• શનિવાર, 30 મે, 2026

ગિરમાં ડરની ડણક, 8 સાવજના મોત અકળ

બેબેસિયા કે સીડીવી, એકાદ દિવસમાં રિપોર્ટ આવશે : સ્થિતિ નિયંત્રણમાં લેવા વનતારાની ટીમ પણ જોડાઈ, સિંહ માટે સર્વત્ર ચિંતા

(ફૂલછાબ ન્યૂઝ)

રાજકોટ તા. 29: સિંહના અચાનક થઈ રહેલા મૃત્યુને લીધે ગિર અને આસપાસના વિસ્તારમાં ડરની સ્થિતિ ઉભી થઈ છે. સિંહપ્રેમીઓ, વન્યસૃષ્ટિ માટે કામ કરી રહેલા નિષ્ણાતો અને સામાન્ય લોકોમાં ચિંતાની લાગણી છે. ‘બેબેસિયા’ વાયરસને લીધે સિંહના મોત થયા છે કે પછી કેનન ડિસ્ટેમ્પર વાયરસને લીધે આ સ્થિતિ ઊભી થઈ છે તે હજી સુધી વનતંત્ર જાણી શક્યું નથી. ચાર દિવસથી સિંહના મોતનો સિલસિલો શરૂ થયો છે છતાં હજી કોઈ તારણ આવ્યું નથી. જો કે લેબોરેટરીમાંથી રિપોર્ટ આવતાં નિયત સમય લાગે તેવું સત્તાવાર સૂત્રો કહી રહ્યા છે. પ્રધાનમંત્રી કાર્યાલય પોતે આખી ઘટના ઉપર નજર રાખી રહ્યું છે તેના ઉપરથી તેની  ગંભીરતા સમજી શકાય તેમ છે.

ગુજરાતની જ નહીં દેશની વન્ય સંપદામાં અત્યંત અગત્યનું સ્થાન ધરાવતા એશિયાટિક સિંહોની વસતી તો બૃહદ્ ગિરમાં 891 છે. કુદરતી મોત, ઈનફાઈટ વગેરેને લીધે જે કંઈ ક્ષતિ થાય તે સમજી શકાય પરંતુ વાયરસને લીધે સિંહના મોત થતાં હોવાની વાત ગંભીર છે. છેલ્લા ચાર દિવસમાં આઠ સિંહના મોત થયાં જેમાં 4 સિંહબાળ પણ હતા. વનતંત્રે તાત્કાલિક પગલાં ભરી અસરગ્રસ્ત વિસ્તારમાંથી બીમારીના લક્ષણ હોય તેવા સિંહોને અલગ તારવી તેની સારવાર શરૂ કરી છે અને તેમના લોહીના સેમ્પલ લઈને ગાંધીનગર લેબોરેટરીમાં મોકલ્યા છે. 24 કલાકમાં તેના રિપોર્ટ આવે પછી આગળ કાર્યવાહી થશે.

હવે પછીના 24 કલાક ગિર વિસ્તાર માટે ચિંતાજનક છે. ક્યો વાયરસ છે તે જોવાનું છે અને પછી અન્ય વિસ્તાર-રેન્જના સિંહોમાં તે ફેલાય નહીં તેની તકેદારી રાખવાની છે. દરમિયાન જામનગર સ્થિત રિલાયન્સ પ્રેરિત વનતારા રિહેબ સેન્ટરના તજજ્ઞોની ટીમ ગિરમાં પહોંચી છે. વિશિષ્ટ પ્રાણી ચિકિત્સકો જસાધાર રેન્જના એનિમલ કેર સેન્ટરમાં પહોંચ્યા છે. લેબોરેટરીનો જે રીપોર્ટ આવે તે પરંતુ વનતારાની ટૂકડી સિંહના બચાવકાર્યમાં લાગી જશે. જસાધારના કેન્દ્રમાં સિંહોને મોટી સંખ્યામાં અવલોકન હેઠળ રખાયા છે. તેમની વર્તણૂક, શારીરિક ફેરફાર ઉપર નજર રખાઈ રહી છે.

સીડીવી- કેનન ડિસ્ટેમ્પર વાયરસ અગાઉ પણ ગિરમાં સિંહોને નુકસાન કરી ચૂક્યો છે. કુદરતી રીતે જ તે ફેલાય તો સૌ લાચાર હોય પરંતુ અખાદ્ય પશુનું મારણ, ગેરકાયદે થતા સિંહદર્શન-લાયન શોમાં અપાતા ખોરાક કે નગર વિસ્તારમાં સિંહ શ્વાન-ભૂંડને મારે તો આ ફેલાઈ શકે. માનવ-સિંહ સહઅસ્તિત્વનો મુદ્દો ફરી અહીં આવે. આઠ સિંહના મોત થયાં છે, બિનસત્તાવાર સંખ્યા 9 છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક