ટોચ પર આમ તો એકલતા હોય છે, પણ વિશ્વના સૌથી ઊંચા પર્વત શિખર માઉન્ટ ઍવરેસ્ટ પર ગયા અઠવાડિયાના અંતે ફરી એકવાર હૈયેહૈયું દળાય એવી ભીડ અને નાસભાગને પગલે પાંચ પર્વતારોહકો મૃત્યુ પામ્યાં જેમાં બે ભારતીય પણ હતા. નેપાળની બાજુએથી ગત બાવીસમી મેએ માઉન્ટ ઍવરેસ્ટ અધધધ 274 લોકોએ સર કર્યો. છેલ્લા થોડા સમયથી હિમાલયના ચારધામમાંથી એક કેદારનાથ ખાતે જોવા મળતી અસાધારણ ભીડ તથા અહીં આવવાનું બંધ કરો એવું કહેતા યાત્રાળુઓના વીડિયો સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે. સવારે કે સાંજે પીક અવર્સમાં મુંબઈના રેલવે સ્ટેશન પર હોય એવી ભીડ અને ધસારો એવી જગ્યાઓએ થઈ રહ્યો છે, જ્યાં શાંતિ, શિસ્ત અને નિરાંત અપેક્ષિત હોય. 2019માં પણ ઍવરેસ્ટ પર આવો જ ટ્રાફિકજામ સર્જાયો હતો. નેપાળની સર્વોચ્ચ અદાલતે બે વર્ષ પહેલાં પણ સરકારને માઉન્ટ ઍવરેસ્ટ સર કરવા માગતા પર્વતારોહકોની સંખ્યાનું નિયમન કરવાના નિર્દેશ આપ્યા હતા.
આ
શિખર સર કરતી વખતે આઠ હજાર મીટરની ઊંચાઈએ ડૅથ ઝોન સર્જાતો હોય છે. એક તો ઊંચાઈ પર અૉક્સિજનની
કમી હોવાથી અહીં લાંબો સમય રોકાવું મુશ્કેલ હોય છે. આથી છેલ્લા 849 મીટરનું ચઢાણ જલદી
પૂરું કરી ઉતરાણ શરૂ કરવું જરૂરી હોય છે. સાંકડો રસ્તો, તેમાં ભીડ અને અૉક્સિજનની કમીને
કારણે અનેક લોકો આ અંતર ઝડપથી પૂરું કરી શક્યા નહીં, આથી શ્વાસ લેવામાં તકલીફને પગલે
કેટલાકના જીવ ગયા. આવું વારંવાર થાય છે. ગયા વર્ષે અૉક્ટોબરમાં પણ હાડ થીજાવી નાખે
એવી સ્થિતિમાં સમુદ્રની સપાટીથી 16,000 ફૂટ ઊંચાઈએ અટવાઈ ગયેલા 200 જેટલા પર્વતારોહકોને
ઉગારવા માટે કામગીરી હાથ ધરવાની ફરજ પડી હતી.
હિમાલયમાંના
ચારધામની સ્થિતિ પણ ટૂરિસ્ટ સ્પૉટ જેવી થઈ ગઈ છે. છેલ્લા એકાદ દાયકામાં ઉત્તરાખંડમાં
વારંવાર કુદરતી આપદાઓ પાછળ માનવ લાલચ જવાબદાર હોવાનું જોવા મળ્યું છે. ચારધામ આવનારા
યાત્રાળુઓની સંખ્યા નક્કી કરવાની માગ લાંબા સમયથી થઈ રહી છે. હાલની ઘટનાઓ જોતાં તેના
પર અમલ કરવાનો સમય આવી ગયો છે એવું લાગે છે.