આમ પણ ઉડ્ડયન ક્ષેત્રની દશા માઠી હતી અને એમાં યુદ્ધના પગલે હોર્મુઝ ખાડીમાં નાકાબંધીને કારણે એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (એટીએફ) દરો આભને આંબવા લાગ્યા છે અને વિમાનો તથા ઍરલાઈન્સ કંપનીઓ જમીન પર આવી ગઈ છે. ઍર ઇન્ડિયાએ આંતરદેશીય વિમાન ઉડાણોમાં બાવીસ ટકાનો ઘટાડો કર્યો છે, તો ઇન્ડિગોએ પણ ફ્લાઈટ્સની સંખ્યા સાતથી દસ ટકા જેટલી ઘટાડી છે.વર્ષ 2025-26ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં ઇન્ડિગોએ રૂા. 2536.9 કરોડના એકત્રિત નુકસાનની જાહેરાત કરી છે. વિદેશી ચલણમાં તીવ્ર નુકસાન, એટીએફના વધતા ભાવ અને પશ્ચિમ એશિયાની પરિસ્થિતિને કારણે ફ્લાઈટ્સ રદ થવાને કારણે ખોટનો ખાડો ઊંડો થયો છે. ગયા વર્ષે આ ત્રિમાસિક ગાળામાં ઍરલાઈન્સે રૂા. 3067.5 કરોડનો કુલ નફો જાહેર કર્યો હતો. ઍર ટિકિટના વધતા ભાવને કારણે માગ ઓછી થઈ રહી છે આથી જૂન-જુલાઈ જ નહીં, પણ સપ્ટેમ્બરની ફ્લાઈટની સંખ્યા ઘટાડવાની જાહેરાત વિવિધ ઍરલાઈન્સે કરી છે. ઍર ઇન્ડિયાની ખોટનો આંકડો રૂા. 27 કરોડને આંબી ગયો છે, આમ ચિત્ર ચિંતાજનક છે.
ભારતની
80 ટકા ઈંધણ જરૂરિયાતો આયાતી ક્રૂડતેલથી પૂરી થતી હોવાને કારણે ગામડાંમાં ટ્રેક્ટરથી
લઈને હવાઈ પ્રવાસ સુધી વધતા ભાવ અને અનિયમિત પુરવઠાની ઝાળ પહોંચી છે. એટીએફની વાત કરીએ
તો, તેના દરમાં 40 ટકા જેટલો તાતિંગ વધારો થયો છે.વળી, ઍરલાઈન્સ ઉદ્યોગમાં ઈંધણ ખર્ચનો
હિસ્સો ખાસ્સો મોટો એટલે કે આશરે 40 ટકા જેટલો હોય છે, પણ વધતા દરોને પગલે આ ટકાવારી
સાઠની આસપાસ થવા જાય છે. આવામાં, સરકાર આબાબતમાં હસ્તક્ષેપ કરે એવી માગણી ફેડરેશન અૉફ
ઇન્ડિયન ઍરલાઈન્સે ગયા મહિને જ કરી હતી. કેન્દ્ર સરકાર એક્સાઈઝ ડયૂટી અને રાજ્ય સરકાર
વૅટમાં ઘટાડો કરે એવી તેમની માગ હતી.યુદ્ધ શરૂ થયું ત્યારથી હવાઈ યાત્રાની ટિકિટોના
ભાવમાં 40થી 50 ટકા જેટલો વધારો થયો છે અને એનો ચટકો પ્રવાસીઓને સીધો લાગી રહ્યો છે.
ઓછી માગ, રદ થતી ફ્લાઈટ અને જે ટિકિટો વેચાઈ છે એ પ્રવાસીઓને તેમના ઇચ્છિત સ્થળે પહોંચાડવા
વચ્ચે સંતુલન સાધવાનું ઍરલાઈન્સ માટે મુશ્કેલ થઈ રહ્યું છે. હજી ગયા વર્ષના અંતે જ
ઇન્ડિગોના વાંકે હવાઈ પ્રવાસીઓ પારાવાર હાલાકીમાંથી પસાર થયા હતા. હાલની પરિસ્થિતિ
અને અનિશ્ચિતતા લાંબી ચાલશે, આથી સરકારનો હસ્તક્ષેપ અનિવાર્ય છે. રાજ્ય સરકારો વૅટમાં
કપાત કરે એ પણ આવશ્યક છે. અન્યથા મરવાના વાંકે જીવતા ઉદ્યોગનો મૃત્યુઘંટ વાગી જતા વાર
નહીં લાગે.