• શનિવાર, 30 મે, 2026

ઓઈલ કંપનીઓને 30 દિવસનો LPG ભંડાર જાળવવા આદેશ

ઈરાન-અમેરિકા વચ્ચે ફરી વધતા તણાવને ધ્યાને રાખીને કેન્દ્રની મોદી સરકાર એક્શનમાં

નવી દિલ્હી, તા. 29 : ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી એક વખત તણાવ વધ્યો છે. આ માહોલને ધ્યાને રાખીને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર એક્શનમાં આવી છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે સરકારી ઓઈલ કંપનીઓને ઓછામાં ઓછા 30  દિવસનો એલપીજી ભંડાર રાખવા આદેશ કર્યો છે.

પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ કહ્યું હતું કે, સરકાર તેલ અને ગેસના ભંડાર ઉપર કામ કરી રહી છે. તેલ કંપનીઓને એલપીજી માટે ઓછામાં ઓછા 30 દિવસનો ભંડાર જાળવી રાખવા કહેવામાં આવ્યું છે અને કંપનીઓએ કામ શરૂ કર્યું છે. આવી જ રીતે ક્રૂડ માટે પણ કામ થઈ રહ્યું છે. સુજાતા શર્માએ કહ્યું હતું કે, એલપીજીની માગ પહેલાની 80,000 મેટ્રીક ટનથી ઘટીને 72,000 મેટ્રીક ટન રહી છે. ભારતીય રિફાઈનરીઓ વર્તમાન સમયે 52,000 મેટ્રીક ટન એલપીજીનું ઉત્પાદન કરી રહી છે.

એલપીજી ઉત્પાદનને લઈને સુજાતા શર્માએ કહ્યું હતું કે, ઉત્પાદનની નિર્ભરતા રિફાઈનરીઓની ઓપ્ટિમાઈઝેશન ઉપર હોય છે. સી3 અને સી4 અણુઓના ઉપયોગ મારફતે પણ ઉત્પાદનનું સંતુલન બનાવી રાખવામાં આવી રહ્યું છે. અમુક રિફાઈનરીઓ ફરીથી સંચાલનમાં આવી છે, જેનાથી આપૂર્તિમાં સુધારો આવ્યો છે.

આ ઉપરાંત અલગ અલગ રિફાઈનરીઓ દ્વારા કરવામાં આવતા ઓપ્ટિમાઈઝેશનના કારણે એલપીજીની ઉપલબ્ધતા વધી છે. સુજાતા શર્મા અનુસાર હવામાનના ઉતારચડાવના કારણે પણ એલપીજીની માગ ઉપર અસર પડે છે. જેનાથી ખર્ચમાં અસ્થિરતા જોવા મળે છે. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વૃદ્ધિ સંબંધિત ચિંતા દુર કરતા સુજાતા શર્માએ કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડની કિંમતમાં વૃદ્ધિના કારણે ઓઈલ કંપનીઓ દરરોજ 550 કરોડ રૂપિયાનું નુકસાન ઉઠાવી રહી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક