• ગુરુવાર, 02 જાન્યુઆરી, 2025

દિલ્હીમાં હવા ફરી ઝેરીલી

રાજધાની દિલ્હી અને ઉત્તર ભારતના વિસ્તારોમાં શિયાળાનાં આગમનના સંકેતો વચ્ચે હવામાં પ્રદૂષણનું પ્રમાણ જોખમી સ્તરને આંબી ચૂક્યું છે. પંજાબ અને હરિયાણામાં ખેડૂતો દ્વારા પરાળ સળગાવવાની શરૂઆત અને દિવાળીની ઉજવણીમાં ફટાકડાનાં અપાર ચલણને લીધે હવા દર વર્ષે ઝેરી બની જતી હોય છે. આ વખતે પણ આમ થવાની શરૂઆત થઇ ચૂકી છે.  દિલ્હી અને એનસીઆર વિસ્તારની હાલત સૌથી વધુ કફોડી અને ચિંતાજનક છે. ખાસ તો હવામાં પ્રદૂષણનું પ્રમાણ એટલું બધું વધી રહ્યંy છે કે, લોકોને સ્વચ્છ ઓક્સિજન મળવો પણ મુશ્કેલ બની ગયો છે.  લોકોમાં શ્વાસની બીમારી વધી જાય છે, વાયુ પ્રદૂષણ વધુ હોવાને લીધે ઉત્તરભારતના મોટાભાગના વિસ્તાર ગેસ ચેમ્બર તરીકે કૂખ્યાત બની જાય છે. 

દિલ્હી અને એનસીઆરના પ્રદૂષણનો જોખમી મુદ્દો લાંબા સમયથી દરેક મોસમમાં ચર્ચામાં રહે છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (એનજીટી) સંબંધિત રાજ્ય સરકારો અને પ્રદૂષણ નિયંત્રિત કરવાની જવાબદારી સંભાળતી એજન્સીઓની સામે કડક વલણ લેતી રહી છે. સર્વોચ્ચ અદાલત પણ આ મામલે સતત ચેતવણી આપે છે. દિલ્હીમાં દિવાળીના એક મહિના અગાઉ તમામ તંત્રો સફાળાં જાગે છે અને પ્રદૂષણની ચેતવણી આપવાનું શરૂ કરી દે છે, પરંતુ કમનસીબી એ રહે છે કે, દિવાળીની મોસમ અને પરાળીને આગ ચાંપવાનો સમય પૂરો થઇ ગયા બાદ પ્રદૂષણ ઓછું થઇ જાય એટલે તમામ લોકો આ જોખમને વિસરી જતા હોય છે.  

છેલ્લાં ઘણાં વર્ષથી ચાલતાં આ ઝેરી હવાનાં વિષચક્ર સમયે થતાં જ્ઞાનની અસર તળે કોઇને પણ લાંબાગાળાનો વિચાર કરીને કાર્યયોજના અમલી બનાવવાનું જાણે સૂઝતું નથી હોતું. વળી, જે ફટાકડાનાં વેચાણ કે ફોડવા અંગેના નિયંત્રણોનાં અમલીકરણની કોઇ તસ્દી લેતું નથી હોતું. કાયદા છે પણ અમલ જ ન થાય તો હાલત બદતર બનતી રહેવાની. ખેરખર તો સર્વોચ્ચ અદાલત અને એનજીટીએ આ નિયમોનાં પાલનની જવાબદારી અદા ન કરતા અધિકારીઓ અને કર્મીઓને પાઠ ભણાવતી કાર્યવાહી કરવી જોઇએ, જેથી કરીને તેમને પરિસ્થિતિની ગંભીરતાનો ખ્યાલ આવે.  

વિશ્વ હવામાન સંગઠનના તાજા અહેવાલ મુજબ છેલ્લા બે દાયકાના સમયગાળા દરમ્યાન ગ્રીન હાઉસ ગેસના પ્રમાણમાં 10 ટકા જેટલો વધારો નોંધાયો છે. 2023માં પ્રદૂષણનું વૈશ્વિક પ્રમાણ ટોચે પહોંચી ચૂક્યું છે. ભારતને લાગે વળગે છે, ત્યાં સુધી હાલે દિલ્હી અને તેને સંલગ્ન ઉત્તરભારતના વિસ્તારોનાં હવામાનની સૌને ચિંતા છે, પણ હાલત એવી છે કે, દેશ આખામાં પ્રદૂષણને નિયંત્રણમાં રાખવામાં ભારે સાવચેતી સાથે ત્વરીત પગલાં નહીં લેવાય, તો દિવાળી અને પરાળીની મોસમ બાદ પણ આખાં વર્ષ દરમ્યાન હવામાં ઝેરનું પ્રમાણ જોખમી સ્તરે રહેશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક