• મંગળવાર, 21 જુલાઈ, 2026

નભમાં નવજાગરણ

અંતરીક્ષ વિજ્ઞાન ક્ષેત્રે ભારતે વધુ એક ઉજ્જવળ સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે. અવકાશમાં, નભમાં એક પ્રકારે નવજાગરણ છે. ભારતે 18મી જુલાઈએ પ્રથમપ્રાઈવેટ ઓર્બિટલ રોકેટ વિક્રમ-1 અવકાશમાં મૂક્યો છે. સરકારી સંસ્થાન અને નિજી સ્તર ઉપર ક્ષેત્રે કામ કરી રહેલી એજન્સીઓની ઉત્તુંગ સિદ્ધિ છે. હરિકોટાથી હાથ ધરાયેલાં વિશિષ્ટ અભિયાને દેશના અંતરિક્ષ ઇતિહાસમાં સુવર્ણ અધ્યાય લખ્યો છે. ઈસરોની સ્થાપનાથી આજ સુધી સંસ્થાને સાતત્યપૂર્ણ રીતે નોંધપાત્ર કામ કર્યું છે. વિશ્વના અન્ય દેશોએ ભારતની અંતરિક્ષ વિજ્ઞાન ક્ષેત્રની સફળતાની નોંધ વારંવાર લીધી છે. ચંદ્રયાન -3, આદિત્ય એલ-1ની સફળતાથી આગળ વધીને હવે માનવ મિશન અને વાણિજ્યિક સ્પેસ માર્કેટમાં પણ પ્રવેશ કર્યો છે- દબદબાભેર.

વિક્રમ-1 ‘સ્પેસ સ્ટાર્ટઅપ અંતર્ગત ભારતનું સર્વપ્રથમ ખાનગી (પ્રાઈવેટ) ‘ઓર્બિટલ ક્લાસ રોકેટ છે. ઓલ કાર્બન ક્મ્પોઝિટ સંરચનાથી બનેલું રોકેટ સંપૂર્ણ સ્વદેશીરુપથી બન્યું છે. અગત્યની વાત છે કે અમેરિકા અને ચીન પછી ભારત હવે એવો ત્રીજો દેશ બન્યો છે જેની ખાનગી કંપની પાસે પણઓર્બિટલ લોન્ચની ક્ષમતા છે. દેશમાં 2014માંસ્પેસ સ્ટાર્ટઅપની સંખ્યા 1 હતી જે આજે વધીને 400 સુધી પહોંચી છે. વૈશ્વિક અંતરિક્ષ અર્થતંત્રમાં ભારતની ભાગીદારી વધારવાનું તેનું લક્ષ્ય છે. અત્યારે તે હિસ્સો 2 ટકા છે, 2030 સુધીમાં તે 10 ટકા કરવાનો ક્ષેત્રના અગ્રીમ લોકોનો મનોરથ છે.

ઈસરો- ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશનના અધ્યક્ષ વી. નારાયણને તો કહ્યું પણ ખરું કે ગગનયાનની યોજના તરફ ઝડપથી આગળ વધી રહ્યા છીએ, આગામી બે માસમાં તે ગતિ પકડશે અને તે પ્રથમ માનવરહિત ઊડાન હશે.ભારતના અંતરિક્ષ યાત્રીઓને પૃથ્વીથી 400 કિલોમીટર ઉપર ત્રણ દિવસ માટે મોકલવા અને સુરક્ષિત પરત લાવવાનું લક્ષ્ય મિશન થકી પાર પડશે. અગાઉ પણ જેની ચર્ચા થઈ છે તે ભારતના સ્પેસ સ્ટેશનના નિર્માણ તરફ એક મક્કમ કદમ છે. 2035 સુધીમાં ભારતનું પોતાનું અંતરિક્ષ મથક અવકાશમાં હોય તે લક્ષ્ય છે. 2027માં ચંદ્રયાન-4 અભિયાન પણ શરૂ થવાનું છે અને તે વિશેષ એટલા માટે છે કે ચંદ્રની સપાટી ઉપરથી માટી અને શિલાઓના નમૂના તે લાવશે.

ઈસરો માર્ચ 2028માં શુક્ર ગ્રહના વાયુમંડળનો અભ્યાસ કરવા માટે પણ અભિયાન શરૂ કરવા માટે પ્રથમ ઓર્બિટર મોકલશે. 46 વર્ષ પૂર્વે સ્વદેશી રોકેટ એસએલવી-3 લોન્ચ થયું હતું ત્યારથી આજે વિક્રમ-1 સુધીની અવકાશી સફર સુદીર્ઘ છે. ઈસરોની ટેક્નિકલ વિસેષજ્ઞતા, દેશના યુવા સ્પેસ સ્ટાર્ટઅપની ઉદ્યમશીલતાનું ઉદાહરણ છે અને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ મોડેલ છે. ભવિષ્યમાં ભારતને દુનિયાનું અગ્રણી સ્પેસ સુપર પાવર બનાવવાની દિશામાં સૌથી મોટું પ્રેરકબળ સાબિત થશે. હવે ભારત અંતરિક્ષમાં ફક્ત એક ખેલાડી નથી પરંતુ નિયમો બનાવનાર દેશની અગ્ર હરોળમાં છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક