઓમાં સર્વે થાય અને સત્વરે પેકેજની જાહેરાત કરાય. પશુઓ માટે વધુને વધુ સંખ્યામાં
ઘાસ ડેપો શરૂ કરવા પણ એટલા જ જરુરી હોવાની માગ થઇ છે. ગામડાંઓમાં પીવાના પાણીની સમસ્યા
શિયાળા પૂર્વે થવા લાગી છે અને રવી પાકનું વાવેતર કરવાનું પણ મુશ્કેલ થઇ પડ્યું છે.
કિસાનો ચોતરફે ઘેરાયા છે ત્યારે સરકારે ચોમેરથી સહાયનો પોકાર ઉઠ્યો છે.
સરકાર
ખેડૂતોની માગણી ન સ્વીકારે તો 12 નવેમ્બરથી લડતના મંડાણ કરવાની જાહેરાત કોંગ્રેસ દ્વારા
કરવામાં આવી છે. ધોરાજીના લલિત વસોયાએ પણ ખેડૂતો માટે તાત્કાલિક નિર્ણય લેવા માટે કહીને
આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
રાજકોટ
જિલ્લાના ડેમોમાં
35.98
ટકા જ જળસંગ્રહ
રાજકોટ
જિલ્લાના 27 જળાશયોમાં કુલ સંગ્રહ ક્ષમતાની સામે આશરે 35.98 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ
છે. ભાદર-2 અને આજી-2 જેવા જળાશયોમાં પાણીનો
સંગ્રહ સારો છે, તો બીજી તરફ છાપરવાડી-1, ડોંકી અને કર્ણુકી સહિતના કેટલાક જળાશયોમાં
પાણીનો જથ્થો ઘણો ઓછો નોંધાયો છે. આંકડા મુજબ ભાદર-2 જળાશયમાં 78.60 ટકા અને આજી-2માં
99.74 ટકા જળસંગ્રહ નોંધાયો છે. લાલપરી જળાશયમાં પણ 99.05 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ
છે. આ ઉપરાંત ન્યારી-2માં 89.16 ટકા અને મોજ ડેમમાં 36 ટકા જળસંગ્રહ નોંધાયો છે. છાપરવાડી-1માં
માત્ર 2.66 ટકા, ડોંકીમાં 4.92 ટકા, કુકાવમાં 4.92 ટકા અને મોતીસરમાં 7.07 ટકા જળસંગ્રહ
નોંધાયો છે. ઉપરાંત સોડવદર, ઈશ્વરિયા અને કરમાળ જેવા જળાશયોમાં પણ પાણીનો જથ્થો ઓછો
છે.
અમરેલીમાં નુકસાનનો સર્વે કરી દિવાળી પહેલાં વળતર
ચૂકવો
અમરેલી
જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે અને પાક નુકસાનનો સર્વે કરાવી
દિવાળી પહેલાં વળતર ચૂકવવામાં આવે તેવી માગ થઇ છે. ખેડૂતોની પાક લોન તથા વ્યાજ માફ
કરવાની માગ ખેડૂતો ઉઠાવી રહ્યા છે. મોંઘા ભાવે બિયારણ, ખાતર અને દવાઓ ખરીદી મગફળી,
કપાસ તથા સોયાબીનનું વાવેતર કર્યું હતું. જો કે, ત્યારબાદ વરસાદે લાંબો વિરામ લેતાં
ખેતરોમાં ઊભા પાક સુકાવા લાગ્યા છે. કૂવા અને બોરનાં જળસ્તર પણ નીચે ઊતરી જતાં સિંચાઈ
માટે પાણીની અછતે ખેડૂતોની મુશ્કેલી વધારી છે. સૌની યોજના મારફતે શક્ય હોય ત્યાં ડેમ
અને જળાશયો ભરી પાણીનું આગોતરું આયોજન કરવામાં આવે તે પણ જરુરી છે. ખેતરોમાં પાક સુકાતાં પશુઓ માટે લીલો ઘાસચારો મેળવવામાં
મુશ્કેલી સર્જાવાની ભીતિ છે.
રાજકોટ
જિલ્લાના ઉપલેટા, વિંછીયા અને પડધરીમાં દુષ્કાળની સ્થિતિ
સૌરાષ્ટ્રના
ચાર જિલ્લા ઉપરાંત અનેક જિલ્લા-તાલુકામાં પાણી-પાક-ચારાની સ્થિતિ ખરાબ હોવા છતાં દુષ્કાળ
જાહેર કરાયો નથી. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં વરસાદની ગંભીર ઘટ નોંધાતાં ખેતી
અને પાણીની ઉપલબ્ધતા અંગે ચિંતા વધી છે. સરેરાશ 850 મિમીની સામે આ વર્ષે આશરે 254 મિમી
વરસાદ વરસતા 70 ટકા ઘટ પડી છે. વિંછીયા અને પડધરી તાલુકામાં પણ વરસાદની મોટી ઘટ છે.
