• શુક્રવાર, 09 ઑક્ટોબર, 2026

વિમાન પ્રવાસ અને સબકા વિશ્વાસ

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ ખાતેથી ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સની સંખ્યા ઘટાડવાના નિર્ણય પર હાલ તો નાગરી ઉડ્ડયન મંત્રાલયે રોક લગાડી છે. મુંબઈ ઍરપોર્ટના ટર્મિનલ-વનના તબક્કાવાર રિડેવલપમેન્ટ માટે આગામી 26મી અૉક્ટોબરથી તેત્રીસ ટકા જેટલી ફ્લાઈટ્સનાં ઉડાણ રદ કરવાં જરૂરી હતાં. જોકે, ઍરલાઈન્સ દ્વારા થયેલા વિરોધની નોંધ લેતા કેન્દ્ર સરકારે હસ્તક્ષેપ કર્યો. ઍરપોર્ટના પુનર્વિકાસના પ્રથમ તબક્કામાં ટર્મિનલ-વન બીમાં એક છેડે કેટલોક હિસ્સો તોડી તેનું નવેસરથી બાંધકામ કરવાની યોજના હતી. અહીંથી વર્ષે અંદાજે પચાસેક લાખ પ્રવાસીઓ આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરે છે, જે ટર્મિનલ-વન પરના કુલ પ્રવાસીઓની સંખ્યાનો ત્રીજો ભાગ થાય. આથી, આ ભાગ બંધ થાય તો અહીંથી ઊપડતા-લૅન્ડ થતાં વિમાનો-પ્રવાસીઓને અન્યત્ર ખસેડવા પડે. આથી, ટર્મિનલ-2થી થતાં આંતરરાષ્ટ્રીય ઉડાણોમાં કપાત કરવાની યોજના ઘડાઈ. દર અઠવાડિયે અહીંથી થતાં 770 આંતરરાષ્ટ્રીય ઉડાણોમાંથી 265 જેટલાં ઉડાણો 26મી અૉક્ટોબરથી રદ કરવાં માટે તથા આ ફ્લાઈટ કઈ હોઈ શકે એ નક્કી કરવાની સૂચના મુંબઈ ઍરપોર્ટનું સંચાલન કરતી કંપની અદાણી ઍરપોર્ટ્સ હૉલ્ડિંગ્સ લિમિટેડે ઍરલાઈન્સને આપી. ચિંતા એ કારણસર વધી કે કઈ ફ્લાઈટ રદ કરવી એ નિર્ણય લેવા માટે છઠ્ઠી અૉક્ટોબર સુધીની ડેડલાઈન આપવામાં આવી હતી. વળી, ટર્મિનલ-વન બી પરની ફ્લાઈટ્સ ટર્મિનલ-2 પર ખસેડવાની અને અહીંની ફ્લાઈટ નવી મુંબઈ ઍરપોર્ટ પરથી ઉડાણ ભરે એવી ગોઠવણ હતી. હવે નવી મુંબઈ ખાતે ઍરપોર્ટ ભલે તૈયાર હોય પણ અન્ય સુવિધાઓ શરૂ થઈ ન હોવાથી ઍરલાઈન્સનો દેખીતો વિરોધ હતો. વળી, પ્રવાસીઓની દૃષ્ટિએ પણ નવી મુંબઈ કરતાં મુંબઈમાંનું ઍરપોર્ટ નજીક તથા કનેક્ટિવિટીની દૃષ્ટિએ વધુ સુવિધાજનક પડે એમ છે. આ બધું જોતાં નાગરી ઉડ્ડયન મંત્રાલયની મધ્યસ્થી યોગ્ય જ છે. મુંબઈ ઍરપોર્ટનું રિડેવલપમેન્ટ જરૂરી છે અને સાથે જ ઍરલાઈન્સ કંપનીઓની આર્થિક બાબતોને પ્રભાવિત કરતી બાબતોને પણ નજરઅંદાજ કરી શકાય એમ નથી. નવું ઍરપોર્ટ તૈયાર થઈ ગયું હોવાથી ભવિષ્યમાં કેટલીક ફ્લાઈટ્સ ત્યાંથી ટેકઅૉફ્ફ કરશે એ પણ નક્કી જ છે છતાં ઉતાવળ અને બળજબરી તથા એકલપંડે લેવાતા નિર્ણયો કરતાં સૌને સાથે રાખીને આ બાબતમાં આગળ વધવું આવશ્યક છે. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં એરપોર્ટ તો જામનગર, ભાવનગર, પોરબંદર, કેશોદમાં છે પરંતુ મહત્તમ ફ્લાઈટસ રાજકોટની છે. રાજકોટના એરપોર્ટને આંતર રાષ્ટ્રીય કહેવાયું છે પરંતુ હજી ત્યાંથી એ સેવા શરૂ થઈ નથી. એરલાઈન્સ એમાં રસ લે ત્યારે તે શરૂ થશે તે માટે જરૂરી માળખાકીય સુવિધા ઉભી થાય ત્યારે વિદેશી ઉડાન વિશે જલદી વિચાર થઈ શકે. નવી મુંબઈ અને મુંબઈ ઍરપોર્ટ વચ્ચેનું અંતર જોતાં તથા સીધા જોડાણના અભાવે નવા ઍરપોર્ટ તરફ કેટલીક ફ્લાઈટ્સને વાળવાનો નિર્ણય વ્યવહારુ તો નથી જ. વળી, ઍરપોર્ટ તૈયાર છે, પણ સંબંધિત ગતિવિધિઓ અને સુવિધાઓનું માળખું ઊભું થાય નહીં ત્યાં સુધી બધું નકામું છે. અત્યારે તો નાગરી ઉડ્ડયન મંત્રાલયે વચ્ચે પડી મુંબઈ ઍરપોર્ટના રિડેવલપમેન્ટ માટેની સુધારિત યોજના ઘડવા માટે વીસમી અૉક્ટોબર સુધીનો સમય અપાયો છે. ઍરપોર્ટનું સંચાલન કરતી કંપની, ઍરલાઈન્સ તથા અન્ય ભાગધારકોને સાથે રાખી, સૌનાં હિતમાં હોય એવો માર્ગ કાઢવાની તાકીદ મંત્રાલયે કરી છે. રિડેવલપમેન્ટનું કામ ચારેક વર્ષ ચાલવાનું છે, આથી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવી અનિવાર્ય છે છતાં તેમાં કોઈનેય અગવડ ન થાય એનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે.    

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક