વિદ્યાર્થીઓનું આંદોલન દેશવ્યાપી બને તે પૂર્વે જ કેન્દ્ર સરકારના શિક્ષામંત્રીનું રાજીનામું લઈને સરકારે મોટા સંઘર્ષ-ઘર્ષણની શક્યતાઓ નિવારી નાંખી છે. પ્રથમ દૃષ્ટિએ પીછેહટ કે પરાજય જેવો દેખાતો આ નિર્ણય બીજી રીતે દૂરંદેશી, સરકારના ભાવિ માટે વ્યૂહાત્મક પણ હોઈ શકે. વિદ્યાર્થીઓએ જંતર-મંતર ખાલી કરી નાંખ્યું છે. સોમવારે ગૃહમાં કોંગ્રેસ અને અન્ય વિપક્ષો પાસે હવે રાજીનામાનો મુદ્દો નથી. પરીક્ષા સુધારા બિલ પણ સંસદમાં મૂકાઈ જશે. કેન્દ્ર સરકાર સામે મોરચો ખોલવા માટે વિપક્ષોએ કોઈ નવો મુદ્દો શોધવો પડશે. વિદ્યાર્થીઓનો સ્થાયીભાવ વિરોધ પ્રદર્શન બની ન જાય તે સમયની માગ છે.
એક
આંદોલન સમાપ્ત થયું છે. નવી પેઢીને તેમાં પોતાની જીત દેખાય છે તો ભલે પરંતુ એક જીતની
પ્રાપ્તિ પછી શું? શિક્ષામંત્રીનું રાજીનામું જ ફક્ત ધ્યેય હતું? લક્ષ્ય માત્ર એ હતું
કે સરકાર પાસે આ નિર્ણય લેવડાવવો? આંદોલનને સક્રિય સમર્થન આપનાર સોનમ વાંગચૂકે પણ કેટલીક
માગણી મૂકી હતી જે સરકારે માની લીધી. અહીં આ પ્રકરણ પૂર્ણ થઈ ગયું પરંતુ જેના માટે
લડાઈ હતી, ચિંતાનો જે વિષય છે તેનું શું? વિદ્યાર્થીનું, નવી પેઢીનું ભાવિ એવો મુદ્દો
ગાજતો રહ્યો, હવે તે મુદ્દા માટે જાગતા રહેવાનું છે અને તે ફક્ત સરકારનું જ ઉત્તરદાયિત્વ
છે તેવું કોઈ માનતું હોય તો તે ભૂલ છે.
સરકાર
સામે જે નારાજગી હતી તે વ્યક્ત કરી. પરીક્ષામાં ક્ષતિ હતી તેના માટે લડત અપાઈ. પરંતુ
પરીક્ષા હોય કે સમગ્ર શિક્ષા પદ્ધતિ કે દેશનું સંચાલન, વેપાર-ઉદ્યોગ કે વિકાસ કંઈ પણ
હોય તેમાં સહયોગી બનીને યોગદાન આપવું તે પણ યુવાનોનું-નાગરિકોનું કર્તવ્ય છે. ન ગમ્યું
તેનો વિરોધ કર્યો પરંતુ બધું જ વિરોધથી નહીં થાય. દેશના વિકાસમાં સરકાર અને પ્રશાસનને
સહયોગ આપવો રહ્યો.
કાયદાનું
પાલન, નિયમોનો આદર કરવો પડશે. ગતિથી વાહન ચલાવવાની સામાન્ય લાગતી બાબત પણ દેશહિતમાં
અવરોધક બની શકે. યુવાનોના વ્યસન પણ દેશવિરોધી તત્વોને ફાયદો કરાવી શકે. શિક્ષિત થઈને
અન્યોને પણ શિક્ષિત કરી, પોતાની કલ્પના મુજબનું શિક્ષણ નિર્માણ, સમાજ અને રાષ્ટ્રઘડતર
કરવાથી જ આ આંદોલન સંપૂર્ણ ગણાશે. કોઈને હટાવવા એ લક્ષ્ય હોય તો તે અધૂરું છે. આંદોલનના સમયે આંદોલન આવશ્યક
હતું, હવે પ્રગતિના પ્રવાહને આગળ વધારવાનું પણ કર્તવ્ય છે.