• શનિવાર, 27 જુલાઈ, 2024

સંસદભવનનો નહીં, ભવનમાં વિરોધ જરૂરી

દેશના નવા સંસદભવનનું લોકાર્પણ વિનાયક સાવરકરની જન્મજયંતીએ, તા. 28મીએ છે. ભવનમાં સંસદની કાર્યવાહી શરૂ થશે તે પછી તો ત્યાં વિવાદ-વિરોધ થવાના જ છે પરંતુ વિપક્ષોએ અત્યારથી વિરોધ શરૂ કરી દીધો છે. અગાઉ અનેકવાર એવું બની ચૂક્યું છે કે મોદીનું પગલું કંઈ પણ હોય, વિપક્ષ તેનો વિરોધ કરે. લોકોની સહાનુભૂતિ મોદી તરફ વધી જાય. સંસદભવન આમ તો દેશની ધરોહર છે, ભાજપનું કાર્યાલય નથી. વર્તમાન ભવન સારું હોવા છતાં નવું બનાવાયું છે તેવી ચર્ચા ઘણા સમયથી હતી. પરંતુ હવે તો ઉદ્ઘાટનનો દિવસ પણ નજીક આવી ગયો. વિપક્ષોએ વાંધો લીધો છે કે સંસદભવનનું લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે નહીં પરંતુ રાષ્ટ્રપતિના હસ્તે થવું જોઈએ. દેશના બંધારણીય વડા તો રાષ્ટ્રપતિ છે.

કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ સહિત 19 પક્ષોએ વાંધો લીધો છે. ઉદ્ઘાટન કાર્યક્રમના બહિષ્કારની જાહેરાત કરી છે. વિપક્ષોની આ ભૂલ છે. સંસદ ભવન બનવું જોઈતું હતું કે નહીં તે ચર્ચા હવે અસ્થાને છે કારણ કે તે બની જ ગયું છે. લોકાર્પણ મોદી કરે તેનો વિરોધ થાય, તેના વિશે પ્રવચનો કે નિવેદન થાય તેનો પણ વાંધો નથી પરંતુ રાજકીય પક્ષ તરીકે તેમાં હાજરી ન આપવાનું પગલું કદાપિ યોગ્ય નથી. એનો અર્થ જરા પણ એવો નથી કે વિપક્ષો મૂંગા બેસે. પરંતુ સંસદભવન માટે કે સંસદભવનના ઉદ્ઘાટનનો વિરોધ કરવાનો અર્થ નથી. જરૂર તો વિપક્ષોએ પોતે પુન: મજબૂત બનવાની છે.

વારંવાર એવું કહેવાય છે કે લોકશાહીમાં વિપક્ષ તો જોઈએ. પરંતુ વિપક્ષે પોતે પણ સક્ષમ તો બનવું જોઈએ. કર્ણાટકમાં સત્તા પ્રાપ્તિ પછી પણ કોંગ્રેસનું શું થયું તે સૌએ જોયું. નરેન્દ્ર મોદીનો, ભાજપનો કે તેના કોઈપણ પગલાંનો વિરોધ કરવા માટે ઠોસ એજન્ડા જોઈએ, તેના અમલ માટેની સંકલ્પ શક્તિ જોઈએ. સંસદભવનની અંદર વિપક્ષનો અવાજ બુલંદ થવો જોઈએ અને તેના માટે વિપક્ષના સભ્યોની સંખ્યા વધવી જોઈએ. સંસદભવનના ઉદ્ઘાટનના વિરોધથી કંઈ વિશેષ થવાની શક્યતા નથી. ઉલટું દેશના કાર્યમાં અવરોધ ઉભા કરાઈ રહ્યા છે તેવો પ્રચાર ભાજપ કરશે. જો ખરેખર વિપક્ષોએ એક્તા બતાવવી હોય, વિરોધ કરવો જ હોય તો મુદ્દા ઘણા છે. મોંઘવારીથી લઈને બેકારી કે કુપોષણ અને ત્રી સલામતી જેવા પ્રશ્ને એક થઈને વિરોધ કરે તો વિપક્ષો આગામી સમયમાં થોડી વધારે સંખ્યામાં સંસદભવનમાં પહોંચીને બેસી શકે. બહાર વિરોધ કરવા કરતાં વધારે સંખ્યામાં અંદર પ્રવેશવા મળે તે રીતે વિપક્ષી આયોજન હોવું જોઈએ. વિપક્ષોનું પોતાનું અને પ્રજાનું ભલું એમાં જ છે.

ઇ-પેપરના નવા શુલ્ક