સર્વિસમાં
મૂકેલી કાર લેવા ગયો ને બે શખસ છરી લઈને તૂટી પડયા, પોલીસે ઈઈઝટના આધારે ફરાર આરોપીની
શોધખોળ હાથ ધરી
ભાવનગર,
તા.28 : ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આજે બપોરના સમયે મહિલા એ.એસ.આઈ.ના પુત્ર
ઉપર બે શખસે છરીના ઘા ઝીંકી ક્રૂર હત્યા કરી નાખી હતા. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો
બનાવ સ્થળે દોડી આવ્યો હતો.
બનાવની
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના સુભાષ નગર પંચવટી ચોક પાસે આજે બપોરના સમયે
કેવલ દિલીપભાઈ વાઘોશી ગઢવી પોતાના સર્વિસમાં મુકેલી કાર લેવા ગયો હતો. તે દરમિયાન બે
શખસે તેના ઉપર છરી વડે ગળા અને પેટના ભાગે જીવલેણ હુમલો કરી નાસી છૂટયા હતા. આ બનાવમાં
ઘટના સ્થળે જ કેવલનું મૃત્યુ નીપજ્યુ હતું. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે
દોડી આવ્યો હતો. પોલીસે સીસીટીવીના આધારે
ફરાર થઈ ગયેલા આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. મરનાર કેવલની માતા રેખાબેન ઘોઘા
રોડ પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવે છે. તેઓ પણ આ બનાવની જાણ થતા દોડી આવ્યા
હતા અને તેમના હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. લોકોના ટોળા એકઠા થયા
હતા. જૂની અદાવતને કારણે આ હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું છે. મૃતક યુવાન પણ હત્યા
કેસમાં જેલમાં જઈ આવ્યો હોવાનું અને જામીન ઉપર છૂટયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ
અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.