2021-22માં પ્રચંડ નિકાસથી તેજી હતી, આ
વર્ષે પુરવઠાને લીધે નિકાસ વધી પણ ભાવ સ્થિર
રાજકોટ,
તા.3 (ફૂલછાબ ન્યૂઝ): ભારતીય દિવેલની માગ વૈશ્વિક બજારમાં વધવાને લીધે નિકાસમાં તીવ્ર
વધારો થયો છે. 2021-22માં ભારતે આશરે પોણા સાત લાખ ટનની નિકાસ કરી હતી. એ વખતે એરંડાના
ભાવમાં ભયંકર તેજી થઈ હતી. જોકે આ વર્ષે એરંડાના ભાવ વાજબી સ્તરે રહેતા દિવેલની નિકાસમાં
વધારો થયો છે. સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિયેશનના આંકડાઓ પ્રમાણે એપ્રિલથી ઓગસ્ટ
સુધીમાં દેશમાંથી 3,11,760 ટનની નિકાસ થઈ છે. જે 2021-22ના સમાન ગાળા પછી સૌથી વધારે
છે.
ભારતમાંથી
ઓગસ્ટ દરમિયાન કુલ 44,607 ટનની નિકાસ કરવામાં આવી છે. આમ એપ્રિલથી ઓગસ્ટનો કુલ આંક
3,11,760 ટન સુધી પહોંચ્યો છે. જે 2021-22ની ઐતિહાસિક નિકાસ વધતે 3,33,800 ટન રહી હતી.
અલબત્ત, 2023-24માં 2,76,216 ટન અને 2022-23માં 2,80,690 ટનની નિકાસ કરવામાં આવી હતી.
ભારતમાં
એરંડાના ભાવ લાંબા સમયથી રૂ.1200ની અંદર ચાલી રહ્યા છે અને દિવેલ પણ રૂ. 1150-1250
વચ્ચે આખું વર્ષ મળ્યું હતું. એનો ફાયદો લઇને ચીન સહિતના દેશોએ ભારતીય દિવેલની ખૂબ
આયાત કરી છે. દિવેલની નિકાસ ભારતમાંથી આખાં વિશ્વમાં થાય છે પણ સૌથી વધારે ખરીદી ચીનની
રહી છે.
2021-22ના
વર્ષમાં એરંડાનો ભાવ દિવેલની વ્યાપક નિકાસને પગલે રૂ. 1500ની સપાટીને વટાવી ગયો હતો.
આ તેજી રેકોર્ડબ્રેક હતી. જોકે આ વર્ષે દિવેલની મોટી નિકાસ છતાં વધુ પુરવઠાને લીધે
એરંડાના ભાવમાં તેજી થઈ શકી નથી. જોકે આ વર્ષે વાવેતરમાં ઘટાડો દેખાઈ રહ્યો હોવાથી
સીઝનના અંતે એરંડામાં ઉછાળો આવવાની શક્યતા સૌને દેખાય રહી છે.
2021-22માં
દેશમાંથી કુલ 6.62 લાખ ટનની નિકાસ થઇ હતી. એ પછી 2022-23માં 6.06 લાખ ટન અને 2023-24માં
6.46 લાખ ટનની નિકાસ કરવામાં આવી હતી. ભારતમાં ભાવ સ્થિર રહે અને વિદેશી માગ જળવાઈ
રહે તો સાડા છ લાખ ટન કરતા વધારે દિવેલ નિકાસમાં જશે તેવું અભ્યાસુઓનું કહેવું છે.
દરમિયાન અત્યારે એરંડાનાં વાવેતર ગુજરાત અને રાજસ્થાનમાં ચાલી રહ્યા છે. વાવેતરનો અંતિમ
તબક્કો છે પણ બન્ને રાજ્યમાં વાવેતર વિસ્તાર આશરે 30 ટકા કરતા વધારે ઘટયો છે. હજુ પંદરેક
દિવસ સુધી વાવેતરનો તબક્કો ચાલશે. આમ વાવેતરમાં ખરેખર કેટલો ઘટાડો આવે છે તેના પર બજારની
નજર છે.