દેશ અને વિશેષત: દિલ્હીમાં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલનના વેગ વચ્ચે ગુરુવારે રાત્રે બે અગત્યની ઘટના બની. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાત્રે 11.52ને એક વીડિયો જાહેર કરીને દેશને કહ્યું કે પેપરલીક મુદ્દે અત્યંત આકરાં પગલાં લેવાશે. આ સધિયારો, આ આશ્વાસન ઘણું જરૂરી હતું. બીજી ઘટના એ કે આ લડતના પ્રણેતા સોનમ વાંગચૂકને કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ હોસ્પિટલમાં જઈને પારણા કરાવ્યાં, તેમને પણ લેખિતમાં ત્રણ મુદ્દાની ખાતરી અપાઈ અને ત્રીજી ઘટના એ બની કે શુક્રવારે સંસદમાં પેપરલીક સંદર્ભે આકરી કાનૂની જોગવાઈ સાથેનું બિલ મંજૂર થયું. સોમવારે તે રજૂ થશે.
સોશિયલ
મીડિયા ઉપર સોનમ વાંગચૂક વિરુદ્ધ આટલા દિવસોમાં ઘણી આક્ષેપાત્મક પોસ્ટ થઈ, આંદોલનકારો
પણ વિદ્યાર્થીઓ છે કે નહીં? તેવા સંશય એક મોટા વર્ગ દ્વારા વ્યક્ત થતા રહ્યા. ઉપવાસ
દરમિયાન સોનમને હોસ્પિટલમાં દાખલ કરાયા. ‘જંતર મંતર’ સ્થિત ઉપવાસ છાવણી ચાલુ રહી તેની
પ્રતિકૃતિઓ દેશના અન્ય સ્થળો ઉપર પણ થઈ. કોંગ્રેસ અને અન્ય વિપક્ષની માગ તો એવી છે
કે વડાપ્રધાન સંસદમાં ઉપસ્થિત રહીને નિવેદન આપે પરંતુ વડાપ્રધાને તો જનતાના દરબારમાં,
સોશિયલ મીડિયા ઉપર રાત્રે કહ્યું કે પેપરલીક એ કોઈ સામાન્ય બાબત નથી, તે લાખો વિદ્યાર્થીઓ
અને તેમના પરિવારો માટે અત્યંત પીડાદાયક ઘટના છે. દેશના યુવાનોના ભવિષ્ય સાથે ચેડા
કરનાર કોઈ પણ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં.
આ અઢી
મહિનામાં સરકાર દ્વારા પેપરલીક મામલે અનેક કડક પગલાં લેવામાં આવ્યા છે અને મુખ્ય ગુનેગારોને
પકડીને જેલ હવાલે કરાયા છે. સરકારની સૌથી મોટી ચિંતા એ હતી કે કોઈ પણ સંજોગોમાં વિદ્યાર્થીઓનું
આખું શૈક્ષણિક વર્ષ બગડવું ન જોઈએ તેવું પણ મોદીએ કહ્યું. પરીક્ષા યોજી, પરિણામ જાહેર
કરી દેવાયું પરંતુ સરકાર આટલાથી સંતુષ્ઠ નથી તેવું કહીને તેમણે કાયદાકીય કાર્યવાહીના
સંકેત આપ્યા હતા. બરાબર તે જ અરસામાં સોનમ વાંગચૂકના ઉપવાસ પણ પૂર્ણ થયા. શુક્રવારે
સંસદમાં પેપરલીક વિરોધી સુધારા બિલ મૂકવામાં આવ્યું છે. આ પ્રકારના કૌભાંડમા સામેલ
વ્યક્તિને 10 વર્ષ સુધીની કેદ, રૂ. 10 કરોડ સુધીનો ભારે દંડ કરવાની જોગવાઈ છે.
સજાની
લઘુતમ મુદત પણ 3 વર્ષથી વધારીને 5 વર્ષ કરી નંખાઈ છે. વિશેષ તો એ કે પેપરલીકના કેસ
માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરાશે અને 3 જ માસમાં ચુકાદો આપી દેવાશે. સોમવારે
આ બિલ વિશે ચર્ચા થશે. આમ તો જે પગલાં લીધાં છે તે પછી હવે વિપક્ષ પાસે કોઈ મુદ્દો
રહેતો નથી. જો કે તેઓ તો શિક્ષામંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગને વળગી રહ્યા
છે. તે માગ પૂર્ણ થવાની શક્યતા નથી. રાજીનામું રાજકીય મુદ્દો છે. વિદ્યાર્થીઓ- જનતાને
જે જોઈએ છે તે પ્રકારના નિર્ણય સરકારે લઈ લીધા છે. હજી પણ આગળ જતાં એવું થઈ શકે કે
આખી સિસ્ટમ જ એવી સંગીન બને કે પેપર લીક કરવાની જ કોઈ તક ન રહે, પેપર ફૂટે તો ગુનો
બને ને, પરીક્ષા પદ્ધતિ, ભરતી પ્રક્રિયા જ અણીશુદ્ધ અને સરળ બની જવી જોઈએ કે તેમાં
ગેરરીતિ-ગુનાખોરીનો કોઈ મોકો ન રહે.