• બુધવાર, 29 જુલાઈ, 2026

આવકાર્ય અને મક્કમ પગલું

પરીક્ષા સુધારણા માટે એક કાર્ય વિશેષ દળની સંરચનાને સર્વત્ર આવકાર મળ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલી આ જાહેરાતને શિક્ષા-કારકિર્દી વ્યવસ્થામાં મહત્વની માનવામાં આવી રહી છે. આ સમગ્ર પ્રક્રિયાનું ‘આધારકાર્ડજેવી અણમોલ વ્યવસ્થા આપનાર નંદન નીલેકણીને સોંપવામાં આવી તે વિશેષ ઉપલબ્ધિ ગણી શકાય. ઘણા સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીક થવાની ઘટનાઓ બનતી આવી છે. રાજ્યોની એજન્સી અને કેન્દ્રની વિવિધ સંસ્થાઓ દ્વારા લેવાતી પરીક્ષાની સુચારુ વ્યવસ્થાની લાંબા સમયથી આવશ્યકતા હતી. આ ‘ટાસ્ક ફોર્સહવે તે દિશામાં આગળ વધશે તેવી આશા રાખી શકાય.

નીટની પરીક્ષાની ક્ષતિ નીવારવા આ પૂર્વે રાધાકૃષ્ણન સમિતિની રચના પણ થઈ હતી. પ્રશાસન કદાચ તેમના સૂચનોનું સર્વગ્રાહી પાલન કરવાનું ચૂકી ગયું. હવે જ્યારે આધારકાર્ડ, યુપીઆઈ જેવી ક્રાંતિકારી સવલતોના પ્રણેતા નંદન નીલેકણીને આ જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે તેમના કાર્ય વિશેષ દળ દ્વારા જે કંઈ સુધારા-સૂચન થાય તેનો અમલ પૂર્ણપણે કરવો પડશે.

નીટ અને એવી અગત્યની અન્ય પરીક્ષાઓના તંત્રની શિથિલતા માટે લાંબા સમયથી મનોમંથન ચાલે છે. છેલ્લે જે કંઈ થયું તેને વડાપ્રધાને સ્વયં ગંભીરતાથી લીધું. વીડિયો સંદેશ દ્વારા યુવાનો સાથે સંવાદ કર્યો. સંસદનું સત્ર ચાલી જ રહ્યું છે ત્યારે વિશેષ ખરડો પણ લાવવામાં આવ્યો. સ્પષ્ટ છે કે સરકાર આ મુદ્દે ગંભીર છે. ટકોર એટલી જ થઈ રહી છે કે આ બધું હવે થઈ રહ્યું છે તેના બદલે પેપર લીક થયું ત્યારે જ જો થઈ ગયું હોત તો આંદોલનને પ્રોત્સાહન અને કારણ મળ્યા ન હોત.

અહીં સરકારનો ઈરાદો સાફ હોય તો પણ એક છબિ એવી ઉપસે કે આંદોલનને કારણે આ નિર્ણય લેવો પડયો છે. અલબત્ત, આ તો રાજકીય દૃષ્ટિકોણ થયો. મુખ્ય વાત તો એ છે કે, સ્પર્ધાત્મક પરીક્ષાનું માળખું હવે એવી રીતે ગોઠવાવું જોઈએ કે કોઈ પેપર ફૂટે નહીં. પરિણામમાં છબરડો ન થાય. પરીક્ષાની વિશ્વસનીયતા તો આ બધી ઘટનાઓથી જોખમાય જ છે સાથે જ વિદ્યાર્થીઓના સમયનો-સંશાધનોનો વ્યય થાય છે. આખી વ્યવસ્થા ઉપરથી તેમનો વિશ્વાસ ડગે છે.

પરીક્ષામાં ગેરરીતિ કરનારાઓ વિરૂદ્ધ તો સખત કાર્યવાહી થવી જ જોઈએ પરંતુ પરીક્ષા પ્રણાલીમાં આમુલ પરિવર્તન પણ અત્યંત આવશ્યક હતા - છે. સુધારણાની આ પ્રક્રિયા માત્ર કેન્દ્ર - રાજ્યની રોજગાર પરીક્ષા કે કારકિર્દીલક્ષી પરીક્ષા સુધી સીમિત રહે તેવું ન હોવું જોઈએ. વિવિધ યુનિવર્સિટી, પરીક્ષા બોર્ડ અને શાળાઓની પરીક્ષાને પણ આ સુધાર સિદ્ધાંત લાગુ પડવા જોઈએ.

શિક્ષણ, પરીક્ષા પદ્ધતિ, પરીક્ષા પ્રક્રિયા આ બધાને પણ અસામાજિક પ્રવૃત્તિ કરનારાઓનું ગ્રહણ લાગ્યું છે. એ.આઈ.નો પ્રભાવ- શિક્ષણ ક્ષેત્ર ઉપર પણ અતિ ઘેરો છે. આધુનિકતા શિક્ષણ માટે આશીર્વાદ છે તો અભિશાપ પણ બની શકે તે સ્થિતિમાં સુધારણા પણ શિક્ષણની જેમ નિરંતર પ્રક્રિયા જ બની રહેવા જોઈએ. આ ‘ટાસ્ક ફોર્સની રચના તે દિશામાં મક્કમ પગલું ગણી શકાય.

 

ઇ-પેપરના નવા શુલ્ક