ભાવનગર, તા.29: ભાવનગરમાં પૈસા
બાબતે પુત્રએ પિતાની હત્યા નીપજાવતા અરેરાટી મચી છે. ભંગારની ફેરી કરતા પિતા પાસે પુત્રએ
પૈસા માગ્યા હતા. જો કે, પૈસા ન હોવાથી પિતાએ ના પાડતા ઉશ્કેરાયેલા પુત્રએ તેમને છરીના
ઘા માર્યા હતા. બાદમાં સારવારમાં પિતાનું મૃત્યુ નીપજ્યું હતું. ભાવનગરમાં ઇન્દિરાનગરથી નવી નિશાળ સામે રહેતા
66 વર્ષના ઇસ્માઇલભાઈ કુરેશી ભંગારની ફેરી કરે છે. તેઓ ઘરે ગયા ત્યારે તેમના પુત્ર
ફઝલ ઉર્ફે ગફારે વાપરવા માટે પૈસાની માગણી કરી હતી. જો કે, ઇસ્માઇલભાઈએ તેમની પાસે
પૈસા ન હોવાનાં કારણે પુત્રને પૈસા આપવાની ના પાડી હતી. જેથી ફઝલ ઉશ્કેરાઈ ગયો હતો
અને તેણે પિતાને પડખાના ભાગે છરીનો એક ઘા માર્યો હતો અને બીજો ઘા હાથ પર માર્યો હતો.
આ હુમલામાં ઇસ્માઇલભાઈને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે સર ટી હોસ્પિટલમાં દાખલ
કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. પોલીસે આ બનાવમાં
પુત્ર ફઝલ વિરુદ્ધ હત્યાની કલમનો ઉમેરો કરી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.