બે જ
દિવસના ટૂંકા અંતરાલમાં ગુજરાત આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય એક્તા
દિવસ નિમિત્તે કેટલાક મહત્ત્વના મુદ્દા જનગણ
સામે મૂક્યા છે. આજના દિવસે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે વડાપ્રધાન બન્યા પછી
તેમણે 11મી વાર અને કચ્છની સરહદે પહેલીવાર દિવાળીની ઉજવણી દેશની સીમાઓના પ્રહરી એવા
સૈનિકો સાથે કરી છે. ‘હું પણ મોદીનો પરિવાર’ એ સૂત્ર ચૂંટણી પછી પણ સરહદે સાકાર થયું છે. જો કે રાષ્ટ્રીય એક્તા
દિવસ નિમિત્તે તેમણે કરેલાં પ્રવચનો વિપક્ષને કદાચ ન પણ ગમે તેવું શક્ય છે. વડાપ્રધાને
તો ફક્ત એક્તા અને સંવિધાનની વાત કરીને પરેડની સલામી ઝીલી હતી.
બુધવારે
કેવડિયા કોલોની, સરદાર સરોવર પહોંચ્યા પછી આજે ગુરુવારે પણ વડાપ્રધાને વિશ્વની સૌથી
ઊંચી સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને દેશની એક્તા અને સંવિધાનની કરેલી
વાત સૂચક છે. તેમણે કહ્યું કે આઝાદીના સાત દાયકા વિત્યા બાદ એક દેશ એક સંવિધાનની વાત
સાકાર થઈ રહી છે. ભારત આજે ધર્મનિરપેક્ષ નાગરિક સંહિતા તરફ આગળ વધી રહ્યું છે તેના
મૂળમાં સરદાર પટેલના શબ્દો અને પ્રેરણા છે. આ વિધાનોમાં સ્પષ્ટ પડઘાયું કે અત્યાર સુધી
આ થયું અને થતું નહોતું. વડાપ્રધાને પોતાની વાતનું પ્રમાણ આપતાં તરત કહ્યું કે કાશ્મીરમાં
પહેલીવાર મુખ્યમંત્રીએ સંવિધાનના આધારે શપથ લીધા. વડાપ્રધાનનો ઈશારો એવો હતો કે દેશમાં સંવૈધાનિક સામ્ય નહોતું. બાબા સાહેબે રચેલાં સંવિધાનનો
અમલ હવે શરૂ થયો તેવું કહીને તેમણે અગાઉની સરકારો સામે પણ મોટો સવાલ ઊભો કર્યો છે.
વડાપ્રધાને કહ્યું કે એક ભારત, શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ હવે પૂર્ણ થશે જે સરદાર સાહેબને
સાચી શ્રદ્ધાંજલિ હશે. સરદાર સાહેબને અંજલિરુપે આપેલું આ વક્તવ્ય અગાઉની સરકાર, અત્યારના
વિપક્ષો પર એક રીતે પ્રહાર હતો. જોઈએ વિપક્ષ કંઈ ઉત્તર આપે છે કે નહીં?
વડાપ્રધાન
પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી ઉજવવા માટે સૈનિકોની વચ્ચે પહોંચ્યા. આમ તો આ પરંપરાનું
11મું વર્ષ છે પરંતુ કચ્છ સરહદે તેઓ પહેલીવાર સૈનિકોની સાથે પાસે પહોંચ્યા. કચ્છમાં
તેમણે સરહદના સંત્રીઓ સાથે દિવાળીની ઉજવણી કરી. રાષ્ટ્રીય એક્તા દિવસ, દિવાળીનો સંયોગ
રચાયો. સરદાર સાહેબની પ્રતિમા આમ તો ગુજરાત અને દેશનું અતિ જનપ્રિયમાંનું એક એવું પર્યટન
સ્થળ છે પરંતુ આજે સરદાર સાહેબના 150મા વર્ષની ઉજવણીની શરૂઆત ત્યાંથી થતાં આ સ્થળનો
રાષ્ટ્રીય ભાવના સાથેનો અનુબંધ વધારે મજબૂત બન્યો છે.