કોંગ્રેસ નેતૃત્વ માટે કર્ણાટકનો મામલો કસોટીરૂપ બની રહ્યો છે. મુખ્યમંત્રી પદ માટેની ખેંચતાણ વચ્ચે પક્ષના મોવડીમંડળે સમાધાનના પ્રયાસો કર્યા. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારને એક તસવીરમાં સાથે ઉભાડીને દાવો કરવામાં આવ્યો કે, બંને વચ્ચે કોઇ વિવાદ નથી, પરંતુ રાજ્યની જનતાથી લઇને રાજકીય આલમને સરકાર હાલકડોલક હોવાનો અંદાજ આવી ગયો છે. પ્રશ્ન એ પણ છે કે, કોંગ્રેસ કર્ણાટકમાં બધું બરોબર હોવાનો ઢોલ પીટે છે, તો પક્ષના મહામંત્રી અને કર્ણાટકના પ્રભારી રણદીપ સૂરજેવાલાને ધારાસભ્યો, વિધાન પરિષદના સભ્યો સાથે વાતચીત માટે રાતોરાત દોડાવ્યા શા માટે ?
ગત
વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે સપાટો બોલાવ્યો એ પછી કરિશ્માઇ નેતા ડી.કે. શિવકુમારને
મુખ્યમંત્રીની ખુરશી પર બેસાડાશે એવી સંભાવના જોવાતી હતી, પરંતુ હાઇકમાન્ડે જાતિગત
સમીકરણોને લઇને સિદ્ધારમૈયા પર પસંદગીનો
કળશ
ઢોળ્યો.
ડી.કે.એ
હસતા ચહેરે કડવો ઘૂંટ ગળી લીધો, પણ મુખ્યમંત્રીપદે અઢી-અઢી વર્ષની ફોર્મ્યુલા આવશે
એવી સંભાવના લગાતાર ચર્ચાતી રહી છે. એ દરમ્યાન કોંગ્રેસ હાઇકમાન્ડે સિદ્ધારમૈયા પર
વિશ્વાસ જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. સૂરજેવાલાએ બેંગ્લોરમાં જ પત્રકાર પરિષદમાં
સ્પષ્ટ એલાન કર્યું કે, સિદ્ધારમૈયા મુખ્યમંત્રીપદે યથાવત્ રહેશે.
અહીં
એ નોંધનીય છે કે, રાજસ્થાનમાં અશોક ગેહલોત મુખ્યમંત્રી હતા, ત્યારે સચિન પાયલટનું જૂથ તેમના નેતાને સી.એમ. બનાવવા માટે
દાવપેચ રચતું રહ્યું હતું. પાયલટ અને ગેહલોતનો ઝઘડો જગજાહેર થઇ ચૂક્યો હતો, છતાં પક્ષનું
હાઇકમાન્ડ ગેહલોતની પડખે રહ્યું હતું અને સચિન પાયલટનો દાવ વિફળ ગયો હતો. અલબત્ત સત્તાની
સાઠમારી હંમેશાં પક્ષ માટે અને પ્રદેશ માટે નુકસાનકારક બને છે. એ પછીની ચૂંટણીમાં ભાજપે
સપાટો બોલાવ્યો અને રાજસ્થાન કોંગ્રેસે ગુમાવવું પડયું.
ભાજપ
અશાંત રાજ્યોમાં પગપેસારો કરવા માટે જાણીતો છે. કર્ણાટકમાં ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે
224 બેઠક પૈકી 135 બેઠક કબજે કરીને સપાટો બોલાવ્યો હતો. 1989 પછીનો આ શ્રેષ્ઠ દેખાવ
હતો. ભાજપને 66 અને જેડીએસને ફાળે 19 બેઠક આવી હતી. 2018ની ચૂંટણીમાં મળેલી 80 બેઠકની
તુલનાએ કોંગ્રેસે 55 બેઠક વધુ મેળવી હતી. આવાં શાનદાર પ્રદર્શન પછી રાજ્યની જનતા વિકાસની
અપેક્ષા રાખે, ભ્રષ્ટાચારમુક્ત અને પારદર્શક વહીવટની ખેવના રહે. અત્યારે આંતરવિગ્રહમાં
રાજ્યનું કામકાજ ઠપ થઇ ગયું છે. રાજ્યની તિજોરી પણ ખાલી થવા માંડી છે.
કોંગ્રેસ
મોવડીમંડળ માટે કર્ણાટકમાં ગુંચવાયેલી સ્થિતિ ઉકેલવાનો પડકાર છે. હાલઘડીએ મોવડીમંડળે
બધું દબાવી દીધાનું જણાય છે, પણ ડી.કે. શિવકુમાર ગ્રુપ લાંબો સમય શાંત બેસી નહીં રહે.
રાજ્યના કેટલાક મંત્રીઓ તરફથી સંકેત અપાઇ રહ્યા છે કે, બે-ત્રણ મહિનામાં કર્ણાટકમાં
કંઇક મોટું થશે. રાજ્યનું નેતૃત્વ બદલાઇ શકે છે... આગામી દિવસોમાં રાજ્યનું રાજકારણ
ઉકળતું રહેશે એમ જણાય છે.