• મંગળવાર, 13 ઑક્ટોબર, 2026

કોંગ્રેસની કૂચ, સી.જે.આઈ.ની સ્પષ્ટ વાત

‘ચલો દિલ્હી’નો નારો લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આપીને સુપ્રીમ કોર્ટના પરિસર સુધી કૂચ લઈ જવાનો કાર્યક્રમ તો આપ્યો પરંતુ દેશના મુખ્ય ન્યાયાધીશે જે પ્રત્યુત્તર કૂચકર્મી કોંગ્રેસીઓને આપ્યો તેના ઉપરથી એમ લાગ્યું કે કોંગ્રેસે આ કાર્યક્રમ જાહેર કરવામાં થોડી ઉતાવળ કરી નાખી.  જો કે, કોંગ્રેસની સોમવારની કૂચનું જે સ્વરૂપ હતું તેવું નજીકના ભૂતકાળમાં કોઈપણ પક્ષના રાજકીય કાર્યક્રમમાં જોવા મળ્યું નથી. ચીફ જસ્ટીસને આવેદનપત્ર આપવાનું ન હોય તે મુદ્દે રાહુલ ગાંધીની ટીકા થઈ રહી છે પરંતુ કોર્ટને આપવાની અરજી તો કોંગ્રેસ અને અન્ય પક્ષોએ પહોંચાડી જ દીધી હતી. સર્વોચ્ચ અદાલત સુધી વિશાળ મોરચો લઈને તેઓ ગયા તેની પાછળનો ઉદેશ રાજકીય શક્તિ પ્રદર્શનનો જ હોય શકે. સોમવારે કોર્ટમાં સીજેઆઈને મળવા ગયેલા કોંગ્રેસીઓને ચીફ જસ્ટિસે સમય જ ફાળવ્યો નહીં. અહીં ન્યાયના અધિકારનો ઈનકાર મુખ્ય ન્યાયાધીશે નથી કર્યો પરંતુ આ પદ્ધતિની યોગ્યતા અંગે પ્રતિભાવ આપ્યો છે. શનિવારે ‘જંતર-મંતર’ ખાતે વિરાટ પ્રદર્શન થયા બાદ રાહુલ ગાંધી અને અન્ય કોંગ્રેસી નેતાઓએ સર્વોચ્ચ અદાલત સુધી કૂચ લઈ જઈને ચીફ જસ્ટિસ સૂર્યકાન્તને મળવાનું આહ્વાન કાર્યકર્તાઓને-લોકોને આપ્યું હતું. ચીફ જસ્ટિસે તેમને સમય ન ફાળવ્યો તેની પાછળ કોઈ તર્ક નહીં પરંતુ સ્પષ્ટ કાનૂની કારણ અને જોગવાઈ છે. પ્રથમ તો એ કે જજ એ ફરિયાદ સાંભળનારી વ્યવસ્થા નથી, થયેલી ફરિયાદો- અરજીઓ કે નોંધાયેલા ગુના સંદર્ભે કાનૂનના પરિઘમાં રહીને ન્યાય તોળનાર પરંપરા છે. કોર્ટે આવેદનપત્ર સ્વીકારવાની ના પાડી હતી પરંતુ વિપક્ષી સંગઠને એસઆઈઆર-ચૂંટણી કમિશનર સંદર્ભની કાનૂની અરજી તો આપી જ દીધી હતી.

ચીફ જસ્ટિસ સૂર્યકાન્તે કહ્યું ‘ચૂંટણી કમિશનર અંગે તેમની પાસે અગાઉથી જ અરજીઓ પડી છે જે વિચારાધીન છે’. કાયદાની પરિભાષામાં તે સબ જ્યુડીશ મેટર છે અને તેથી તેના માટેની કોઈ સંગઠન-પક્ષની અરજી તેઓ લઈ શકે નહીં. તેમણે કહ્યું ‘િવપક્ષનો પત્ર તેમને રવિવારે મળ્યો તેનો જવાબ રાત્રે જ અપાઈ ગયો હતો. સર્વોચ્ચ અદાલતના દ્વાર સૌ કોઈ માટે ખુલ્લાં છે. કોઈ સામાન્ય નાગરિક કે જનપ્રતિનિધિ અરજી કરી શકે છે. બંધારણીય વ્યવસ્થા અંતર્ગત કોર્ટ વહીવટી સ્તરે આવી ફરિયાદ પ્રત્યક્ષ લઈ શકે પણ નહીં, ન્યાયિક પ્રક્રિયાની રીતે જ આ થઈ શકે.’ પર્યાવરણથી લઈને ચૂંટણીના ફેરમતદાન કે અન્ય કોઈ પણ બાબતે પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન થઈ શકે, આવેદન આપી શકાય નહીં.

સામાન્ય સ્તરે પણ સબ જ્યુડિશ મેટર હોય તેના માટે ક્યારેય આવેદન ન હોય. વહીવટીતંત્ર સરકારનો વિષય છે, તેની રોજિંદી બાબતોમાં કોર્ટ આવેદનપત્ર સ્વીકારે નહીં. સરકાર સામે, સરકારની નીતિ સામે તેના અમલ સામે વાંધો હોય તો નાગરિકથી લઈને નેતા સુધી કોઈ પણ વ્યક્તિ કોઈ અદાલતમાં જઈ શકે. ક્યારેય સર્વોચ્ચ અદાલત કે જિલ્લા ન્યાયાલયમાં રાજકીય નેતા આવેદનપત્ર આપવા ગયા હોય તેવું ક્યારેય બન્યું છે? આવો સવાલ ઉઠી રહ્યો છે પરંતુ કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ બાદ એ સ્પષ્ટ થયું હતું કે, કાનૂની પ્રક્રિયા થઈ ગઈ તે પછી આ કૂચ થઈ હતી. કોંગ્રેસની સ્થિતિ દેશમાં નબળી હોવા છતાં રાહુલ ગાંધી- પ્રિયંકા ગાંધી અત્યારે એસઆઈઆર અને ચૂંટણી કમિશનર મુદ્દે આક્રમક દેખાઈ રહ્યા છે. જેન ઝીનો પણ તેમને સાથ છે, તેમણે આ આંદોલનને પરિણામ સુધી લઈ જવા હશે તો કોઈ પણ કાર્યક્રમ આપતાં પહેલાં, કોઈ નિર્ણય લેતાં પહેલાં તેના પ્રતિભાવ- પ્રત્યાઘાત શું આવી શકે તે વિચારવું પડશે.કોઈ આહ્વાન બૂમરેંગ સાબિત ન થાય તે તેમણે જોવું પડશે. એક અવિચારી પગલું તેમના પરિશ્રમ ઉપર પાણી ફેરવી શકે છે. અત્યારે દેશમાં એક વાતાવરણ ઊભું થયું છે, ચૂંટણી કમિશનરવાળો મુદ્દો પ્રજાએ પણ ગંભીરતાથી કાને ધર્યો છે ત્યારે આંદોલનકર્તા કોઈ પણ હોય, તેમના ગાંભીર્યની પણ અપેક્ષા છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કે અન્ય કોઈ જજને આવેદનપત્ર આપવાનું હોતું નથી તે મુદ્દે સોશિયલ મીડિયા ઉપર પણ આખો દિવસ ચર્ચા હતી અને તે સાચી જ હતી સામે કોંગ્રેસની સોમવારની કૂચ પણ નોંધપાત્ર તો છે જ.

 

ઇ-પેપરના નવા શુલ્ક