દેશના લાખો વિદ્યાર્થીઓ માટે દર વર્ષે પ્રવેશ પરીક્ષાનું સંચાલન, દેખરેખ, મૂલ્યાંકન અને પરિણામ બહાર પાડતી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)માં માત્ર 24 કર્મચારીઓનો કાયમી કર્મચારીગણ છે. આ ઉપરાંત, 73 કૉન્ટ્રાક્ટ કર્મચારીઓ અને 124 આઉટસૉર્સ્ડ લોકો એનટીએની કામગીરીને અંજામ આપે છે. કરાર પર કામ કરતા લોકોમાં એક જનરલ મૅનેજર, એક વરિષ્ઠ સલાહકાર, ત્રણ સલાહકાર, પાંચ વરિષ્ઠ કન્સલ્ટન્ટ, 44 કન્સલ્ટન્ટ, એક સિનિયર સૉફ્ટવેર ડેવલપર, એક પ્યુન અને 17 યુવાન વ્યવસાયિકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પરીક્ષા હોય ત્યારે તેના વ્યાપ અને પ્રકાર પ્રમાણે હંગામી કર્મચારીઓ પાસે એનટીએ કામ લે છે. આવાં સાધનો વચ્ચે કામ કરતી એનટીએના પ્રશ્નપત્રો વારંવાર લીક થાય છે અને મોટાભાગના કિસ્સામાં આ કૉન્ટ્રાક્ટ કર્મચારીઓનો હાથ હોવાનું સામે આવ્યું છે. સમસ્યા દીવા જેવી સ્પષ્ટ છે, દેશના કરોડો વિદ્યાર્થીઓનો ઉચ્ચ અભ્યાસ, તેમની આખી કારકિર્દી અને જીવન જેના પર નિર્ભર છે એવી પરીક્ષાનાં આયોજનમાં અનેક છીંડાં છે. 2018માં સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીમાં એનટીએએ 270 પરીક્ષાઓ હાથ ધરી છે અને 6.6 કરોડથી વધુ ઉમેદવારોને આ પરીક્ષાઓએ આવરી લીધા છે. નેશનલ એલિજિબિલિટી-કમ-ઍન્ટરન્સ ટેસ્ટ-અન્ડર ગ્રૅજ્યુએટ (નીટ-યુજી) 2026 દેશનાં 655 શહેરોમાં 5432 પરીક્ષા કેન્દ્રોમાં 13 ભાષામાં લેવાઈ હતી, જેનું પેપર લીક થતાં જૂનમાં ફરી પરીક્ષા લેવાઈ હતી. મહત્ત્વની સંસ્થાઓમાં કર્મચારીઓની કમીની અસર ગુણવત્તા અને કામગીરી પર થાય છે. શિક્ષણપ્રધાનના રાજીનામાની માગ કરતું આંદોલન નવી દિલ્હીના જંતર-મંતર ખાતે ચાલી રહ્યું છે, તો બીજી તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નીટ લીકનો મામલો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની બાંયધરી આપી છે, પણ તાતી જરૂર ભવિષ્યમાં પેપર લીક ન થાય એ દિશામાં કામ કરવાની છે. પેપર લેખિતમાં લેવાને બદલે અૉનલાઈન ટેસ્ટ લેવાય એવી માગ લાંબા સમયથી થઈ રહી છે, પણ જરૂરી માળખું બરાબર કરવાની છે. સરકારે એનટીએના 47 કર્મચારીઓને બરખાસ્ત કરી આ દિશામાં શરૂઆત કરી છે.
સરકારની
યોજનાઓનો આશય સારો હોય છે અને તેની અમલબજાવણીમાં પણ કોઈ કસર રાખવામાં નથી આવતી, પણ
એનટીએ જેવો જ દાખલો ગ્રામીણ ક્ષેત્રે સ્વાસ્થ્ય સેવા આપતી આશા વર્કર્સની પણ છે. તેમનું
કામ જવાબદારીભર્યું હોવાની સાથે પૂર્ણ સમયનું હોવા છતાં તેમને સ્વયંસેવિકા ગણવામાં
આવે છે અને તેમને મહિને છથી દસ હજાર રૂપિયા જેવું વળતર મળે છે. સરકારો આવા કર્મચારીઓને
સરકારી કર્મચારીઓના ધોરણ પ્રમાણે વેતન આપે તો ખર્ચનો ડુંગર એવરેસ્ટ જેવો બની જાય. જોકે,
આનો ઉકેલ લાવવો રહ્યો, કેમ કે સ્વાસ્થ્ય સંભાળ અને શિક્ષણ એવાં ક્ષેત્રો છે, જેમાં
બાંધછોડનાં પરિણામો આપણી સામે છે. સત્તાવાળાઓએ જ્યારે અને જ્યાં આ પ્રકારે ખર્ચ ઘટાડવાનો
પ્રયાસ કર્યો છે ત્યાં અને ત્યારે સમસ્યાઓ સર્જાઈ છે. આથી આગ લાગે પછી બુઝાવવાના પ્રયાસ
કરવા જ જોઈએ, પણ આગ લાગવાનાં કારણો જાણ્યા પછી પણ આગોતરા ઉપાય ન કરવા એ યોગ્ય તો નથી
જ, ખાસ તો જ્યાં દેશના આવતીકાલના નાગરિકોનો સવાલ હોય ત્યાં તો જરાય નહીં.