ગિરના જંગલમાં વિહાર અને વસવાટ કરતા સિંહોના જીવન અને સ્વાસ્થ્ય ઉપર ફરી એકવાર સંકટનો ઓછાયો દેખાઈ રહ્યો છે. એશિયાટિક સિંહની એકમાત્ર ભ્રમણભૂમિ એવાં ગિરમાં વન્યસૃષ્ટિ અને વિશેષત: સિંહના સંવર્ધનમાં સરકાર અને વન પ્રશાસન દ્વારા નોંધપાત્ર, માતબર અને સાતત્યપૂર્ણ પ્રયાસો થયા છે છતાં સિંહના જીવ જોખમમાં મૂકાતા હોવાના કિસ્સા પણ બને છે. વનમાં પ્રદૂષણથી લઈને માનવીય રંજાડ દૂર કરવાની દિશામાં હજી કામ કરવું જરૂરી છે. વન્ય સંપદા પ્રવાસન વિકાસ માટે સાધ્ય છે, તેનું સાધન તેને બનવા દેવાય જ નહીં.
ચાર
દિવસથી ફરી સિંહના સ્વાસ્થ્યની ચર્ચા છે. 2013ના વર્ષ સુધી 10 હજાર ચોરસ કિલોમીટરમાં
વ્યાપ્ત ગિર હવે 35 હજાર ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું બૃહદ્ ગિર છે. જૂનાગઢ, સાસણ કે
ધારી વિસ્તારમાં જોવા મળતા સિંહ હવે સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં વિહાર કરે છે. મધ્યગિરમાં
તો તે મોટી સંખ્યામાં વસે છે. છેલ્લી વસતી ગણતરી અનુસાર 891 સિંહ જંગલમાં છે, વધતા
વિસ્તાર અને વસતીને લીધે સિંહના અસ્તિત્વ સામે નૈસર્ગિક અને માનવીય પડકાર પણ વધ્યા
છે. છેલ્લા ચાર દિવસમાં ચાર સિંહબાળના મૃત્યુ થયાં છે. તારણ તો હજી આવ્યું નથી, પ્રાથમિક
કારણ બેબેસિયા કે કેનન ડિસ્ટેમ્પર વાયરસ હોય તેવી સંભાવના છે.
માનવી
કે પ્રાણીમાં વાયરસ ફેલાય તે કુદરતને આધીન છે અને તેમાં વિશેષ કશું થઈ શકે નહીં,
2018માં સીડીવી- કેનન ડિસ્ટેમ્પર વાયરસને લીધે ગિરની સરસિયા રેન્જમાં બે માસના ટૂંકા
ગાળામાં 27 સિંહના મૃત્યુ થયાં હતા. વનવિભાગ વાયરસને કદાચ ન રોકી શકે પરંતુ વાયરસ ફેલાવતા
કારણ કે સ્થિતિ ઉપર નિયંત્રણ મૂકી શકે. સિંહ અને માનવના સહઅસ્તિત્વનો મુદ્દો આ સંદર્ભે
ઘણા સમયથી અન્ય વિસ્તારમાં આ કામ કરવાનો અવકાશ છે. જંગલની આસપાસના ગામો અને અંતરિયાળ
વિસ્તારમાં થતા ગેરકાયદે સિંહદર્શન સત્વરે બંધ કરાવવા આવશ્યક છે. આ સિંહદર્શન માટે
સિંહને જે મારણ અપાય તેને લીધે વાયરસ ફેલાવાનું જોખમ અનેકગણું છે. સિંહ ગાય કે ભેંસનો
શિકાર કરે અને તેને કૂતરું કે ભૂંડ આપવામાં આવે તે બન્ને સ્થિતિમાં ફેર છે. સિંહના
વિહારનો વિસ્તાર વધ્યો છે. વન્યસૃષ્ટિની બહાર પણ તે જાય અને શિકાર-મારણ કરે તે ખાવાથી
પણ તેના સ્વાસ્થ્ય પર ખતરો છે. સાવજને જંગલનો વિસ્તાર હવે નાનો પડી રહ્યો છે. ગિરની
આસપાસના અનેક ગામમાં રહેણાક વિસ્તારમાં પણ સિંહ પહોંચે તેના વીડિયો સતત વાયરલ છે.
સિંહના
મૃત્યુની ઘટના નિવારવા માટે જંગલની અંદર કૂવા ફરતે પાળી, ફેન્સિંગ કરવાના પગલાં લેવાય
છે પરંતુ સિંહદર્શનનો વેપાર બંધ કરાવવા નક્કર કામ નથી થતું. ક્યાં શું થાય છે? તે વનવિભાગ
જાણે છે. કામ આ દિશામાં થવું જરૂરી છે. ગિર વિશ્વભરના પ્રવાસીઓના આકર્ષણનું સ્થળ બન્યું
છે તે સારી વાત છે પરંતુ તેને લીધે તેની નૈસર્ગિકતા ઉપર જ જોખમ ઊભું થયું છે, ગિરમાં
બનેલા અદ્યતન, ભવ્ય રિસોર્ટ- હોટેલ, ફાર્મહાઉસ જંગલનું મૂળ સ્વરૂપ બગાડી રહ્યા છે.
સરકારે નેસવાસીઓને બહાર કાઢયા, રિસોર્ટને ઘૂસવા દીધા. વાહનોની વધતી સંખ્યા, જંગલમાં
વધતો માનવીઓનો ધસારો સહિતની બાબતો છે જેના ઉપર ધ્યાન અપાવું જોઈએ. ત્રણ સિંહબાળના મોત
પછી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિશેષ બેઠક બોલાવી, વનમંત્રી અર્જુન મોઢવાડિયા પોતે
તંત્રના સીધા સંપર્કમાં છે તે આવકાર્ય છે. સિંહ અને ગિર તો અભિન્ન છે. ગિર ઉપર આપણું
પર્યાવરણ અને અર્થકારણ બન્ને પણ નિર્ભર છે. કુદરતી મૃત્યુ નિવાર્ય નથી. સિંહના વસવાટ
અને જીવન ઉપર માનવીય જોખમ વધે નહીં તે જોવું જ જોઈએ.