અૉસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલૅન્ડ અને ઇન્ડોનેશિયાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતથી ભારતની ઍક્ટ ઇસ્ટ નીતિ, ઇન્ડો-પેસિફિક વિઝન અને વસુધૈવ કુટુંબકમની વિચારધારાનો પાયો મજબૂત કર્યો છે. વડા પ્રધાનની આ ત્રણ દેશોની યાત્રા દ્વિપક્ષી સંબંધોની દૃષ્ટિએ મહત્ત્વની હોવાની સાથે વિશ્વમાં આપણા વધતા પ્રભાવ, અસરદાર કૂટનીતિ તથા વિવિધ રાષ્ટ્રો સાથે વિશ્વસનીય ભાગીદારીને દૃઢ કરવાની દિશામાં મહત્ત્વનું પગલું પણ છે.
ચાર
દાયકાથી કોઈ ભારતીય વડા પ્રધાને ન્યૂ ઝીલૅન્ડની મુલાકાત લીધી નહોતી, આથી વડા પ્રધાન
મોદીની આ વિઝિટ ઐતિહાસિક સાબિત થઈ. 2030 સુધીમાં બન્ને દેશો વચ્ચેના વેપારને બમણો કરવાનો
રોડમૅપ બનાવવામાં આવ્યો. અૉસ્ટ્રેલિયાની મુલાકાત દરમિયાન પારસ્પરિક દ્વિ-પક્ષી સંબંધોને
વધુ દૃઢ કરવા સાથે નાગરિક પરમાણુ સમજૂતીને સક્રિય કરી અને યુરેનિયમનો પુરવઠો ભારતને
મળવાનો માર્ગ પ્રશસ્ત થયો. સંરક્ષણ, મહત્ત્વનાં ખનિજો, સ્વચ્છ ઊર્જા, શિક્ષણ તથા ટેક્નૉલૉજી
જેવાં ક્ષેત્રોમાં સહયોગને બળ મળ્યું. આ બન્ને દેશોના ટોચના નેતાઓ સાથેના વ્યક્તિગત
સંબંધોમાં વડા પ્રધાનની ઘનિષ્ઠતાના દર્શન થવા તથા મોટા પ્રમાણમાં ભારતીય નાગરિકો મોદીને
વધાવવા રસ્તા પર ઊતરી આવ્યા એ બાબત દેખાડે છે કે, ભારતનો સૉફ્ટ પાવર માત્ર રાજદ્વારી
કે સરકારી સંબંધો સુધી મર્યાદિત નથી.
ઇન્ડોનિશિયાના
પ્રવાસ દરમિયાન મોદીને ત્યાંનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર બિંતાંગ આદિપૂર્ણથી નવાજવામાં
આવ્યા. ઇન્ડોનેશિયા વિશ્વનું સૌથી મોટું ઇસ્લામિક રાષ્ટ્ર છે અને અહીં તેમને આ સન્માન
મળવાને કારણે ભારતીય વિપક્ષોના મોઢા પર લપડાક પડી છે. મોદી સરકારની નીતિઓને મુસ્લિમ-વિરોધી
ગણાવી દુપ્રચાર કરનારાઓને બરાબરનો જવાબ મળ્યો છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રાબોવો
સુબિઅંતોએ મંચ પરથી મોદીની પ્રશંસા કરતાં કહ્યું કે, હું આપની કારકિર્દીનું અનુસરણ
કરું છું અને આપની અનેક નીતિઓનું અનુકરણ પણ કરું છું, કેમ કે એના પર કૉપીરાઈટ નથી એટલે
મેં કૉપી કરી. આના જવાબમાં મોદીએ કહ્યું - ન તો કૉપીરાઈટ છે કે ન રૉયલ્ટી છે કે ન કોઈ
ક્લૅમ. સબ કા સાથ સબ કા વિકાસ એ જ અમારો મંત્ર છે. વડા પ્રધાને સૌને સાથે રાખીને ચાલવાની
પોતાની વિચારધારાનો પડઘો ફરી પાડયો હતો. ઇસ્લામિક દેશમાં મોદીનું સન્માન થયું હોય એવો
આ પહેલો પ્રસંગ નથી. આ પૂર્વે સાઉદી અરેબિયા, માલદિવ્સ, યુએઈ, બહેરીન, ઈજિપ્ત તથા ઓમાન
જેવા દેશોના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી તેઓ સન્માનિત થયા છે. વડા પ્રધાન વિદેશોમાં
ફર્યા કરે છે તથા આવી યાત્રાઓથી શો ફાયદો? એવી ટિપ્પણી કરનારાઓ અત્યારે કોઠીમાં મોઢું
ઘાલી ગયા છે. ભારતનો પ્રભાવ, વગ અને વ્યાપકતા વધી રહી છે, એની વધુ એક સાબિતી મળી છે.