ગાંધીનગર લોકભવન ખાતે સામાજિક સમરસતા મહોત્સવ યોજાયો : રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિતના ઉપસ્થિત રહ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા.14 : ‘બાબા સાહેબે
માત્ર બંધારણનું નિર્માણ જ નહીં, પરંતુ દેશની આધુનિક પ્રગતિ અને સામાજિક ન્યાયનો મજબૂત
પાયો નાખ્યો છે. બાબા સાહેબે ભગવાન બુદ્ધના ‘ભવતુ સબ્બ મંગલમ્’ના સિદ્ધાંતને અનુસરીને
સમતાવાદી સમાજ રચવા ‘સમતા’ સમાચાર પત્ર દ્વારા જનજાગૃતિ ફેલાવી હતી. સમાજના અંતિમ છેવાડાના
માનવીને મુખ્યધારામાં લાવવો એ જ સાચી રાષ્ટ્રસેવા છે.’ એમ બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની જયંતીના અવસરે
લોકભવન-ગાંધીનગર ખાતે આયોજીત “સામાજિક સમરસતા મહોત્સવ’’મા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ
જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રપતિએ કહ્યું કે, શિક્ષણ
જ વિકાસની સાચી ચાવી છે. બંધારણમાં શિક્ષણને મૌલિક અધિકારનો દરજ્જો આપવામાં આવ્યો છે.
ખાસ કરીને વંચિત અને પછાત વર્ગોના લોકો પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવવા પ્રેરાય
તે સૌની સહિયારી જવાબદારી છે. તેમણે નૈતિક શિક્ષણ દ્વારા સામાજિક સમરસતાના ભાવને મજબૂત
કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી
મુર્મૂની ઉપસ્થિતિને ગૌરવપૂર્ણ ગણાવતા જણાવ્યું હતું કે, તેમનું જીવન સંઘર્ષ અને તપસ્યાનું
પ્રતીક છે. ખાસ કરીને આદિવાસી સમાજમાં શિક્ષણનો રાહ ચીંધીને તેમણે દીકરીઓ માટે પથપ્રદર્શકનું
કાર્ય કર્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે
બાબાસાહેબે સૌને સમાન તક અને સામાજિક ન્યાયથી નારી શક્તિ સહિત સૌના વિકાસની હિમાયત
કરી હોવાનું જણાવતા ઉમેર્યું હતું કે, 16 એપ્રિલે યોજાનારા સંસદના વિશેષ સત્રને સુસંગત
સૌ કોઈ નારી શક્તિ વંદન અધિનિયમનું સમર્થન કરીને વિકસિત ભારતના નિર્માણમાં નારી શક્તિના
વધુને વધુ યોગદાનને પ્રેરિત કરે.
રાજ્યપાલે રાજકોટના લૂણીવાવ ગામે
ગરીબ પરિવાર સાથે કરેલું ભોજન યાદ કર્યું
રાજ્યપાલે પોતાના સંકલ્પ વિશે વાત કરતા જણાવ્યું
કે, તેઓ ગુજરાતના 267 તાલુકાઓમાં જઈ ગામડાઓમાં રાત્રિ રોકાણ કરી જનસંવાદ કરશે. આ ઉપરાંત
વડાપ્રધાનના ‘એક પેડ મા કે નામ’ અને સ્વચ્છતા અભિયાન થકી ગામડાઓની કાયાકલ્પ કરવાનું
તેમનું લક્ષ્ય છે. તેમણે રાજકોટ જિલ્લાના લૂણીવાવ ગામના ગરીબ પરિવાર સાથે ભોજન લેવાના
પ્રસંગને યાદ કરી ઉમેર્યું કે હૃદયથી હૃદયનું જોડાણ એ જ સાચી સમરસતા છે.