• શનિવાર, 31 મે, 2025

સૌરાષ્ટ્રમાં કોરોના ફરી સક્રિય

જામનગરમાં એકસાથે 7 કેસ પોઝિટિવ, આરોગ્ય તંત્ર દોડયું

રાજકોટમાં 3 દિવસમાં નવા 4 કેસ નોંધાયા : અમદાવાદમાં 24 કલાકમાં નવા 17 કેસ

અમદાવાદ, જામનગર, રાજકોટ, તા.27 : દેશમાં કોરોના કેસ ધીરેધીરે વધી રહ્યાં છે મુંબઈ બાદ અમદાવાદમાં પણ કેસોનો વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 17 કેસ સામે આવ્યાં છે. સૌરાષ્ટ્રમાં જામનગરમાં એકસાથે 7 નવા કેસ સામે આવતાં આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. રાજકોટમાં પણ 4  લોકો પોઝિટિવ મળી આવ્યાં છે અને કુલ કેસનો આંકડો પાંચ પહોંચ્યો છે. 

ગુજરાતભરમાં એક પછી એક કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યાં છે. રાજ્યના અનેક શહેરોમાં કોરોના કેસ વધતાં આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયું છે છતાં અમદાવાદમાં કોરોનાનો રાફડો ફાટયો છે. છેલ્લા 24 કલાકમાં નવા 17 કેસ સામે આવતાં હડકંપ મચી જવા પામ્યો છે. ચાલુ માસમાં 89 કોરોનાના કેસ નોંધાયા છે અલબત તેમાંથી 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. હાલ 76 એક્ટિવ કેસ છે. બનાસકાંઠામાં કુલ 8 ટેસ્ટમાંથી બે કેસ પોઝિટિવ આવ્યાં છે. જામનગરમાં કોરોનાનું સંક્રમણ ધીમે-ધીમે વધી રહ્યું છે. નવા વેરિયન્ટના હાલ 10 કેસ છે ત્યારે ફરી એક સાથે 7 કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. કામદાર કોલોની વિસ્તારમાં એક જ પરિવારના સેમ્પલ લેવાયાં હતાં જૈ પૈકી 4ના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે જ્યારે ઘાચીની ખડકી વિસ્તારમાં એક મહિલાનો પોઝિટિવ કેસ આવ્યાં બાદ તેના પરિવારના સેમ્પલ લેવાતાં બીજો પોઝિટિવ કેસ સામે આવ્યો હતો. બાકીના અન્ય પરિવારના પણ સેમ્પલ લેવાયાં હતાં જો કે, તમામ નેગેટીવ આવ્યાં છે.

રાજકોટમાં પણ છેલ્લા 3 દિવસમાં કોરોનાના 4 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે. નવા કેસો સાથે રાજકોટમાં અત્યાર સુધીમાં કુલ સક્રિય કેસનો આંકડો પાંચ ઉપર પહોંચી ગયો છે. ગત સપ્તાહે તા.19ના રોજ શહેરના મવડી વિસ્તારમાં ન્યુ ઓમનગરમાં વિદેશથી આવેલા એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યો હતો. દરમિયાન છેલ્લા 3 દિવસમાં વધુ 4 કેસ સામે આવ્યાં છે જેમાં શિવ પાર્કમાં રહેતી એક મહિલા, ગોવિંદનગરમાં રહેતા એક વૃદ્ધ તેમજ સિલ્વર સોસાયટીમાં રહેતા એક પ્રૌઢ તેમજ અન્ય એક દર્દીનો સમાવેશ થાય છે. તમામને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યાં છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક