વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હરિયાણાના જીંદથી સોનીપત વચ્ચે દેશની પ્રથમ હાઈડ્રોજન સંચાલિત ટ્રેનને લીલી ઝંડી બતાવવાની ઘટના ભારતીય રેલવેના ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ સમાન છે. 19મી સદીના વરાળ એન્જિન અને 20મી સદીનાં ડીઝલ-વીજળી પછી, 21મી સદીની આ હાઈડ્રોજન ટેક્નૉલૉજી વૈશ્વિક સ્તરે હરિત પરિવહન તરફ એક ક્રાંતિકારી છલાંગ છે. ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાન હેઠળ સંપૂર્ણ સ્વદેશી ડિઝાઈન અને પ્રોટોટાઈપથી નિર્મિત આ 10 કોચની ટ્રેન અને જીંદ ખાતે સ્થાપિત દેશની સૌથી મોટી હાઈડ્રોજન સંગ્રહ સુવિધા ભારતની ઇજનેરી ક્ષમતા અને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પનું જીવંત ઉદાહરણ છે. વૈશ્વિક સંઘર્ષો વચ્ચે ઊર્જા સુરક્ષા માટે ભારતે અન્ય પર નિર્ભર રહેવાને બદલે પોતાની સ્વનિર્ભરતા સિદ્ધ કરી બતાવી છે.
હરિયાણા આ આધુનિક રેલ ક્રાંતિનું અગ્રેસર બન્યું છે. પ્રોટોન એક્સ્ચેન્જ મેમ્બ્રેન ફ્યુઅલ સેલ ટેક્નૉલૉજી આધારિત આ પ્રણાલી હાઈડ્રોજન અને અૉક્સિજન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરીને વીજળી પેદા કરે છે, જેમાં બાય-પ્રોડક્ટ તરીકે માત્ર પાણીની વરાળ નીકળે છે, જે વાતાવરણને પ્રદૂષણમુક્ત રાખે છે. આ ઝીરો-એમિશન ટેક્નૉલૉજીથી રેલવેની આયાતી ડીઝલ પરની નિર્ભરતા ઘટશે, જેનાથી સ્વાભાવિક રીતે જ અર્થતંત્રને મજબૂતી મળશે. જર્મની, જપાન, ચીન અને અમેરિકા જેવા જૂજ દેશોની હરોળમાં ભારતે સ્થાન મેળવ્યું છે. ભારતની આ ટ્રેન 3200 હોર્સપાવર પ્રોપલ્શન સિસ્ટમ સાથે વિશ્વની સૌથી શક્તિશાળી હાઈડ્રોજન ટ્રેનોમાં સામેલ છે.
રેલવે નેટવર્કનું આ આધુનિકીકરણ માત્ર મુસાફરો પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેની વ્યાપક અસર દેશના અર્થતંત્ર પર પડશે. ક્લીન કનેક્ટિવિટીને કારણે માલસામાનની હેરફેર ઝડપી બનશે, લૉજિસ્ટિક્સ ખર્ચ ઘટશે અને ગ્રામીણ વિસ્તારો બજાર સાથે સીધા જોડાશે. કૃષિ પુરવઠા સાંકળ અને કૉલ્ડ-ચેઈન ટ્રાન્સપોર્ટેશન મજબૂત થવાથી ખેડૂતોના પાકનો બગાડ અટકશે અને તેમને યોગ્ય ભાવો મળશે. આ આખી પ્રક્રિયા લાંબા ગાળાના ફુગાવાના દબાણને નિયંત્રિત કરવામાં અને આર્થિક ઉત્પાદકતા વધારવામાં મદદરૂપ સાબિત થશે.
જોકે, આ ભગીરથ કાર્ય માત્ર એક શરૂઆત છે, અંતિમ મંજિલ નથી. આ ટેક્નૉલૉજીને મોટા પાયે સફળ બનાવવા માટે સસ્તા ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન, મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રશિક્ષિત માનવબળ અનિવાર્ય છે. રેલવેનું આ ગ્રીન ટ્રાન્સફોર્મેશન ‘િવકસિત ભારત’ અને પર્યાવરણીય સાતત્ય બન્નેને સમાંતર મજબૂતી આપશે.