• રવિવાર, 06 જુલાઈ, 2025

ક્વાડની બેઠકમાં પાકિસ્તાનની લાજ શા માટે ?

શાંઘાઈ સંમેલનમાં પહલગામ પ્રહારનો ઉલ્લેખ ન થયો તેનો વિરોધ ભારતે સચોટ દર્શાવ્યો. સંરક્ષણમંત્રીએ સહી ન કરીને આપણા દેશના સ્વમાનની ઘોષણા જગના ચોકમાં કરી. હવે ક્વાડના સદસ્ય દેશોના વિદેશમંત્રીઓની બેઠકમાં પણ પાકિસ્તાનનું નામ લેવામાં અન્ય દેશોનો સૂર દબાઈ ગયો. અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનના વિદેશમંત્રીઓના વલણથી ભારત નારાજ થાય તે સ્વાભાવિક છે. સ્પષ્ટ છે કે પાકિસ્તાનના નામનો ઉલ્લેખ નથયો નહીં તેમાં ઈચ્છાશક્તિ તો અમેરિકાની છે. ક્વાડ દેશોથી પણ મોટું પાકિસ્તાન થોડું છે પાકિસ્તાન એવી કોઈ આર્થિક કે સૈન્યક્ષમતા પણ ધરાવતું નથી કે જેને કારણે આતંકવાદને પોષવાની તેની નીતિઓની ટીકા થઈ શકે નહીં.

પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ ઉપર આતંકવાદી હુમલો થયો તેનો બદલો ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત લીધો તેમાં પણ અમેરિકા પ્રમુખ ટ્રમ્પે જે અભિગમ અપનાવ્યો તે ભારત માટે તો દુ:ખદાયક અને આશ્ચર્યજનક હતો જ પરંતુ આતંકવાદના અમેરિકાના પણ બેવડા વલણને ઊઘાડું પાડનારો હતો. અમેરિકા ભલે ભારત સાથે મિત્રતા હોવાનું કહે પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ પાકિસ્તાનના આતંકી ચહેરાની અવગણના તો કરે જ છે. પાકિસ્તાનના સેનાધ્યક્ષના તેમણે બિરદાવ્યા, પાકિસ્તાન તેમનો પ્રિય દેશ છે તેવું પણ કહ્યું હતું. હવે આ ક્વાડની બેઠકમાં ભારત, જાપાન, અમેરિકા, ઓસ્ટ્રેલિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા ત્યારે પણ પહેલગામ હુમલાનો ઉલ્લેખ થયો. પાકિસ્તાનનો નહીં.

ભારતે આ વાતને ગંભીરતાથી લેવાની જરૂર છે. ક્વાડ જે ઉદ્દેશ્યથી શરૂ થયું છે તે ઉદ્દેશ્યથી કાર્ય કરે તે જોવું પડશે. થોડા સમય પછી ક્વાડ શિખર સંમેલન મળવાનું છે. અત્યારથી ભારતે તેની તૈયારી અત્યારથી કરવી પડશે. અન્ય આંતરરાષ્ટ્રીય ંસંગઠનો અને વિશેષત: ચીનની સદસ્યતાવાળા એસસીઓ અને બ્રિક્સ જેવા સંગઠનોમાં પણ પોતાના એજન્ડાને આગળ વધારવા માટે સક્રિય રહેવું પડશે. છેલ્લા કેટલાક સમયમાં ભારતની વિદેશનીતિની નોંધ વિશ્વે લીધી છે. ભારત પોતાના હિતોની સાથે સાથે આંતરરાષ્ટ્રીય પ્રકરણોમાં પણ પોતાનો અવાજ બુલંદ કરી રહ્યું છે. યુદ્ધવિરામનો ટ્રમ્પનો દાવો આપણા વડાપ્રધાને જે રીતે રદબાતલ કર્યો તે પણ મોટી ઘટના હતી. ભારતે પાકિસ્તાન જેવા છછૂંદર સમાન શત્રુ સામે તો લડવાનું છે અને તે તેના માટે અઘરું પણ નથી પરંતુ અમેરિકા કે ચીન જેવી મહાસત્તાની નીતિઓ(!) આતંકવાદ સામેના તેના બેવડા વલણ ઉપર પણ ધ્યાન આપવાનું છે.

ઇ-પેપરના નવા શુલ્ક