વરસાદની
નુકસાન નક્કી કરવા માટે પાકની સ્થિતિ, જળાશયોમાં પાણીનો જથ્થો અને ભૂગર્ભજળની ઉપલબ્ધતાનો
સર્વે થવો જરૂરી છે. રાજકોટ જિલ્લા વહીવટી
તંત્ર કહે છે, 250 મીમી વરસાદથી ઓછો વરસાદ હોય તો દુષ્કાળ જાહેર થાય છે. ઉપલેટા તાલુકામાં
0.16 મીમી વધારે વરસાદ છે એટલે સામેલ કરાયો નથી તેનું આશ્ચર્ય છે.
જામ
ખંભાળીયામાં તાલુકા ભાજપના સભ્યો દ્વારા જ વિરોધ !
દેવભૂમિ
દ્વારકા જિલ્લાના જામ ખંભાળીયા તાલુકામાં દુષ્કાળ રાહતની જાહેરાત સામે ભારે નારાજગી
છે. સહાય પેકેજ સામે અસંતોષ વ્યક્ત કરવા તાલુકા પંચાયતના ભાજપના સદસ્યો અને વિવિધ ગ્રામ
પંચાયતોના સરપંચો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું છે. ત્વરિત ફેર વિચારણા
કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે. તાલુકા પંચાયત સભ્યો અને સરપંચોના જણાવ્યા મુજબ હેક્ટરદીઠ
8,500ની સહાય ખૂબ જ અપૂરતી છે. ચાલુ વર્ષે ઓછો વરસાદ અને પાક સંપૂર્ણ નિષ્ફળ જતાં ખેડૂતોની
આર્થિક હાલત અત્યંત દયનીય બની ગઈ છે. ગ્રામ્ય તેમજ વાડી વિસ્તારોમાં પીવાના અને વપરાશના
પાણીની વિકટ સમસ્યા ઉભી થઈ છે. કલેક્ટર સમક્ષ ખેડૂતો માટે રાહત પેકેજ વધારવા, પાણીની
સુવિધા, પશુઓ માટે ઘાસચારો અને સ્થાનિક સ્તરે રોજગારીની યોગ્ય વ્યવસ્થા કરવાની સ્પષ્ટ
માંગ મૂકી છે.
જૂનાગઢ
જિલ્લામાં અર્ધઅછત જેવી સ્થિતિ
જુનાગઢ
જિલ્લામાં જે સ્થળે સિંચાઈની સુવિધા હતી ત્યાં શ્રેષ્ઠ ઉત્પાદન મળ્યું છે. અને વાવણી
માં વાવેતર કરેલી મગફળી સોયાબીન નો પાક નિષ્ફળ ગયો છે. દોઢ માસ સુધી વરસાદ ખેંચાતા
અનેક ગામોમાં પાક નિષ્ફળ ગયો છે. જિલ્લામાં ખરીફ પાકની સ્થિતિ ડામાડોળ છે. કિસાન સંઘના
અગ્રણી મનસુખભાઈ પટોળીયા એ જણાવ્યું કે કૃષિ મંત્રીને પત્ર પાઠવીને જિલ્લામાં શિયાળુ
પાકનું વાવેતર થઈ શકે તેમ ન હોય જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માગ કરી છે.
ભેસાણ
યાર્ડના ચેરમેન વજુભાઈ મોવલીયા અને વાઇસ ચેરમેન દિનેશભાઈ ભુવાએ જણાવ્યું કે તાલુકામાં
25% ખેડૂતો પાસે સિંચાઈની સુવિધા હોવાથી ત્યાં પાક ઉત્પાદન સારું થયું છે ત્યારે
75% ખેડૂતો વાવણી માં વાવેતર કરેલ અને ત્યારબાદ નહિવત વરસાદને
કારણે
ઉત્પાદન નિષ્ફળ ગયું છે. વિસાવદર યાર્ડના ચેરમેન અને સહકારી અગ્રણી વિનુભાઈ હપાણીએ
જણાવ્યું કે વિસાવદર તાલુકામાં પાકની પરિસ્થિતિ સારી છે.80 ટકા વિસ્તારમાં સિંચાઈની
સુવિધા છે ત્યાં ઉત્પાદન સારું રહ્યું છે પણ વાવણી લાયક વિસ્તારમાં ઉત્પાદન ઓછું છે.
જુનાગઢ ,કેશોદ ,મેંદરડા ,માળીયા અને માંગરોળ વિસ્તારમાં સારા વરસાદને કારણે પાક ઉત્પાદન
સારું રહ્યાના અહેવાલો છે.
