ખાદ્યતેલનું ઉત્પાદન, સ્ટોક, વેચાણ અને આયાત-નિકાસના આંકડા તૈયાર રાખવા પડશે
રાજકોટ,તા.8:
(ફૂલછાબ ન્યૂઝ) ખાદ્યતેલ ક્ષેત્રે દેશમાં ફરીથી ઇન્સ્પેક્ટર રાજની સ્થિતિ સર્જાવાની
સંભાવના છે. કેન્દ્ર સરકારે વેજીટેબલ ઓઇલ પ્રોડક્શન એન્ડ અવેલેબિલીટી 2025 નામનો એક
ડ્રાફ્ટ જાહેર કર્યો છે. આ ડ્રાફ્ટમાં ખાદ્યતેલનું ઉત્પાદન, વેચાણ, સ્ટોક, આયાત અને
નિકાસના આંકડાઓ દર મહિને કેન્દ્રને આપવાના થશે.
સરકારે
હજુ ડ્રાફ્ટ રજૂ કર્યો છે અને ઉદ્યોગના સૂચનો માગ્યા છે. જોકે ડ્રાફ્ટ જારી થતાં ઉદ્યોગના
નાના મોટાં તમામ ખેલાડીઓ ફરીથી ઇન્સ્પેક્ટર રાજ આવશે એની અનુભૂતિ કરવા લાગ્યા છે.ડ્રાફ્ટના
સૂચનો ધ્યાને લેવાય તો પણ સરકારને આંકડાઓ આપવાની પળોજણ વધશે. સરકારની સીધી દેખરેખ પણ
ખાદ્યતેલના ધંધામાં રહેશે.
તેલ
ઉદ્યોગના એક જાણકારે કહ્યું કે, સરકારે 2011માં આ પ્રકારે ઓર્ડર કાઢીને આંકડાઓ મેળવવાનું
શરૂ કર્યું હતુ. જોકે એનો અમલ બહુ ઢીલો હતો. મોટાંભાગના કોઇ આંકડા આપતા નથી. હવે ઓનલાઇન
પોર્ટલ મારફતે આખી કામગીરી કરવા ઇચ્છે છે. ડ્રાફ્ટ પ્રમાણે સરકાર કંપનીઓના ઉત્પાદન,
રિફાઇનીંગ કે પાકિંગના પ્લાન્ટમાં તપાસ કરી શકે છે. પાલન ન થાય તો કાર્યવાહી પણ થશે.
અત્યારે સરકાર પાસે ખાદ્યતેલના ખાસ આંકડાઓ હોતા નથી. અપૂરતા આંકડાને લીધે સરકારને ઉત્પાદન,
વેચાણ, આયાત-નિકાસ વગેરેની સમીક્ષા કરવામાં સમસ્યા થાય છે. ભાવ વધઘટ થાય ત્યારે પણ
મુશ્કેલી પડે છે.
એક
જાણકાર કહે છે, 1980માં આ રીતે સરકાર અંકુશો રાખતી હતી. એ પછી અંકુશો 2001 આસપાસ દૂર
પણ થયા હતા. હવે ફરીથી એ જ રસ્તે આપણે જઇ રહ્યા છીએ. જોકે તેનો ખાસ ફાયદો નથી કારણકે
સરકાર પાસે આંકડાઓ જશે પણ નિયંત્રણ અઘરું છે.
જોકે
અત્યારે સરકારે 11 જુલાઇ સુધી ડ્રાફ્ટ પર અભિપ્રાયો માંગ્યા છે. અભિપ્રાયો કેવા આવે
છે તે જોવાનું છે. એના આધારે સરકાર આખરી ડ્રાફ્ટ તૈયાર કરી શકે છે. ખરેખર તો જકાતમાં
ઘટાડો થવા છતાં રિટેઇલ બજારમાં ખાદ્યતેલના ભાવ ઘટતા હોતા નથી એ સરકારે જોયું હશે.સરકાર
ખાદ્યતેલના ભાવ નીચાં રાખવા માગતી હોય તેવો ઘાટ છે. જોકે આપણે ત્યાં 60 ટકા ખાદ્યતેલ
આયાત થાય છે એ સરકારે ધ્યાનમાં લીધું નથી. વિશ્વ બજારમાં ભાવ વધે તો આપણે પણ ભાવ વધવાના
જ છે.
ખરેખર
તો મગફળી, રાયડો કે સોયાબીન ત્રણેય તેલિબિયાંનો સરકાર પાસે પુષ્કળ સ્ટોક છે. સરકાર
ધારે તેટલો જથ્થો છૂટ્ટો કરીને તેલના બજારભાવ જાળવી રાખી શકે તેમ છે. વળી આપણ ત્યાં
નાની નાની તેલ મિલો ઘણી છે. અમુક તો ચાર પાંચ લોકોના સ્ટાફથી ચાલે છે ત્યારે તેના આંકડાઓ
કેવી રીતે જાળવી શકાશે એ મોટો સવાલ છે.