વિપરિત
આર્થિક સંજોગો, વૈશ્વિક પડકારોની આંધી વચ્ચે પણ ભારતના અર્થતંત્રની ગતિ યથાવત્ છે તેવો
હરખ વ્યક્ત કરવાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભરતા- સ્વદેશી વસ્તુના
ઉપયોગનો પણ પુન: ઉલ્લેખ કર્યો. આમ તો 2019માં, જ્યારે કોરોનાનું અસ્તિત્વ નહોતું ત્યારથી
તેઓ આ અનુરોધ રાષ્ટ્રને કરી રહ્યા છે પરંતુ 2020 પછી અને વિશેષત: ખાડી યુદ્ધની સ્થિતિ પછી તો તેમણે વારંવાર પ્રજાને
આત્મનિર્ભર થઈ જવા કહ્યું છે. આત્મનિર્ભર થવાની વાત રાજકીય નહીં પરંતુ રાષ્ટ્રીય છે.
દેશના
અર્થતંત્રનો વિકાસદર 7.8 ટકા રહ્યો તેની વધાઇ રાષ્ટ્રને આપીને વડાપ્રધાને આ સ્થિતિને
નાગરિકોના સામૂહિક પ્રયાસોની પરિણીતી ગણાવી હતી. દોઢ માસ પૂર્વે ઈરાન-અમેરિકા વચ્ચે
યુદ્ધ પરાકાષ્ટાએ હતું ત્યારે તેમણે લોકોને સોનું ન ખરીદવા અને ‘વર્ક ફ્રોમ હોમ’ અપનાવીને
પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ નિયંત્રિત કરવા તેમ જ વિદેશયાત્રા ન કરવા અનુરોધ કર્યો હતો તેનો
પુનરોચ્ચાર કર્યો. પહેલાં રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રજોગ સંદેશ આપવાની પરંપરા સ્થાપનાર
વડાપ્રધાને આ અનુરોધ ઈન્સ્ટાગ્રામ ઉપર વીડિયો અપલોડ કરીને જાહેર કર્યો. મુખ્ય મુદ્દો
તો સોનાની ખરીદી નિયંત્રિત કરવાનો છે. સોનાની આવશ્યકતાનો મોટો હિસ્સો ભારત પરદેશથી
આયાત કરે છે. વેશ્વિક ચલણમાં તેની ચૂકવણી થાય. રોકાણના પણ અન્ય ત્રોતો જેટલો ઉચિત આ
વિકલ્પ નથી.
સોનાની
ખરીદી ઉપરાંત પણ આત્મનિર્ભરતાની વિભાવના અગત્યની છે, ભારતમાં તે સો વર્ષથી પણ વધારે
જૂની છે. 1920માં ગાંધીજીએ શરૂ કરેલી અસહયોગની લડતનો પ્રમુખ ધ્વનિ સ્વદેશી-આત્મનિર્ભરતા
હતો. જેના જોરે બ્રિટિશ સરકારની કમ્મર તોડવાની વાત હતી. 2019માં વડાપ્રધાને લાલકિલ્લા
પરથી પોતાના વક્તવ્યમાં ‘લકી કલ કે લિયે લોકલ’નું સૂત્ર આપ્યું હતું. કોરોના, ટ્રમ્પ
ટેરિફ અને યુદ્ધ વખતે ફરીથી એ વાત આવી. ટેક્નોલોજી,
આધુનિક પદ્ધતિને લીધે હવે આપણા દેશમાં ઘણી વસ્તુઓનું ઉત્પાદન શક્ય બન્યું છે તેમ છતાં
મોબાઈલ ફોન સહિતની વસ્તુ આપણે નથી બનાવતા. ઈલેક્ટ્રોનિક વસ્તુઓના બજારમાં જાપાનનો અને
એવી સસ્તી વસ્તુઓમાં ચીનનો દબદબો યથાવત્ છે. પરદેશની વસ્તુઓની સરખામણીમાં આપણી વસ્તુઓની
કિંમત પણ વધારે હોય તો તે એક પ્રકારે અવરોધ છે.
સ્વદેશી
વ્રત કે આત્મનિર્ભરતાનો મુદ્દો અત્યંત અગત્યનો છે. દેશની પ્રજા, ગ્રામ્ય વિસ્તારના
લોકો પગભર થાય તે માટે સ્વદેશી જરૂરી પણ છે. ગ્રામ સ્વરાજનો તો ખ્યાલ જ સ્વતંત્ર દેશનું
પ્રત્યેક ગામડું પણ સ્વતંત્ર બને તે જ હતો. વડાપ્રધાનની આ અપીલ ફક્ત મધ્યમ કે ગરીબ
વર્ગ સુધી જ નહીં, ઉચ્ચ આર્થિક સ્તરવાળા લોકોને પણ અસર કરવી જોઈએ. રાષ્ટ્રધર્મ શબ્દ
ચરિતાર્થ કરવો હોય તો આત્મનિર્ભરતા તરફ જવું જોઈએ. આપણા ઉદ્યોગ-વેપારે પણ ઉત્પાદનની
ગુણવત્તા ઉપર ભાર મૂકવો જોઈએ અને તેમને તેના માટેની સવલત મળવી જોઈએ. આ એક ચક્ર છે.
આર્થિક ચક્રને આમ જ 7.8 ટકાના દરે ચલાવવું હોય તો આ ચક્ર પણ નિરંતર ચાલવું જોઈએ.