શાંતિ માટેનું વૈશ્વિક પારિતોષિક દક્ષિણ આફ્રિકાના કોઈ વ્યક્તિત્વને મળે તેમાં કદાચ આશ્ચર્ય ન હોય અને એ વ્યક્તિત્વનું મૂળ વળી ભારત હોય તો તો આ પુરસ્કાર પાક્કો સમજીએ કારણ કે, જગત આખાને શાંતિનો સંદેશ આપનાર, માનવતાનો મહિમા સમજાવતા વિભૂતિઓ પૈકી એક એવા ગાંધીજીએ આ જ દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહ નામની વિભાવનાનો આવિષ્કાર કર્યો હતો. શાંતિ માટેના નોબેલ પુરસ્કારની જાહેરાત થઈ છે અને આ વર્ષે તે આફ્રિકામાં વસતા પ્રખ્યાત ન્યાય શાત્રી, સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકારના પૂર્વ હાઈ કમિશનર નવાનેથમ ‘નવી’ પિલાઈને આપવામાં આવ્યો છે. તેઓ મૂળ તમિલ છે. 1890માં તેમના દાદા-દાદી તામિલનાડુથી દક્ષિણ આફ્રિકા ગયા હતા.
આ વર્ષે
પણ ડોનાલ્ડ ટ્રમ્પ શાંતિ માટેનો આ પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવી શક્યા નથી તે તો બરાબર
છે પરંતુ છેલ્લા 4 વર્ષમાં નવી પિલાઈ આ પુરસ્કાર મેળવનાર ત્રીજા મહિલા છે. વૈશ્વિક
શાંતિ અને ન્યાયની લડતમાં મહિલાઓના યોગદાન અને સાતત્યપૂર્ણ પ્રયાસોને નોબેલ સમિતિ પ્રાથમિકતા
આપી રહી છે તેનો આ પુરાવો છે. વર્ષ 2023માં ઈરાનના નારગેસ મોહમ્મદીને મહિલા અત્યાચાર
સામેની લડત માટે નોબેલ પુરસ્કાર અપાયો હતો. પરમાણુ શત્ર મુક્ત વિશ્વ માટે કામ કરવા
બદલ 2024માં નિહોન હિડાંક્યો નામના જાપાની
સંગઠનને નોબેલથી સન્માનિત કરાયું હતું અને 2025માં વેનેઝુએલાના મારીયા મચાડો નોબેલ
પુરસ્કાર પામ્યા હતા. વિશ્વ શાંતિની લડાઈમાં ત્રી શક્તિ બરાબર કામે લાગી છે એ અહીં
સાબિત થઈ રહ્યું છે. આ વર્ષે જેમને નોબેલ પુરસ્કાર માટે પસંદ કરાયા છે તે નવા નેથમ
પીલાઈ જીવનપર્યંત માનવ અધિકારના રક્ષણ, રંગભેદનું દૂષણ તથા પીડિતોના અધિકાર માટે લડતા
આવ્યા છે.
અહીં
સૌથી વધારે ઉલ્લેખનીય બાબત એ છે કે, શાંતિ એટલે યુદ્ધ વિરામ, શત્ર વિરામ નહીં, શાંતિ
એટલે લડાઈ કરી રહેલા બે કે વધારે દેશો વચ્ચે મંત્રણા કરાવવી તેટલું જ નહીં પરંતુ વિશ્વમાં
માનવ અધિકારની સમાન ધોરણે સ્થાપના, લોકશાહી મૂલ્યોનું માહાત્મ્ય. આ ત્રણ મહિલાઓ અને
એક સંગઠને ભિન્ન ભિન્ન દેશોમાં અલગ અલગ સમયે આ કામ કર્યું છે. નવી પિલાઈ રંગભેદ વિરોધી
આફ્રિકન આંદોલનથી શરૂ કરી આંતરરાષ્ટ્રીય ક્રિમીનલ કોર્ટ સુધી સક્રિય રહ્યા છે. ન્યાય
પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા અને શ્રદ્ધા તેમણે દાખવ્યા છે. પ્રતાડીત વર્ગો શરણાર્થીઓ
અને મહિલાઓના અધિકારો માટે તેમણે બતાવેલી જાગૃતિનું આ પરિણામ છે.
પુરસ્કાર
ન મળે તેવા અનેક લોકો પણ આ દિશામાં કામ કરી રહ્યા છે પરંતુ શાંતિ ક્ષેત્રે નોબેલ પારિતોષિક
માટે મહિલા કે અન્ય કોઈપણની પસંદગી થાય તેનાથી અનેક લોકોને પ્રેરણા મળી શકે. ઈરાનના
નારગેશ હોય કે વેનેઝુએલાના મારીયા કે પછી આ પિલાઈ આ તમામે સરમુખત્યારશાહી, અત્યાચાર
અને અન્યાય સામે બુલંદ અવાજ ઉઠાવ્યો છે અને દમનનો સામનો લોખંડી મનોબળથી કરીને સત્તાને
ખુલ્લો પડકાર ફેંક્યો છે. સત્ય અને ન્યાયના માર્ગે મક્કમ રીતે ચાલવાથી અડગ રીતે ઉભા
રહેવાથી પરિણામ મેળવી શકાય છે તેવું પણ આ તમામની દાસ્તાન ઉપરથી કહી શકાય. વાત શાંતિ
પુરસ્કારની છે ત્યારે કવિ ઉમાશંકર જોષીનું સ્મરણ થાય, વિશ્વ શાંતિમાં તેમણે લખ્યું
છે :
વહાવો
આત્મશુદ્ધિની ગંગધારા શુભં કરી
જીવશે
જે ટકી રહેશે પ્રેમને પાવકે જળી