• શનિવાર, 13 જુલાઈ, 2024

નવી શિક્ષણનીતિ, નવું સત્ર, નક્કર અમલની આવશ્યકતા

રાષ્ટ્રીય સ્તરની યુનિવર્સિટીઓની યાદી જાહેર થઈ. 300 નામમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ક્યાંય નથી. આનાથી કોઈને આશ્ચર્ય પણ થયું નથી. અભ્યાસનું કથળેલું સ્તર, રાજકારણથી ખદબદતું આંતરિક અને બાહ્ય વાતાવરણ, જે વિચારધારામાં જ્ઞાતિવાદને ક્યારેય સ્થાન નહોતું ત્યાં પણ જ્ઞાતિનું વધતું મહત્ત્વ જેવી બાબતોથી છેલ્લા કેટલાંક વર્ષોથી યુનિવર્સિટી ઘેરાતી ગઈ, આખરે ઘેરાઈ ગઈ. પરિણામ સ્વરુપ ગ્રેડેશનમાંથી યુનિવર્સિટીએ સ્થાન ગુમાવ્યું. આ જાણીતી વાત પણ છે અને હવે તેની ચર્ચા અસ્થાને છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કદાચ એક પ્રતીક છે. સ્થિતિ અન્યત્ર પણ વિચારણીય છે. બીજા તમામ ક્ષેત્રે પ્રગતિ ઊડીને આંખે વળગે છે પરંતુ શિક્ષણનું ક્ષેત્ર ભવ્યતાની વચ્ચે દિવ્યતાથી વંચિત રહ્યું હોય તેવું ગુર્જર પ્રજા અનુભવી રહી છે. પ્રાથમિકથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી જે થઈ રહ્યું છે તેને સારા પ્રયાસ કહી શકાય પરંતુ અપેક્ષિત પરિણામ મળતું નથી. 

બે વર્ષથી નવી રાષ્ટ્રીય શિક્ષાનીતિના ઢોલ વાગી રહ્યા છે. અગાઉ જે કંઈ થયું તે મેકોલેએ સર્જેલી મોકાણ અને ડાબેરીઓની દેણ હતું તેવો વિચાર વાયરલ થયો. નવી નીતિ અમલમાં આવી. આવવી જોઈએ, આટલા વર્ષે શિક્ષણમાં પરિવર્તન ન આવે તો બીજે ક્યાં આવે? ઘણી વાતો તેમાં આવકાર્ય છે. પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ, વર્ગખંડની અંદર અભ્યાસ એટલું પૂરતું નહીં, વ્યવહારુ કેળવણીને પૂરતો અવકાશ. ગાંધીજીએ નઈ તાલીમમાં વર્ષો પહેલાં જે વાત કરી, નાનાભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોળીએ જેને પ્રમાણી તે પ્રકારની વાતો નવી નીતિમાં દાખલ કરાઈ જેનું મહદંશે સ્વાગત થયું હતું. હવે સવાલ ઊઠી રહ્યો છે કે આ નીતિના અમલનું શું ?

રાષ્ટ્રીય શિક્ષાનીતિ ઘડાઈ તો ગઈ પરંતુ સૌરાષ્ટ્રની સંખ્યાબંધ કોલેજમાં તેના અમલ માટે હજી કોઈ આયોજન નથી. વિષયોની વિસંગતતાના પ્રશ્નો રજૂ થતા રહે છે. કોમર્સના વિદ્યાર્થીઓ આર્યભટ્ટ વિશે ભણે કે કોમ્પ્યુટરનું શિક્ષણ લે તે દ્વિધા છે. અભ્યાસક્રમની અવધિ ચાર વર્ષ કે ત્રણ વર્ષ તે હજી નક્કી થતું નથી. 15મી જૂનથી યુનિવર્સિટીનું સત્ર શરૂ થઈ જશે પરંતુ આ પ્રશ્નોના જવાબ કોલેજો પાસે પણ નથી, પ્રાધ્યાપકો પાસે પણ નથી.  શાળાકીય સ્તરે પણ અનેક મુદ્દા છે. છ વર્ષની વયથી નીચે પહેલાં ધોરણમાં પ્રવેશ નથી તેથી નવા એડમિશનમાં ધરખમ ઘટાડો થશે. દસ લાખથી વધારે બાળકોને શાળામાં પ્રવેશ નહીં મળે. અલબત્ત, આ નવી વ્યવસ્થા છે, જેના કોઈ નકારાત્મક પરિણામ વિશે અત્યારે ધારણા કરવાનું યોગ્ય નથી. 

નવી શિક્ષણનીતિનો વિરોધ નથી, પરંતુ કેટલાક પ્રશ્ન થયા વગર રહેતા નથી. અભ્યાસક્રમમાં ફેરફાર થયા અને થઈ રહ્યા છે. ડાર્વિનનો સિદ્ધાંત, ગાંધીજીની હત્યા પછીની ઘઙટના, મૌલાના અબ્દુલ કલામ આઝાદ કે ડો. અલામા ઈકબાલની બાદબાકી અભ્યાસક્રમમાંથી થઈ. અમુક સમયે જે વાતો જૂની કે બિનજરૂરી લાગે તે ભણાવવાનું બંધ કરવું જોઈએ તેમાં વાંધો નથી. ઈતિહાસનો કોર્સ બદલાય કે સાહિત્યમાં નવા વિચારોને સમાવાય, જે થાય તે પરંતુ કંઈક ભણાવવું તો પડશે ને!  જો તેમાં જ સ્પષ્ટતા નહીં આવે તો નીતિ ગમે તેટલી ઉદાત્ત હશે શું કામની? શિક્ષણ સંદર્ભે શિક્ષણનીતિ કે તે સિવાયની કોઈ પણ બાબતમાં જે જે અવરોધો હોય તે દૂર કરવાના સઘન પ્રયાસ સત્વરે હાથ ધરાવા જોઈએ.

 

ઇ-પેપરના નવા શુલ્ક