આખરે ગુજરાતમાં અષાઢી રંગ છવાયો છે. સામાન્ય જન, ખેડુતોની ચિંતા જરાક ઓછી થઈ છે. ચોમાસું ચાલી રહ્યું હોવાની પ્રતીતિ રાજ્યના ઘણા હિસ્સામાં થઈ છે. પ્રશાસનની શિથિલતા, પારંપરિક અવ્યવસ્થા તો અનેક જગ્યાએ છતી થઈ છે પરંતુ વરસાદ જો આવતો જ હોય તો મુશ્કેલી વેઠવા લોકો તૈયાર છે. ગુરુવારે અમદાવાદની સ્થિતિ તો અતિવિકટ થઈ હતી, દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદે રૌદ્ર રૂપ ધારણ કર્યું છે. ચાર માણસોના મૃત્યુ છે. ગયા અઠવાડિયે સુરતમાં નુકસાન થયું હતું હવે વાપી અને નવસારીનો વારો છે. તેની સામે સૌરાષ્ટ્રની તરસ હજી અપેક્ષા અનુસાર બુઝાઈ નથી. ચોમાસાં પહેલાં એવું કહેવાતું હોય છે કે મેઘરાજા મહેર કરજો. અત્યારે ગુજરાતમાં બે સંદર્ભે આવું કહેવાય તેમ છે, જ્યાં હોનારતની સ્થિતિ છે ત્યાં ખમૈયા કરજો અને હજી જ્યાં ઘટ છે ત્યાં વધારે મહેર કરજો.
જૂનની
15મી તારીખે શરૂ થતી વરસાદી ઋતુના કોઈ અણસાર આ વખતે હતા નહીં. સાસણમાં સિંહદર્શન પણ
15ને બદલે 23મીથી બંધ કરાયું હતું. આ ચિંતાનો અંત આવવાની શરૂઆત દક્ષિણ ગુજરાતથી થઈ
હતી. ગુરુવારે પણ વલસાડના ઉંમરગામમાં સાત ઈંઁઁચ વરસાદ પડયો છે. છેલ્લા બે દિવસમાં
40 ઇંચથી વધારે વરસાદ પડતાં નગર દરિયો બની ગયું છે. ભારે વિપદા આવી પડી છે. સુરતમાં
ફરી ચાર ઈંચ વરસાદ થયો છે. નવસારી અને વલસાડ જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર થયું છે.
અમદાવાદમાં સવારથી ભારે વરસાદને લીધે શહેરમાં અનેક વિસ્તારમાં પાણી ભરાયાં છે. વાહન
વ્યવહારને અસર થઈ હતી. મુખ્યમંત્રીનો કાફલો પણ ફસાય તેટલી હદે માર્ગો જળથી છલોછલ હતા.
આખા
રાજ્યમાં ઋતુનો કુલ વરસાદ 23મી જુલાઈની બપોર સુધીમાં 37.64 ટકા થયો છે. સૌરાષ્ટ્રમાં
હજી વરસાદની ખોટ છે. સરેરાશ 25 ટકા વરસાદ પડયો છે. અમરેલી, સાવરકુંડલામાં સારો વરસાદ
છે. રાજકોટ અને જૂનાગઢમાં આખો દિવસ વરસાદી વાતાવરણ હતું પરંતુ ધોધમાર વરસાદ પડયો નથી.
પોરબંદર, લાલપુર અને સુત્રાપાડામાં પણ ઓછો વરસાદ છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં
31 થી 33 ટકાની ઘટ છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગરમાં પણ પડવો જોઈએ તેના કરતાં
વરસાદ ઓછો છે. વાવણી તો શરૂ થઈ છે, હવે વરસાદની ખાસ જરૂર છે.
27મી જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી આખા રાજ્યમાં કરવામાં આવી છે. મેઘરાજાની મહેરની બન્ને રીતે જરૂર છે. દક્ષિણ ગુજરાતમાં હવે વધારે નુકસાન ન થાય, વધારે જાનહાનિ ન થાય તે આવશ્યક છે અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ પર્યાપ્ત માત્રામાં થાય, જનજીવન અને કૃષિ ઉપર વિપરિત અસર ન થાય તે જરૂરી છે.