તલ, મગ અને ડુંગળીના પાકને નુકસાન જતા ખેડૂતો ચિંતામાં
રાજકોટ,
તા.27:
સૌરાષ્ટ્રમાં
મે મહિનાની શરૂઆતથી જ તાપમાનમાં ઘટાડો થયો છે અને ઘણા વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી
રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ભાવનગરના મહુવામાં બે કલાકમાં બે ઇંચ જેટલો
વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. તેમજ ધારીમાં એક અને તળાજામાં પોણો ઇંચ
વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં પણ ઘણા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદના
કારણે ઉનાળુ પાકને નુકસાન જતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
ભાવનગર: શહેર અને જિલ્લામાં આજે સવારથી જ વાદળીયું વાતાવરણ
રહ્યું હતું. ભાવનગર શહેરમાં સવારે ઠંડો પવન ફૂંકાયો હતો . જ્યારે જિલ્લાના મહુવામાં
સવારે 8 વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. તળાજા પંથકમાં પણ સવારે વરસાદ પડ્યો છે. મહુવામાં સવારે ગાજવી સાથે ધોધમાર વરસાદ શરૂ થયો
હતો. સવારે 8 થી 10 બે જ કલાકમાં મહુવામાં 55 મી.મી. વરસાદ નોંધાયો છે.
ધારી:
કમોસમી વરસાદે ખેડૂતોની આર્થિક કમર તોડી નાખી
છે. બાગાયતી પાકની સાથે ડુંગળી, ઘાસચારો સહિતના
પાકને ભારે નુકશાન થયું છે. ખેડૂતોની ડુંગળી ખેતરમાં લણેલી હોવાથી વરસાદ પડતા ડુંગળીમાં
ભારે નુકસાન થયું છે. ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ધારીના સરસીયા, ખીચા દેવળા સહિતના ગામડાઓમાં એક ઇંચ જેટલો
કમોસમી વરસાદ વરસ્યો હતો.
તળાજા:
વહેલી સવારના પાંચેક વાગ્યે તળાજા પંથકના ગગનનું વાતાવરણ વરસાદી થઈ ગયું હતું. દરિયાની
દિશા તરફથી સતત વીજળી થઈ રહી હતી. જે વરસાદના એંધાણ આપતી હતી. સવારે 8.30 કલાકે આકાશી
વાતાવરણ એટલું ઘેઘૂર થયું હતું કે ફેલાતા સૂર્યપ્રકાશને દૂર કરી રીતસર અંધકાર છવાઈ
ગયો હતો. મામલતદાર ઓફીસ દ્વારા સવારે 8 થી 10 મા 16 બાદ 2 કલાક મા 3 મળી કુલ 19 મીમી
વરસાદ નોંધાયો હતો. બોરડા ગામના રસ્તાપર ગોઠણ સમાપાણી વહેતા થતા હતા.
સુરત
: સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વગર ઋતુએ આકાશ કાળા ડિબાગ વાદળોથી ઘેરાઈને વીજળીના કડાકા
ભડાકા સાથે વરસાદ તૂટી પડતા લોકો મુશકેલીમા મૂકાયા છે. મોડી રાતથી વરસાદ વરસવાને પગલે
નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાતા ટ્રાફીક સિગ્નલોને બાદ કરતા નાના ટ્રાફીક
આઈલેન્ડો પર જ્યાં રોડ ટ્રાફીકની મોકાણ ઉભી થાય છે ત્યાં આજે વરસાદને પગલે જામ રહ્યું
હતું. કમોસમી વરસાદને પગલે નોકરી-ધંધા માટે બહાર નીકળનારા લોકો મુશ્કેલીમાં મુકાયા
હતા. વરસેલા વરસાદને લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ડાંગર, કેરી અને કેળાના
પાકને મોટું નુકસાન થયું છે. હવામાન વિભાગના ગઈકાલે સાંજે 6 વાગ્યાથી આજે મોડી સાંજ
સુધીમાં નોંધાયેલા વરસાદી આંકડા મુજબ સુરત જિલ્લાના ઓલપાડમાં 37 મીમી, માંગરોળમાં
42 મીમી, કામરેજમાં 24 મીમી, તેમજ સુરત સિટીમાં 09 મીમી વરસાદ નોંધાયો છે.તથા નવસારી
જિલ્લાના ચીખલીમાં 46 મીમી, વાંસદામાં 38 મીમી, ગણદેવીમાં 25 મીમી, ખેરગામમાં 32 મીમી
અને નવસારી સિટીમાં 20 મીમી વરસાદ નોંધાયો છે. તેમજ વલસાડ જિલ્લાના ધરમપુરમાં 26 મીમી,
ઉમરગામમાં 46 મીમી, વાપીમાં 19 મીમી તેમજ વલસાડ સિટીમાં 49 મીમી વરસાદ નોંધાયો છે.