• બુધવાર, 15 મે, 2024

રૂપાલા પછી રાહુલ!

રાજા, મહારાજા ગમે તેની જમીન છીનવી લેતા હતા : રાહુલનાં નિવેદન ઉપર હંગામો

મોદીએ બેલગાવીની સભામાં રાહુલને ઘેર્યા: કહ્યું, કોંગ્રેસના શહેઝાદા કહી રહ્યા છે કે રાજા, મહારાજા અત્યાચારી હતા: ભાજપે તાકીદે રાજપૂત સમાજની માફી માગવા કહ્યું

નવી દિલ્હી, તા. 28 : લોકસભા ચૂંટણી 2024માં રાજકીય દળો અને નેતાઓ વચ્ચે એકબીજાં સામે નિવેદનોનાં બાણ છોડવામાં આવી રહ્યાં છે. આ દરમિયાન ભાજપ નેતા અમિત માલવીયએ કોંગ્રેસ નેતા રાહુલ દ્વારા રાજપૂત સમાજ ઉપર આપવામાં આવેલાં નિવેદનનો વીડિયો શેર કર્યો છે. જેમાં રાહુલ ગાંધી કહી રહ્યા છે કે રાજા મહારાજ ગમે તેની જમીન છીનવી લેતા હતા. આ મુદ્દે માલવીયએ કહ્યું છે કે, રાહુલ ગાંધીએ તાકીદે રાજપૂત સમાજની માફી માગવી જોઈએ. પીએમ મોદીએ રાહુલ ગાંધીનાં નિવેદનને લઈને કર્ણાટકના બેલગાવીમાં પ્રહાર કર્યો હતો. મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસના શહેઝાદાનું કહેવું છે કે, ભારતના રાજા-મહારાજા અત્યાચારી હતા. તેઓ ગરીબોની જમીન છીનવી લેતા હતા. કોંગ્રેસના શહેઝાદાએ છત્રપતિ  શિવાજી મહારાજ, રાની ચિનમ્માનું અપમાન કર્યું છે. કોંગ્રેસના શહેઝાદાનું નિવેદન જોઈ વિચારીને વોટ બેન્કની રાજનીતિ કરવા માટે, તુષ્ટીકરણ માટે આપવામાં આવેલું નિવેદન છે. કોંગ્રેસના શહેઝાદાને રાજા મહારાજાઓનું યોગદાન યાદ આવતું નથી.

રાહુલ ગાંધી વીડિયોમાં કહી રહ્યા છે કે, રાજા મહારાજાઓનું રાજ હતું. તે જે ઈચ્છતા હતા તે કરતા હતા. કોઈની જમીન જોઈતી હોય તો તે લઈ લેતા હતા. કોંગ્રેસ પાર્ટી અને કાર્યકર્તાઓએ દેશની જનતાની સાથે મળીને આઝાદી મેળવી છે અને લોકતંત્ર લાવ્યું છે. દેશને સંવિધાન અપાવ્યું છે. આ નિવેદન ઉપર અમિત માલવીયએ કહ્યું હતું કે રાહુલ ગાંધીએ આવાં વાંધાજનક નિવેદન બદલ તાકીદે રાજપૂત સમાજની માફી માગવી જોઈએ. માલવીયએ જે વીડિયો શેર કર્યો છે કે 24 સેકન્ડનો છે અને રાહુલ ગાંધીએ આ ભાષણ કર્ણાટકના બેલ્લારીમાં આપ્યું હતું.

પી એમ મોદીએ રાહુલ ગાંધીનાં નિવેદનને લઈને બેલગાવીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. પીએમએ કહ્યું હતું કે, કોંગ્રેસના શહેઝાદાને રાજા મહારાજાઓનું યોગદાન યાદ આવતું નથી. વોટ બેન્ક માટે તે રાજા મહારાજા સામે બોલે છે પણ નવાબો, બાદશાહો, સુલ્તાનો સામે એક શબ્દ બોલવાની હિંમત નથી. કોંગ્રેસની તુષ્ટીકરણની માનસિકતા હવે ખૂલીને દેશની સામે આવી રહી છે. મોદીએ આગળ કહ્યું હતું કે, કોંગ્રેસના શહેઝાદાનું કહેવું છે કે ભારતના રાજા, મહારાજા અત્યાચારી હતા. તેઓ ગરીબોની જમીન છીનવી લેતા હતા. કોંગ્રેસના શહેઝાદાએ છત્રપતિ શિવાજી મહારાજ, રાની ચિનમ્માનું અપમાન કર્યું છે. કોંગ્રેસના શહેઝાદાનું નિવેદન જોઈ વિચારીને વોટ બેન્કની રાજનીતિ કરવા માટે, તુષ્ટીકરણ માટે આપવામાં આવેલું નિવેદન છે. કોંગ્રેસના શહેઝાદાને રાજા મહારાજાઓનું યોગદાન યાદ આવતું નથી. ઉલ્લેખનીય છે કે આ અગાઉ રાજપૂત સમાજને લઈને ભાજપ નેતા પુરુષોત્તમ રૂપાલાએ પણ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જેને લઈને રાજપૂત સમાજમાં આક્રોશ છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત જેવાં રાજ્યોમાં તેની અસર જોવા મળી રહી છે. જો કે રૂપાલા પોતાનાં નિવેદન બદલ વારંવાર માફી માગી ચૂક્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

દુબઈ સ્થિત P.M. આંગડિયામાં કરોડોના કાળા નાણાના હવાલા પડયાનો ઘટસ્ફોટ CID ક્રાઈમના આંગડિયા પેઢી દરોડામાં May 14, Tue, 2024