સંગઠનમાં નવા ચહેરાઓને સ્થાન આપવા કેટલાક
નિક્રિય ધારાસભ્યો-મંત્રીઓને ‘કડક’ ઠપકો પણ અપાશે
વડાપ્રધાન મોદી અને અમિત શાહની
ગુજરાત મુલાકાત બાદ અગત્યની બેઠક
અમદાવાદ,
તા.28 : ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભા બેઠક ઉપર પેટાચૂંટણી માટે ઉમેદવાર નક્કી
કરવાની પ્રક્રિયા માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે
ભાજપે બન્ને પેટા ચૂંટણીના ઉમેદવારોની સાથોસાથ સંગઠનમાં નવા ચહેરાઓને સ્થાન આપવા કેટલાક
નિક્રિય ધારાસભ્યો કે મંત્રીઓને કડક સૂચના આપવા સહિતના મહત્વના મુદ્દે આવતીકાલે ગુરુવારે
ગાંધીનગર ખાતે પાર્લામેન્ટરી બોર્ડ બેઠક યોજી છે.
ગુજરાતમાં
વડાપ્રધાન મોદી અને ગૃહ મંત્રી અમિત શાહની મુલાકાત બાદ હવે ગુજરાતમાં કડી અને વિસાવદર
વિધાનસભાની પેટા ચૂંટણી સાથે જ ભાજપ સંગઠનમાં પણ મહત્ત્વપૂર્ણ ફેરફારની શરુઆત થઈ છે.
આવતીકાલે ગુરુવારે ગાંધીનગરમાં ભાજપના સંસદીય દળની બેઠક યોજાવાની છે, જેમાં મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં પેટા ચૂંટણીના
ઉમેદવારો નક્કી કરવા ઉપરાંત આંતરિક સંગઠન, ધારાસભ્યોની જવાબદારીઓ અને આગલા રાજકીય દિશાનિર્દેશો અંગે ચર્ચા
થવાની શક્યતા છે.
ભાજપના
સૂત્રો મુજબ, બન્ને બેઠક માટે ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા અંતિમ તબક્કે છે. પાર્ટીના
નિમાયેલા પ્રભારીઓ મતવિસ્તારની મુલાકાત લઈ સ્થાનિક સંગઠનના સંયોજકો અને કાર્યકરો સાથે
ચર્ચા કરીને ફીડબેક એકત્રિત કર્યો છે. ખાસ કરીને કડી બેઠક, જે અનુસૂચિત જાતિ માટે અનામત
છે ત્યાં અનેક નામોની લોબી ચાલી રહી છે. હિતુ કનોડિયા સહિતના દાવેદારોનું નામ ચર્ચામાં
છે, જ્યારે વિસાવદર માટે ભાજપમાં તાજેતરમાં સામેલ થયેલા ભૂપત ભાયાણી અને હર્ષદ રીબડિયાના
નામો આગળ છે.
સૂત્રોની
માહિતી અનુસાર, સંસદીય દળની બેઠકમાં કેટલાય બીજાં મહત્ત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની
છે – જેમા સંગઠનમાં નવા ચહેરાઓને સ્થાન આપવું, અને કેટલાક નિક્રિય ધારાસભ્યો કે મંત્રીઓને
કડક સૂચના અપાશે તેવો પણ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ભાજપ આ બેઠક બાદ શનિવાર સુધીમાં
ઉમેદવારોના નામ જાહેર કરે તેવી શક્યતા છે. હાઈકમાન્ડ દ્વારા મંજૂરી મળ્યા પછી પક્ષ
તરફથી સત્તાવાર યાદી જાહેર કરવામાં આવશે.