રાજકોટ,
તા.27: રાજકોટમાં નશાના કારોબાર સામે એસ.ઓ.જી એ મોટી કાર્યવાહી કરી રૈયા રોડ પરના ફ્લેટમાંથી
રૂ.23.91 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. યોગીરાજનગરની ગિરિરાજ એપાર્ટમેન્ટમાં દરોડો
પાડી પોલીસે 680 ગ્રામ હાઈબ્રિડ ગાંજા સાથે મહિલાને ઝડપી પાડી છે. પ્રાથમિક તપાસમાં
ગાંજાના જથ્થા પાછળ કુખ્યાત પેડલરનું નામ ખુલતાં પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.
પોલીસની
વિગતો મુજબ, શહેરમાં નશીલા પદાર્થોના વેચાણને અટકાવવા ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી એસ.ઓ.જી
ની ટીમ પેટ્રાલિંગમાં હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે પી.એસ.આઈ મહેન્દ્રાસિંહ જાડેજા
સહિતની ટીમે રૈયા રોડ પર યોગીરાજનગર શેરી નં. 4માં આવેલી ગીરીરાજ એપાર્ટમેન્ટના બીજા
માળે ફ્લેટ નં. 3માં દરોડો પાડયો હતો. ત્યાંથી પૂજાબેન સાગર ભટ્ટ (ઉં.વ. 37), જે રસોઈકામ
કરે છે, તેને ઝડપી લેવામાં આવી હતી.
પોલીસે
ફ્લેટમાંથી 680 ગ્રામ હાઈબ્રિડ ગાંજો, મોબાઈલ ફોન અને વજનકાંટો સહિત કુલ રૂ.23.91 લાખનો
મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસ દરમિયાન પૂજાબેને ગાંજાનો જથ્થો તેનો ભાણેજ ગૌતમ વસંત
દવે આપી ગયો હોવાનું જણાવ્યું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. ગૌતમ દવે ઘરમાં જ
ગાંજાની નાની પડીકીઓ બનાવી વેચાણ કરતો હોવાની વિગતો પણ સામે આવી છે.
આ મામલે
પોલીસે એન.ડી.પી.એસ. કાયદા હેઠળ ગુનો નોંધી ગૌતમ દવેને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે.
યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા પોલીસ દ્વારા કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવી
છે.
રાજકોટના
સદર બજારમાંથી ગાંજા સાથે શખસ ઝડપાયો
રાજકોટ,
તા. 27: રાજકોટના સદર બજારમાં ઝઘડાનો કોલ કરનાર મોટી પાનેલીના શખસ પાસેથી હાઈબ્રીડ
અને સૂકો ગાંજો મળી આવતાં સમગ્ર મામલો ખુલ્યો હતો. પ્ર.નગર પોલીસે કમલેશ પોપટની ધરપકડ
કરી સપ્લાયર દેવેન પંતને પકડવા તપાસ હાથ ધરી છે. પ્ર.નગર પોલીસના પીઆઈ એમ.ડી. મકવાણાની
રાહબરીમાં પીએસઆઈ સંજય કોઠીવારની ટીમ કાર્યવાહી કરી રહી હતી. કમલેશ પોપટ અને અન્ય બે
શખસો પાસેથી બે પારદર્શક કોથળીઓ મળી આવી હતી. તપાસમાં એક કોથળીમાંથી 13.74 ગ્રામ હાઈબ્રીડ
ગાંજો, જેની કિંમત રૂ.48 હજાર, જ્યારે બીજી કોથળીમાંથી 75.97 ગ્રામ સૂકો ગાંજો, જેની
કિંમત રૂ.3,793 હતી, તે મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂ.51,793નો જથ્થો કબજે કર્યો હતો.