સરકારનો
પ્રજાકેન્દ્રી અભિગમ અને ગ્રામ્ય અર્થતંત્ર પ્રત્યેની પ્રતિબદ્ધતા
ખેડૂત
એ દેશની અર્થવ્યવસ્થાનો આધારસ્તંભ છે અને પશુપાલન ગ્રામ્ય જીવનની આર્થિક કરોડરજ્જુ
છે. જ્યારે કુદરતી પરિસ્થિતિઓ ધરતીપુત્રોની મહેનત સામે પડકાર ઊભો કરે છે, ત્યારે સરકાર
તેમની પડખે ઊભી રહી સંવેદનશીલતાથી રાહત અને સહાયનાં પગલાં ભરે તે જ સાચા લોકકલ્યાણકારી
શાસનની ઓળખ છે. ગુજરાત સરકારે દુષ્કાળની પરિસ્થિતિમાં ખેડૂતો અને પશુપાલકોને સહાયરૂપ
થવા માટે જે નિર્ણયો લીધા છે, તે પ્રજાકેન્દ્રી અભિગમ અને ગ્રામ્ય અર્થતંત્ર પ્રત્યેની
પ્રતિબદ્ધતા દર્શાવે છે. ખેડૂતોને સિંચાઈની સુવિધા પૂરી પાડવા તથા નાગરિકોની પીવાના
પાણીની જરૂરિયાતોનું ધ્યાન રાખવા માટે હાથ ધરાયેલા આ પ્રયાસો મહત્વપૂર્ણ છે.
- રાજુભાઈ
ધ્રુવ (ભાજપ અગ્રણી)
ધીરાણ
લાખનું અને સહાય કોડીની !
હેક્ટર
દીઠ રૂ. 8,500ની સહાયને ક્રૂર મજાક છે. પાક નિષ્ફળ ગયો હોવાથી ધીરાણ સરકારે માફ કરવું
જોઇએ. ભાજપ સરકાર ખેડૂતોની મુશ્કેલીઓ પ્રત્યે ગંભીર નથી. 2019માં ગુજરાતમાં પાક વીમા
યોજના બંધ કરવામાં આવી હતી. કપાસ માટે હેક્ટર દીઠ રૂ. 1.50 લાખ અને મગફળી માટે હેક્ટર
દીઠ રૂ. 1.37 લાખનું ધિરાણ નક્કી કરવામાં આવ્યું છે. પાક નિષ્ફળ ગયો હોય અને ખેડૂતોની
આવક પર ગંભીર અસર પડી હોય, તો માત્ર રૂ. 8,500ની સહાયથી ખેડૂતોનું નુકસાન કેવી રીતે
ભરપાઈ થઈ શકે? ખેડૂતોને યોગ્ય રાહત નહીં મળે તો સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતોને સરકાર
સામે આંદોલનનો માર્ગ અપનાવવાની ફરજ પડી શકે છે.
- લલીત
વસોયા (પૂર્વ ધારાસભ્ય, ધોરાજી)
સરકારે
ખેડૂતો- પશુપાલકોની મુશ્કેલીનો અગાઉથી વિચાર કરીને નિર્ણય લીધો છે
જૂન-જુલાઈ
2026થી જ વિલંબિત વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને આગોતરું આયોજન કર્યું હતું અને
સમગ્ર રાજ્યમાં રાહતદરે ઘાસચારો વિતરણ શરૂ કરાવ્યું હતું. ખેડૂતો અને પશુપાલકોની મુશ્કેલીનો
અગાઉથી વિચાર કરીને લેવાયેલો આ નિર્ણય સમયસર આયોજન અને ભાજપના નેતૃત્વનું ખેડૂતો માટે
સંવેદનશીલ અભિગમનું ઉદાહરણ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1.21 કરોડ કિલોગ્રામ ઘાસનું
રૂ. 2 પ્રતિ કિલોના રાહતદરે વિતરણ કરવામાં આવ્યું છે. હાલમાં રાજ્ય સરકાર પાસે 3 કરોડ
કિલોગ્રામ ઘાસનો જથ્થો ઉપલબ્ધ છે અને ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વધારાના
ઘાસની ખરીદીની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.
- હિરેન
હિરપરા (ભાજપ કિશાન મોરચા પ્રદેશ પ્રમુખ)
મહારાષ્ટ્રમાં
ખેડૂતોના ધીરાણ માફ, ગુજરાતમાં ખેડૂતોને અન્યાય
મહારાષ્ટ્ર
સરકારે દુષ્કાળ સામે ખેડૂતોનું બે લાખ રૂપિયાનું પાક ધિરાણ ખેડૂતોનું માફ કર્યું પણ
ગુજરાતમાં આવી કોઇ જાહેરાત નથી થઇ. મહારાષ્ટ્રમાં દુષ્કાળની સ્થિતિમાં અહલ્યાબાઈ હોલકર
શેટકરી યોજનામાં 4.15 લાખ ખેડુતોના રૂ.બે લાખ સુધીના દેવા માફ કરી દીધાં છે. મહારાષ્ટ્રમાં
ભાજપ સરકારજ છે તેણે લાખો ખેડૂતોને દેવું માફ કરી દીધું છે. ગુજરાત સરકાર દિવાળી સુધીમાં
ફેરવિચારણા નહિ કરે તો 12 નવેમ્બરથી લડતના મંડાણ કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવશે.
પાક ધિરાણને મહારાષ્ટ્રની જેમ માફ કરવા તથા વીજ લાઈનોના વળતરમાં માર્કેટ રેટના ચાર
ગણું વળતર આપવા માટે લડત શરૂ થશે.
-પાલ
આંબલિયા (દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ)